• પ્રાથમિક તપાસમાં વાયરલ વિડીયો બી-ડીવીઝન પોલીસ મથક વિસ્તારનો હોવાની માહિતી મળી
  • સાર્વજનિક ગણેશ વિસર્જન વખતે ઉત્સાહમાં આવી પોતાની પાસે રહેલી એરગનમાંથી ધડાધડ ફાયરીંગ શરૂ કર્યા
  • નંદનવન સોસાયટીનો આ વિડીયો હોવાનું જાણવા મળતા તે વિસ્તારમાં જઈ સ્થાનિકોને વિડીયો બતાવતા તેમણે શૈલેષે ફાયરીંગ કર્યાનું કહેતા જ પોલીસે તેની અટકાયત કરી

WatchGujarat. શહેરમાં ગણપતિ વિસર્જન વખતે ટોળામાં રહેલો એક શખ્સ હવામાં એરગનથી ફાયરીંગ કરતો હોવાનો વિડીયો ગતરોજ સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. જેના આધારે બી-ડીવીઝન પોલીસે શખ્સની ઓળખ મેળવી ધરપકડ કરી છે. 26 વર્ષીય આરોપી શૈલેષ રામકૃષ્ણસીંગ યાદવ ભગવતીપરા વિસ્તારમાં રહે છે. અને મેડીકલ રિપ્રેઝન્ટેટીવ તરીકે નોકરી કરે છે. આ ફાયરિંગ તેણે ઉત્સાહમાં આવી જઈ કર્યું હોવાનું પણ કબૂલ કરતા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસનાં જણાવ્યા મુજબ, શૈલેષ મુળ બિહારનો વતની છે. ગત તારીખ 21ના રોજ તેના વિસ્તારના સાર્વજનિક ગણેશ વિસર્જન વખતે જયારે સ્થાનિકો ગણપતિ બાપા મોર્યાનાં નાદ સાથે નાચી રહ્યા હતા, બરાબર તે વખતે તેણે ઉત્સાહમાં આવી પોતાની પાસે રહેલી એરગનમાંથી ધડાધડ ફાયરીંગ શરૂ કર્યા હતા. જો કે આ દ્રશ્યોને કોઈએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લેતા તેનો વિડીયો ભારે વાયરલ થયો હતો. જે બાબતની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી લીધો છે.

પ્રાથમિક તપાસમાં આ વાયરલ વિડીયો બી-ડીવીઝન પોલીસ મથક વિસ્તારનો હોવાની માહિતી મળી હતી. જેને પગલે ત્યાની પોલીસ તત્કાળ શોધખોળમાં લાગી ગઈ હતી. દરમિયાન નંદનવન સોસાયટીનો આ વિડીયો હોવાનું જાણવા મળતા તે વિસ્તારમાં જઈ સ્થાનિકોને વિડીયો બતાવતા તેમણે શૈલેષે ફાયરીંગ કર્યાનું કહેતા જ પોલીસે તેની અટકાયત કરી હતી. ત્યારબાદ તેના વિરૂધ્ધ આઈપીસી કલમ ૩૩૬ કે જેની વ્યાખ્યામાં લોકોની જીંદગી જોખમાય કે ભય ફેલાય તેવું કૃત્ય કરવાની છે, તે હેઠળ ઉપરાંત પોલીસ કમિશ્નરનાં જાહેરનામાના ભંગ હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે. સાથે એરગન ઉપરાંત છરા અને બુચ પણ પોલીસે કબ્જે કર્યા છે. પ્રાથમિક પુછપરછમાં આરોપીએ આબુથી એરગન લઈ આવ્યાની કેફીયત આપી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud