• ધરતીપુત્રોની આવક બમણી કરવાની વાતો વચ્ચે ડગલેને પગલે ખેડૂતોનું ખુલ્લેઆમ શોષણ
  • ખાતર, દવા, ડીઝલમાં બેથી ચાર ગણો ભાવ વધારો શેરડીના ભાવ આજે પણ 10 વર્ષ પહેલાં જેટલા જ
  • શેરડીના ભાવ 10 વર્ષથી 2500થી 3100ની વચ્ચે પાડવામાં આવી રહ્યા છે
  • બગાસ, મોલાસિસ, ખાંડની રિકવરી સારી હોવા છતાં ભાવ માત્ર 200થી 300 રૂપિયા જ વધારે પાડવા હિલચાલ

WatchGujarat. એક તરફ જગતના તાત ખેડૂતોની સ્થિતિ સુધારવાની, તેમની આવક વધારવાની વાતો કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ એક-બીજા કારણે ખેડૂતોનું ખુલ્લેઆમ શોષણ થતું હોવાની વિગતો સામે આવી છે. મીડિયા અહેવાલ અનુસાર અન્ય ચીજ-વસ્તુઓના ભાવ વધારો થયો હોવા છતાં ખેતપેદાશોના ભાવ હજુ પણ ગોકળગતીએ આગળ વધી રહ્યા છે. જેના કારણે ખેડૂતોને ઓછી આવક મળે છે. મહત્વનું છે કે દક્ષિમ ગુજરાતના મુખ્ય પાક ગણાતા શેરડીના ભાવ આજે પણ 10 વર્ષ પહેલાં જેટલા જ છે. જ્યારે તેની સામે છેલ્લા 10 વર્ષમાં દવા, રાસાયણિક ખાતર, મજૂરી, પેટ્રોલ-ડીઝલના ભાવમાં ચારથી પાંચ ગણો વધારો થયો છે. આ શોષણને કારણે ખેડૂતોની સ્થિતિ કફોળી બની રહી છે.

ખર્ચ વધુ હોવાનું કારણ આગળ ધરી શેરડીના ઓછા ભાવ પાડવા તખ્તો ગોઠવાયો 

મીડિયા રિપોર્ટ મુજબ વીતેલા 10 વર્ષમાં ખેતીની પડતર કિંમતમાં અનેકગણો વધારો થયો છે. પરંતુ ખેતપેદાશોના ભાવ આજે પણ દાયકાઓ જૂના જ છે. શેરડીના ભાવ 10 વર્ષથી 2500થી 3100ની વચ્ચે પાડવામાં આવી રહ્યા છે. જ્યારે રાસાયણિક ખાતરમાં સલ્ફેટની જે ગુણી 2012માં 397ના ભાવે મળતી હતી તેનો ભાવ આજે રૂ.1100 છે. તેમજ 2012માં રૂ.882ની કિંમતે વેચાકા પોટાશની કિંમત વધીને આજે 1700 રૂ. થઈ છે. આ સાથે પેટ્રોલની કિંમતમાં પણ અનેક ગણો વધારો થતા આજે પેટ્રોલ 101 રૂપિયે લીટર મળી રહ્યું છે. જ્યારે ડીઝલ 46 થી 96 રૂપિયા ઉપર પહોંચી ગયું છે.

નોંધનીય છે કે દરેક વસ્તુમાં ભાવ વધારો થયો હોવા છતાં શેરડીનું ઉત્પાદન કરનારા ખેડૂતોને હજી સુધી તેનો લાભ મળ્યો નથી. શેરડીના ટનદીઠ ભાવ આજે પણ 2500થી 3000ની વચ્ચે પાડવામાં આવી રહ્યા છે. જેના કારણે તેમની આર્થિક સ્થિતિ કફોળી બની છે. જેમાં દક્ષિણ ગુજરાતના લાખો ખેડૂતોની સ્થિતિ આજે પણ બદલાઈ નથી. ખેડૂતોને પાયમાલ કરવા સુગરમિલોએ કોઈ કસર બાકી રાખી નથી. પહેલા શેરડીની ઉપરના પાંદડા પોતે પશુઓ માટે લઈ જતા હતા. પરંતુ હવે તો સુગરમિલના શ્રમિકો પોતાની માલિકી ગણી મિલને બદલે મનફાવે તેને આપી દે છે. આ ઉપરાંત શેરડીની કાપણી કરતાં શ્રમિકોની મજૂરી અને વાહતૂકના વધેલી ભાવનો બોજો પણ ખેડૂતો ઉપર પડી રહ્યો છે.

જોકે આ વર્ષે સુગર ફેક્ટરીઓને ખાંડના સારા ભાવ મળવા સાથે બગાસ, મોલાસિસના ભાવ પણ સારા મળ્યાં છે, એટલું જ નહીં કેટલીક સુગરમિલોને ખાંડની રિકવરી પણ સારી આવી છે. ત્યારે શેરડીના ટનદીઠ ઓક્ટોબરના ભાવ 3000થી વધુ પાડવામાં આવે તેવી પ્રબળ માંગણી ઊઠી છે. તેમજ 3000થી નીચા ભાવ પાડવામાં આવે તો ખેડૂતોએ લડી લેવાનો મક્કમ નિર્ધાર કર્યો છે.

સુગરમિલોના અણઘડ કારભારને કારણે વીતેલા વર્ષોમાં કેટલીક સુગરમિલોને કરોડો રૂપિયાનું લોન અને વ્યાજનું દેવું થઈ ગયું છે. આ વખતે સુગરમિલોના કરોડો રૂપિયાનો ફાયદો થાય તેમ છે. ખેડૂતોને આ વખતે પણ ઊઠાં ભણાવી ઓછા ભાવ જાહેર કરી તગડો નફો રળી લેવા સુગરમિલોના કારભારીઓએ તખ્તો ગોઠવી દીધો છે. આ વર્ષે સુગરમિલોને ખાંડની સારી રિકવરી મળવા સાથે બગાસ, મોલાસિસના પણ સારા ભાવ મળ્યા હોવાથી શેરડીના ભાવ 3000થી 3500 રૂપિયા વચ્ચે ભાવ પાડવામાં આવે તેવી માંગ ઊઠી છે.

Facebook Comments Box

Videos

Our Partners