• ખાનગી શાળાઓની મનમાનીનો વધુ એક કિસ્સો સામે આવ્યો
  • રાજકોટની ઉન્નતિ સ્કૂલમાં ફી નહીં ભરતા વિદ્યાર્થીઓને ક્લાસની બહાર બેસાડી હેરાનગતિ કરવામાં આવી
  • વાલીઓ ફી ભરતા નહીં હોવાથી પ્રાર્થના બાદ થોડો સમય માટે જ વિદ્યાર્થીઓને બહાર બેસાડવામાં – સંચાલક

WatchGujarat. ખાનગી શાળાઓમાં ફી ન ભરતા વાલીનાં સંતાનોને જુદી-જુદી રીતે હેરાન કરવામાં આવતા હોય તેવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ઉન્નતિ સ્કૂલનો આવો જ એક વિડીયો સામે આવ્યો છે. જેમાં ઉન્નતિ સ્કૂલમાં ફી નહીં ભરતા વિદ્યાર્થીઓને ક્લાસની બહાર બેસાડી હેરાનગતિ કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. આ મામલે સંચાલકે જણાવ્યું હતું કે, વાલીઓ ફી ભરતા નહીં હોવાથી પ્રાર્થના બાદ થોડો સમય માટે જ વિદ્યાર્થીઓને બહાર બેસાડવામાં આવી રહ્યા છે.

જાણવા મળતી વિગત મુજબ, ઉન્નતિ સ્કૂલમાં વાલી પોતાના સંતાનની બાકી ફી ની પૂછપરછ માટે શાળાએ પહોંચ્યા હતા. ત્યારે ફી નહીં ભરવા બદલ 10 કરતા 10થી વધુ વિદ્યાર્થીઓને ક્લાસની બહાર લોબીમાં નીચે બેસાડયા હોવાનું જોઈ ચોંકી ઉઠયા હતા. અને જાગૃત વાલીએ તે ઘટનનાનો વિડિયો ઉતારી લીધો હતો. આ વિડીયોમાં વાલી વિદ્યાર્થીઓને પૂછે છે કે, તમને શા માટે બહાર બેસાડયા છે? જેના જવાબમાં એક વિદ્યાર્થિની કહે છે કે ફી નથી ભરી એટલે બહાર બેસાડયા છે. જે બાદ તે કહે છે કે પરીક્ષા હોય ત્યારે પેપર પણ કલાસની બદલે બહાર જ આપવા પડે છે.

આ અંગે શાળા સંચાલક સંજય જોશીએ જણાવ્યું હતું કે, 33 વર્ષથી ચાલતી સ્કૂલમાં ધો.1થી12માં હાલ 700 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાંથી અડધાથી વધુ વિદ્યાર્થીઓની છેલ્લા દોઢ વર્ષની ફી બાકી છે. સ્કુલ ફી પણ ઓછી હોવા છતાં વાલીઓ ફી તો ભરતા નથી, અને ક્યારે ભરશે તે પણ કહેતા નથી. આ માટે ફી બાકી હોય તેવા વિદ્યાર્થીઓને પ્રાર્થના બાદ થોડો સમય જ બહાર બેસાડીએ છીએ. જેથી તેમના વાલીઓને ફી ભરવાની ખબર પડે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાના કપરા કાળમાં શાળાઓ બંધ હતી. ત્યારે આવક બંધ થવાથી શાળા સંચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. તે વાત નકારી શકાય તેમ નથી. પણ સ્કુલ સંચાલકોએ એ પણ સમજવું રહ્યું કે વાલીઓ પણ કોરોના કાળમાં વ્યવસાય વિનાના હતા જેથી ફી ભરવામાં મુશ્કેલી પડે. ત્યારે સંચાલકો દ્વારા આ પ્રકારે પઠાણી ઉઘરાણી કરવામાં આવે તે બાબત જરાપણ યોગ્ય નથી. ફી માટે વિદ્યાર્થીને કલાસ બહાર બેસાડવાથી બાળમાનસ ઉપર ગંભીર અસર પડી શકે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud