• વનરક્ષકની પરીક્ષામાં ગેરરીતિ થવા મામલે વિદ્યાર્થી નેતા યુવરસિંહની પત્રકાર પરિષદ
  • વનરક્ષકનું પેપર ચાલુ પરીક્ષાએ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યું – યુવરાજસિંહ
  • જે મોબાઈલ નંબર પરથી વાયરલ થયું તે નંબર ભાવનગરનો છે – યુવરાજસિંહ
  • રાજ્ય શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ પેપર લીક થયાની વાત નકારી

WatchGujarat. છેલ્લા 8 મહિનામાં ચોથી વખત સરકારી ભરતી પરીક્ષામાં પેપર લીક થયાના આક્ષેપો થઈ રહ્યા છે. રાજ્યભરમાં વનરક્ષકની કુલ 334 જગ્યાઓ માટે લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનો મામલો સામે આવ્યો હતો. જેમાં મહેસાણાના ઊંઝાના ઉનાવા સેન્ટર પર એક ઉમેદવાર પાસેથી જવાબો લખેલી કાપલી મળી આવી હતી. આ બાદ રાજકોટમાં પણ એક પરીક્ષાર્થી દ્વારા પેપર લીક થયા હોવાના આક્ષેપો કરાયા છે. ત્યારે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે વનરક્ષકની પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે કેટલાંક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.

આજે વનરક્ષકની પરીક્ષામાં ગેરરીતિ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પત્રકાર પરિષદ યોજીને કેટલીક ચોંકાવનારી વિગતો આપી હતી. મીડિયા સાથે વાત કરતાં યુવરાજસિંહે જણાવ્યું હતું કે, શિક્ષણ મંત્રી અને રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ સ્પષ્ટ નિવેદન આપ્યું કે વનરક્ષકની પરીક્ષાનું પેપર લીક નથી થયું. મહેસાણામાં બનેલી ઘટનાને તેઓએ કોપી કેસ ગણાવી હતી. ત્યારે અમારી પાસે વિદ્યાર્થીઓ પાસેથી એકઠા કરેલા કેટલાંક આધાર-પુરાવા છે, જે પરથી પૂરવાર થાય છે કે વનરક્ષકની પરીક્ષાનું પેપર લીક થયું હતું. વનરક્ષક પરીક્ષાનું પેપર બહોળા પ્રમાણમાં સોશિયલ મીડિયા અને અન્ય જગ્યાએ વાયરલ થયું હતું. જેના અધિકૃત આધાર પુરાવા સાથે હું આ વાત કરી રહ્યો છું.

યુવરાજ સિંહે પેપર લીક થયા હોવાનો દાવો કરતાં મીડિયાને જણાવ્યું કે, મહેસાણાના ઊંઝાના ઉનાવા સેન્ટર પર જવાબો સાથેની કાપલી ઝડપાયા બાદ તેને તુરંત જ કોપી કેસ કહી, કોઈ જગ્યાએ પેપર ફૂટ્યું નથી તેવું નિવેદન આપવામાં આવ્યું હતું. જોકે પરીક્ષા શરૂ થતા પહેલા જ સોશિયલ મીડિયા પર તેના ફોટો વાયરલ થઈ ચૂક્યા હતા. જે વ્યક્તિ દ્વારા આ પેપર વાયરલ કરવામાં આવ્યું હતું તે મોબાઈલ નંબર ભાવનગરનો હોવાનું જાણવા મળ્યું છે. ભાવનગરમાં પાલિતાણા ખાતે આવેલા એક કોંચિગ ઈન્સ્ટીટ્યુટમાંથી વનરક્ષકની પરીક્ષાનું પેપર વાયરલ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વનરક્ષકની પરીક્ષામાં થયેલી ગેરરીતીના વિદ્યાર્થીઓ દ્વારા મળેલા પૂરાવા યુવરાજ સિંહે મીડિયા સમક્ષ રજૂ કર્યા હતા. જેમાં શાળાના નામ અને પરીક્ષા કેન્દ્ર અને જે પણ સીટ નંબર ઉમેદવારે ગેરરીતી આચરી છે તે તમામ વિગતો રજૂ કરાઈ હતી.

શું છે સમગ્ર મામલો

મહત્વનું છે કે બે દિવસ અગાઉ રાજ્યભરમાં યોજાયેલી વન રક્ષકની કુલ 334 જગ્યાઓ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ-12 પાસ ઉમેદવારો પણ પરીક્ષા આપી હતી. પરીક્ષા સંપૂર્ણ MCQ આધારિત હતી. આ પરીક્ષા દરમિયાન મહેસાણાના ઊંઝાના ઉનાવાની મીરાંદાતાર સર્વોદય વિદ્યાલયમાં એક ઉમેદવાર પાસેથી જવાબો લખેલી એક કાપલી મળી આવતા તેની સામે કોપી કેસ કરી તપાસ શરૂ કરવામાં આવી હતી. જે બાદ હાઇસ્કૂલના શિક્ષકે તેના ગામના જ 3 પરીક્ષાર્થીઓને પાસ કરાવવા ઘડેલું ષડયંત્ર હોવાનો ખૂલાસો પોલીસ તપાસમાં થયો છે. આ મામલે ઓબ્ઝર્વરે રવિવારે મોડી રાત્રે ઉનાવા પોલીસ મથકમાં કુલ 8 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસે શાળાના શિક્ષક, સુપરવાઇઝર, પટાવાળા અને 4 પરીક્ષાર્થીઓ સહિત 8 આરોપીની ધરપકડ કરી તપાસના કામે 6 દિવસના રિમાન્ડ પર લીધા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટની એક પરીક્ષાર્થી દ્વારા પર વનરક્ષક પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો કર્યા છે. ત્યારે રાજ્યમાં વધુ એક ભરતી પરીક્ષાનું પેપર લીક થયાનો આક્ષેપ થતા ખળભળાટ મચ્યો છે. જોકે આ મામલે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જવાબદારીમાંથી છટકવાની કોશિશ કરીને પેપર લેવાની જવાબદારી ગુજરાત યુનિ.ને સોંપવામાં આવેલી હોવાનું જણાવ્યું હતુ. સાથે સાથે આ એક કોપી કેસ છે. અને તેને ખોટી રીતે રજુ કરીને સરકારને બદનામ કરવા ઉપરાંત યુવાનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થતો હોવાનો વળતો આક્ષેપ કર્યો હતો. ત્યારે હવે આ મામલે તટસ્થ તપાસ થાય છે કે કેમ તે તો અવનારો સમય જ બતાવશે.

Facebook Comments Box

Videos

Our Partners