• 9 વર્ષની નેન્સી યાદવના પેટમાંથી વાળનો વિશાળ ગુચ્છ નીકળ્યો
  • વાળને કારણે પેટમાં થતી ગાંઠને ટ્રાયકોબેઝોર કહે છે
  • સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના તબીબોએ સઘન સર્જરી કરી

WatchGujarat.વાલીઓને વિચારતા કરે તેવો કિસ્સો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જોવા મળ્યો હતો. શું તમારા બાળકને વાળ ખાવાની કે ચાવવાની આદત તો નથી ? તમને થશે વાળ કોણ ખાઇ ? જી.હા અમુક લોકોને વાળ ખાવાની આદત હોય છે ખાસ કરીને છોકરીઓને. એવો જ એક ચોંકાવનારો કિસ્સો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સામે આવ્યો હતો. જેની હકીકત સાંભળીને તમે વિચારતા થઇ જશો.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં  9 વર્ષની નેન્સી યાદવના પેટમાંથી વાળનો વિશાળ ગુચ્છ નીકળ્યો ! ‘ઘણી કિશોરીઓ, યુવતીઓને પોતાના કે અન્યના વાળ ખાવાની અથવા વાળ ગળી જવાની ટેવ હોય છે ’ જે પેટમાં જઇને ગુચ્છ સ્વરૂપે ગાંઠ બની મહાકાય સ્વરૂપ ઘારણ કરે છે જેને તબીબી ભાષામાં ટ્રાયકોબેઝોર તરીકે ઓળખવામાં આવે છે.

નેન્સીને છેલ્લા એક વર્ષથી પેટમાં દુખાવાની તકલીફ રહેતી

મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશ અને હાલ મહેસાણામાં પેટીયું રળી રહેલા સુર્યકાન્તભાઇ યાદવની દિકરી નેન્સીને છેલ્લા એક વર્ષથી પેટમાં દુખાવાની તકલીફ રહેતી હતી. આ તકલીફ વધુ ગંભીર બનતા તેઓ અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચ્યા. ત્યાના તબીબોને સમસ્યા વધુ ગંભીર જણાઇ આવતા દિકરીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવા જણાવ્યું.

પરિવારજનો વિના વિલંબે દિકરીને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઇને આવ્યા. અહીં તબીબો દ્વારા સી.ટી.સ્કેન, એક્સ-રે જેવા જરૂરી રીપોર્ટસ કરાવવામાં આવ્યા. જેમાં બાળકીના પેટમાં ગાંઠ હોવાનું નિદાન થયું. સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના તબીબો દ્વારા સઘન સર્જરી કરવામાં આવી હતી.

બાળકીના પેટમાં કાંપો મૂકી ખોલીને જોયું ટીમ સ્તબ્ધ થઇ ગઇ

અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના એસોસિએટ પ્રોફેસર ડૉ. જયશ્રી રામજી , એનેસ્થેસિયા વિભાગના ડૉ. સિધ્ધાર્થ અને તેમની ટીમ દ્વારા સર્જરી હાથ ધરવામાં આવી. સર્જરી દરમિયાન બાળકીના પેટમાં કાંપો મૂકી ખોલીને જોયું ટીમ સ્તબ્ધ થઇ ગઇ. પેટમાં વાળના ગુચ્છ સ્વરૂપે ગાંઠ હતી. આ વાળના ગુચ્છાએ પેટમાં હોજરીનું સ્વરૂપ ઘારણ કર્યું હતું જે કારણોસર તે ગાંઠ બની ગઇ હતી. જેને ભારે જહેમત બાદ સર્જરી દ્વારા સફળતાપૂર્વક દૂર કરવામાં આવી છે.

આ અંગે મિડીયા સાથે વાત કરતાં ડૉ. જયશ્રી રામજીએ જણાવ્યુ હતુ કે આ પ્રકારની ગાંઠને ટ્રાયકોબેઝોર તરીકે ઓળખવામાં આવે છે .જે ખાસ કરીને યુવતીઓ , કિશોરીઓમાં વધારે જોવા મળે છે. ઘણી છોકરીઓને પોતાના અથવા તો અન્યના વાળ ખાવાની ટેવ હોય અથવા તો ભૂલથી વાળ ગળી જવાના કારણે આ પ્રકારની સમસ્યામાંથી પસાર થવું પડતુ હોય છે.

છેલ્લા એક વર્ષથી બાળકીના વાળ ઓછા થતા હોય તેવું જણાઇ

વધુમાં જણાવ્યુ હતુ કે અમારી ટીમ દ્વારા જ્યારે પરિવારજનોને દિકરીની હિસ્ટ્રી પૂછવામાં આવી ત્યારે તેઓએ પણ જણાવ્યું કે છેલ્લા એક વર્ષથી બાળકીના વાળ ઓછા થતા હોય તેવું જણાઇ રહ્યું હતુ. આ વાતની અમને જાણ થતા અમે દિકરીનું મનોવૈજ્ઞાનિક તબીબો પાસે કાઉન્સેલીંગ પણ કરાવ્યું છે.

નેન્સીના પિતા સૂર્યપ્રકાશ યાદવ કહે છે કે, મારી દિકરીને પેટમાં દુખાવાની ઘણાં સમયથી ફરીયાદ હતી. સિવિલ હોસ્પિટલમાં આવ્યા બાદ તબીબોએ મારી દિકરીને પીડામુક્ત કરવા સર્જરી હાથ ધરી જે સંપૂર્ણપણે સફળ રહી છે. જે બદલ હું સિવિલ હોસ્પિટલના તબીબો અને રાજ્ય સરકારનો હ્યદયપૂર્વક આભારમાનું છું.

Facebook Comments Box

Videos

Our Partners