• સુરતના પાટીદાર નેતા ધાર્મિક માલવિયાનું મહત્વનું નિવેદન
  • ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ રાજકીય પક્ષમાં જોડાઈ શકે છે – ધાર્મિક માલવિયા
  • નરેશ પટેલ જે પણ રાજકીય પક્ષમાં જોડાશે તેને મોટો ફાયદો થશે – ધાર્મિક માલવિયા

WatchGujarat. વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય પક્ષો પાટીદારોના મતો મેળવવા માટે મથામણ કરી રહ્યા છે. આ દરમિયાન છેલ્લા કેટલાંક સમયથી ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ રાજકારણમાં જોડાશે તેવી અટકળોએ જોર પકડ્યુ છે. ત્યારે નરેશ પટેલ રાજકીય પક્ષમાં જોડાશે તે અંગે સુરતના પાટીદાર નેતા ધાર્મિક માલવિયાએ મહત્વનું નિવેદન આપ્યું છે.

ધાર્મિક માલવિયા સુરત શહેરના પાસ નેતા અને ખોડલધામ સુરતના પ્રમુખ છે. ધાર્મિક માલવિયાએ ઈશારા-ઈશારામાં સંકેત આપ્યા છે કે, ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ  રાજકીય પક્ષમાં જોડાઇ શકે છે. તેમણે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, નરેશ પટેલ જે પાર્ટીમાં જોડાશે તેને ફાયદો થશે. અને સૌરાષ્ટ્રનો વિશાળ પાટીદાર સમાજ નરેશ પટેલની સાથે છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચૂંટણી પહેલા પાટીદારો મતો મેળવવા દરેક રાજકીય પક્ષો મથામણ કરી રહ્યા છે. જેને લઈને નરેશ પટેલ જે પણ પાર્ટીમાં જોડાશે તેને માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

મીડિયા અહેવાલ અનુસાર ધાર્મિક માલવિયાએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના રાજકારણમાં પાટીદારોનું પ્રભુત્વ ઓછું થઈ રહ્યું છે. રાજ્યમાં પાટીદારોનું રાજકીય પ્રભુત્વ જળવાઈ તે માટે સમાજે સંગઠીત થઈ ને પ્રયત્ન કરવા જોઈએ. નોંધનીય છેકે વિધાનસભા ચૂંટણી જેમજેમ નજીક આવી રહી છે તેમતેમ રાજકારણમાં ગરમાવો આવ્યો છે. અને, ખોડલધામના પ્રમુખ નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશને લઇને અનેક વખતથી ચર્ચાઓ ચાલી રહી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સુરતના રાજકારણમાં મોટી હલચલ થઈ રહી છે. આ દરમિયાન સુરતના પાસના નેતા અલ્પેશ કથીરિયા પણ ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે. જેની સાથે નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશના સમાચારે ગરમાવો લાવી દીધો છે.

Facebook Comments Box

Videos

Our Partners