• સણોસરા ગામે મધરાત્રે પેટ્રોલ પંપમાં બુકાનીધારી ચાર તસ્કરો ત્રાટકયા હતા
  • ચારેય શખ્સોએ પેટ્રોલ પંપની ઓફિસમાં તોડફોડ કરી હતી
  • ઓફિસમાં સૂતેલો યુવાન જાગી જતા અને તેણે પ્રતિકાર કરતા વંડી ટપી ચારેય નાસી છૂટયા હતા

WatchGujarat.શહેરમાં નાઈટ કરફ્યુ વચ્ચે તસ્કરો સક્રિય બન્યા હોય તેમ શહેરની ભાગોળે આવેલા સણોસરા ગામે મધરાત્રે પેટ્રોલ પંપમાં બુકાનીધારી ચાર તસ્કરો ત્રાટકયા હતા. અને ચારેય શખ્સોએ પેટ્રોલ પંપની ઓફિસમાં તોડફોડ કરી હતી. જોકે ઓફિસમાં સૂતેલો યુવાન જાગી જતા અને તેણે પ્રતિકાર કરતા વંડી ટપી ચારેય નાસી છૂટયા હતા. ઘટનાની જાણ થતાં દોડી ગયેલી પોલીસે ઘાયલ યુવકને સારવાર માટે ખસેડીને આરોપીઓને ઝડપી લેવા સીસીટીવીનાં આધારે તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ, સણોસરા ગામે રહેતા અને સણોસરા ગામે જ નીતાંજલી પેટ્રોલિયમ નામના પેટ્રોલ પંપમાં નોકરી કરતા 22 વર્ષીય ચિરાગ માવજી સાગઠીયા નામનો યુવક રાત્રે પેટ્રોલ પંપની ઓફિસમાં સૂતો હતો. ત્યારે મોડીરાત્રે અઢી વાગ્યાના અરસામાં ચાર બુકાનીધારી શખ્સો પેટ્રોલ પંપમાં ધસી આવ્યા હતા. ત્યારે બુકાનીધારી શખ્સોએ ઓફિસમાં ચોરી કરવાના ઇરાદે ઓફિસના દરવાજામાં પાઇપ ફટકાર્યા હતા પરંતુ દરવાજો ન ખુલતા ચારેય શખ્સોએ ઓફિસની કાચની બારીઓમાં તોડફોડ કરી હતી.

બીજીતરફ તોડફોડ થતા ઓફિસમાં સુતેલો ચિરાગ સાગઠીયા અચાનક જાગી જતા ચારેય શખ્સો સામે પાણીની બોટલો સહિતની વસ્તુઓનો મારો ચલાવ્યો હતો. જેથી ચોરીના ઇરાદે આવેલા તસ્કરો નાસી છૂટયા હતા. આ ઘટના અંગે કુવાડવા પોલીસને જાણ થતા કુવાડવા રોડ પોલીસ મથકનો સ્ટાફ મધરાત્રે સણોસરા ગામે આવેલા નીતાંજલી પેટ્રોલિયમ નામના પેટ્રોલ પંપે ધસી ગયો ગયો હતો. જ્યારે પોલીસે સ્થળ પર જરૂરી કાર્યવાહી કરી કાચના ટુકડા ઉડીને માથે પડતા ઘવાયેલા ચિરાગ સાગઠીયાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. બનાવ અંગે નોંધ કરી પોલીસે તોડફોડ કરનારા તસ્કરોને ઝડપી લેવા તપાસ આદરી છે.

Facebook Comments Box

Videos

Our Partners