• ‘પહેલાં ઇંડું કે પહેલાં મરઘી?’ જેવો ગૂંચવાયેલો સવાલ “કોરોના સંક્રમણ વધવા માટે પ્રજા જવાબદાર કે સરકાર?”
  • ચૂંટણી બાદ કોરોનાએ માથું ઉચકતાં લોકડાઉન તો નહીં લદાય? તેવી પ્રજાજનોમાં પ્રવર્તતિ ભિતી.

Watch Gujarat. ચૂંટણીનો માહોલ પૂરો થતાં જ કોરોના સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું હોવાથી રાજ્ય સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યુમાં આપવામાં આવેલી ઢીલાશ પાછી ખેંચી લેવામાં આવી છે. તા. 31 માર્ચ સુધી અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુનો અમલ કરવાનો નિર્ણય લેવાયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, છેલ્લાં કેટલાંક દિવસોમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક બની રહી છે ત્યારે “લોકડાઉન તો નહીં લાદવામાં આવેને?” એ પ્રશ્ન પ્રજાજનોને સતાવી રહ્યો છે. ગભરાયેલા પ્રજાજનો મિડીયા કર્મીઓને આ બાબતે પુછપરછ કરી રહ્યાં છે. ત્યારે રાત્રિ કર્ફ્યુનો સમય વધારવાનો નિર્ણય સરકાર દ્વારા લેવાયો છે.

કોરોના મહામારીને પગલે લગભગ ત્રણેક મહિના સુધી પ્રજાજનોએ લોકડાઉનનું પાલન કરવું પડ્યું હતું. ત્યારબાદ તબક્કાવાર અનલોક આવ્યા અને આખરે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનાં ડાકલાં વાગવાના શરૂ થયાં, ત્યારથી લગભગ છેલ્લાં ત્રણેક મહિનાથી સરકારી તંત્ર અને રાજકારણીઓ કોરોનાને કોરાણે મૂકી આવ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ચૂંટણી પ્રચાર – રેલીઓ – સભાઓમાં કોવિડની ગાઈડલાઇન્સનું કોઈ જ પાલન કરવામાં આવ્યું નહીં. અને પરિણામ સ્વરૂપે હવે ચૂંટણીનો માહોલ ઓસર્યા બાદ કોરોનાની ભરતી પરત આવી છે.

જોકે, સરકાર અને રાજકારણીઓ જેટલાં જ પ્રજાજનો પણ કોવિડની ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન કરવામાં જવાબદાર હોવાનું પણ અનેક લોકોનું માનવું છે. પ્રજાજનો પણ કોરોના બાબતે ગંભીરતા દાખવવામાં નિષ્ફળ રહ્યાં હોવાનું પણ ચર્ચાય છે. ત્યારે હાલના તબક્કે તો “કોરોના સંક્રમણ વધવા માટે પ્રજા જવાબદાર કે સરકાર?” આ સવાલ ‘પહેલાં ઇંડું કે પહેલાં મરઘી?’ જેવો ગૂંચવાયેલો ઉત્તર વિનાનો સવાલ બની રહ્યો છે. જવાબદાર જે હોય એ, પણ હવે સરકાર અને પ્રજાએ ગંભીરતાપૂર્વક કોરોના સંક્રમણને નાથવા પ્રયાસ રત થવું આવશ્યક બને છે.

રાજ્યમાં વધતાં કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા તા. 17 માર્ચથી 31 માર્ચ દરમિયાન અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા આ ચાર મહાનગરોમાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુનો અમલ કરવાનો નિર્ણય કરાયો છે. એકંદરે, રાત્રિ કર્ફ્યુના સમયમાં 2 કલાકનો વધારો કરાયો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud