• કપડવંજના વણઝારીયા ગામના આર્મી જવાનનો પાર્થિવદેહ આજે વતનમાં લવાયો
  • આર્મી જવાન હરિશસિંહ પરમારની અંતિમયાત્રામાં લોકોની ભારે જનમેદની ઉમટી પડી, 2 કીમી જેટલી લાંબી લાઈનો લાગી
  • ભારત માતા કી જય, વંદે માતરમ્ ના નારા સાથે હજારોની સંખ્યામાં લોકો દુઃખમાં સહભાગી બન્યા
  • સાંજે આર્મી જવાન હરિશસિંહને પોતાના વતનમાં જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે

WatchGujarat. શહાદત વહોરનાર આર્મી જવાન 25 વર્ષિય હરિશસિંહ રાધેસિંહ પરમારનો પાર્થિવદેહ આજે કપડવંજ લાવવામાં આવ્યો હતો. આજે મંગળવારે વહેલી સવારે આર્મી જવાનનો મૃતદેહ અમદાવાદ એરપોર્ટ પરથી સીધો તેઓના વતન કપડવંજના વણઝારીયા ગામે લવાતાં વાતાવરણ રોકકડથી દ્રવી ઊઠ્યું હતું. ઉલ્લેખનીય છે કે જવાનની અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં. લગભગ 2 કીમી જેટલી લાંબી લાઈનો લાગી ચૂકી હતી. ભારત માતા કી જય, વંદે માતરમ્ ના નારા સાથે દુઃખમાં સહભાગી બન્યા છે. જ્યારે આર્મી જવાન હરિશસિંહને પોતાના વતનમાં જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.

જમ્મુ કાશ્મીરમાં આંતકીઓ અને સુરક્ષા દળો વચ્ચે ચાલેલી કલાકોની અથડામણમાં હરિશસિંહને ગોળી વાગી જતાં તેઓ શહીદ થયા છે. જ્યારે આ વાત શહીદ જવાનના વતન સુધી પહોંચી ત્યારે સમગ્ર પંથકમાં ભારે ગમગીની છવાઇ ગઇ છે. આજે સમાજના અગ્રણીઓ સહિત વણઝારીયા ગામના તમામ લોકો અને આસપાસના ગામના લોકો વિશાળ સંખ્યામાં જવાન હરીશસિંહની સ્મશાન યાત્રામાં જોડાયા હતા. આ સમયે હજારો લોકો આ વિર શહીદની યાત્રામાં જોડાયા હતા. જેમાં ઘણાં લોકો વાહનો મારફતે તો ઘણાં લોકો ચાલતાં હાથમાં ધ્વજ લઈ આ શહીદની યાત્રામાં જોડાયા છે. અંતિમયાત્રા બાદ આજે સાંજે આર્મી જવાન હરિશસિંહના પોતાના વતનમાં જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.

જિલ્લામાં ઠેર ઠેર શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાયા

કપડવંજના વણઝારીયા ગામના 25 વર્ષીય યુવાને શહીદી વહોરી લેતા સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી છે. આ સમાચાર પ્રસરતાં જ સમાજના લોકો તથા ગ્રામજનો પરિવારના વહારે આવ્યા છે. મહત્વનું છે કે જવાનની શહીદી પર પરિવારજનો અને પુરેપુરા જિલ્લામાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. ત્યારે આ શહીદ જવાનના પાર્થિવદેહને લોકોએ અશ્રુભિની આંખે વિદાય આપી હતી. એટલું જ નહીં દેશ પ્રેમીઓ સ્વૈચ્છિક રીતે પોતાના ગામમાં રહીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે. દેશ કાજે બલિદાન આપનાર વીર શહીદ હરીશસિંહજી પરમારને અનેક ગામોમાં શ્રદ્ધાસુમન અર્પણ કરાયા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud