• સુથારની માયાજાળમાં આદિવાસી નેતાઓ ના નામે ભરૂચ MP એ ફોડ્યો વધુ એક લેટર બૉમ્બ
  • ખોટા આદિવાસીઓને ગેલમાં અને સાચા આદિવાસીઓને ઘેનમાં ગણાવ્યા
  • જાતિ અંગેના દાખલાઓ જૂની પદ્ધતિએ સહેલાઇથી આપવાના કરેલા નિર્ણયની તરફેણ કરનારા એક નેતા અને 2 મંત્રીને આડે હાથે લીધા

WatchGujarat. જૂની પદ્ધતિએ જાતિના દાખલા આપવાના નિર્ણયની તરફદારી કરનાર ગુજરાતના BJP ના 2 મંત્રીઓ અને 1 નેતા ઉપર ભરૂચ અને નર્મદાના ભાજપ સાંસદ મનસુખ વસાવા કોપાયમાન થવા સાથે નારાજગી વ્યક્ત કરતો વધુ એક લેટર બૉમ્બ ફોડ્યો છે. ભરૂચ સાંસદ મનસુખ વસાવા આખા અને સાચા બોલા નેતા તરીકે જાણીતા છે. સાંસદની 6 ટર્મથી ભરૂચ બેઠક પર સતત લોકસભાની ચૂંટણી જીતતા આવેલા ભાજપના સિનિયર અને વરિષ્ઠ આદિવાસી નેતા છે. આદિવાસી સમાજ અને પાર્ટીમાં સૌથી વધુ લોકપ્રીય નેતાની સરકારમાં હાક અને ધાક બન્ને છે.

આદિવાસીઓના પ્રશ્નો હોય કે પાર્ટીના પ્રશ્નો હોય કે સમાજના અન્ય લોકોના પ્રશ્નો હોય તેની સામે, અન્યાય સામે, ખોટી વાત સામે સતત લડતા અને ન્યાય અપાવતા સાંસદ મનસુખ વસાવા આજકાલ સોશિયલ મીડિયામા સૌથી વધારે ચર્ચિત છે. પ્રજાના પ્રશ્નો સામે સતત અવાજ ઉઠાવતા સાંસદે વડાપ્રધાનથી માંડીને મુખ્યમંત્રી, મંત્રીઓ, અધિકારીઓને પત્રો લખી લેટર બૉમ્બ ફોડી ધડાકા પણ કર્યા છે. જેનાથી સરકાર પણ ઘણીવાર હરકતમાં આવી જાય છે. જોકે મનસુખભાઇના પ્રશ્નો સાચા હોય છે એટલે તંત્ર અને સરકારને પણ ઝુકવું પડે છે.

ખાસ કરીને આદિવાસીઓને અપાતા ખોટા પ્રમાણપત્ર બાબતે MP મનસુખભાઈ લાંબા સમયથી લડત ચલાવી રહ્યા છે. આ પ્રશ્ને તેમણે રાજીનામુ આપવા સુધીની ચીમકી પણ આપી હતી. રાજ્યકક્ષાના આદિજાતિ વિભાગના મંત્રી નિમિષાબેનના જાતિ અંગેના ખોટા દાખલા અંગે સૌથી પહેલા મનસુખભાઇએ અવાજ ઉઠાવ્યો હતો.

હવે આજે વધુ એક ટિપ્પણી કરી મનસુખભાઈએ ધડાકો કર્યો છે. અને સોસીયલ મીડિયામા વાયરલ થયેલો આ લેટર ભારે ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં સાંસદ મનસુખ વસાવાએ જાતિ અંગેના દાખલાઓ જૂની પદ્ધતિએ સહેલાઇથી આપવાનો કરેલો નિર્ણયની તરફેણ કરનારા 3 નેતા, મંત્રીઓ આદિવાસી મોરચાના પ્રદેશ પ્રમુખ હર્ષદ વસાવા, આદિજાતિ કલ્યાણ વિભાગના મંત્રી નરેશ પટેલ તથા રાજ્યકક્ષાના આદિજાતિ વિભાગનામંત્રી નિમિષાબેનને આડે હાથે લઈ ઝાટકણી કાઢી છે.

સાંસદે જણાવ્યું છે કે, આદિવાસી મોરચાના પ્રદેશ પ્રમુખ હર્ષદ વસાવા, આદિજાતિકલ્યાણ વિભાગના મંત્રી નરેશ પટેલ તથા રાજ્યકક્ષાના આદિજાતિ વિભાગનામંત્રી નિમિષાબેને જાતિઅંગેના દાખલાઓ જૂની પદ્ધતિએ સહેલાઇથી આપવાનો કરેલો નિર્ણય આદિવાસી સમાજને ભારે અન્યાય કરતો સાબિત થશે. દાખલા મેળવવામાં મુશ્કેલીઓ પડતી હતી, તે માટે નિયમો હળવા કરવાની જરૂર હતી. દાખલાઓ આપવા માટે કચેરીઓમાં વધુ સ્ટાફની નિમણૂક કરવાની જરૂર હતી. સરકારે લોકોને દ્વારે જે કાર્યક્રમો થયા, તેમાં લોકોને જાતિ અંગેના દાખલાઓ આપવા જોઈતા હતા.

ઉપરાંત નિર્ણય લેવા માટે આદિવાસી ધારાસભ્યો, સંસદ સભ્યો તથા આદિવાસી સમાજના તમામ સંગઠનોની સાથે બે થી ત્રણ તબક્કામાં મીટીંગો કરવાની જરૂર હતી. આવો ઉતાવળિયો નિર્ણય લીધો તે અયોગ્ય નિર્ણય છે. આ નિર્ણયથી ખોટા આદિવાસીઓ ગેલમાં આવી ગયા છે અને સાચા આદિવાસીઓ ઊંઘમાં છે. દરેક પક્ષના આદિવાસી નેતાઓ તથા આદિવાસી સંગઠનોને આદિવાસી યુવાનોની ભાવિ પેઢીની ચિંતા નથી તેવું મને દેખાય છે, તેથી જ બધા જ નેતાઓ ભારે ઘોર નિંદ્રામાં છે. તેથી હું ખોટા નિર્ણય કરનારાઓને પૂછવા માંગુ છું કે, પાછલા વર્ષોમાં લાખો ખોટા જાતિ અંગેના દાખલાઓ રદ નથી કરી શક્યા, ત્યાં આ નવા દાખલાઓ ખોટા આદિવાસીઓ ચૂંટણીના બહાને તથા શિક્ષણના બહાને લઈ જશે, તો એક વખત જાતિ અંગેના દાખલાઓ અપાઈ ગયા પછી તમે કઈ રીતે તે રદ કરી શકશો.

સાંસદ મનસુખ વસાવાએ આ 3 નેતાઓ સામે સણસણતા ઉઠાવેલા સવાલોના હવે કેવા પ્રત્યાઘાતો પડે છે તે જોવું રહ્યું. આગામી દિવસોમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આદિવાસી વોટ બેંક ગણાતા આદિવાસી મતો કોની તરફેણમા પડશે એ તો પરિણામ બાદ જ ખબર પડશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud