• શાળાઓમાં વિદ્યાર્થીઓ પોઝિટિવ થવાનો સિલસિલો યથાવત
  • ત્રીજીથી વિદ્યાર્થીઓને વેક્સિનેશન શરૂ કરવા તજવીજ
  • ત્રીજી જાન્યુઆરીથી 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓને વેક્સિનેશનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે

WatchGujarat. સુરતમાં ઓમીક્રોન અને સાથે સાથે કોરોનાના કેસોમાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. આરોગ્ય વિભાગ અને વાલીઓ માટે ચિંતાનો વિષય એ બની રહ્યો છે. કે હવે વિદ્યાર્થીઓના સંક્રમિત થવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. સુરતના અથવા ઝોન અને રાંદેર ઝોનમાં કોરોનાના સૌથી વધારે કેસો સામે આવી રહ્યા છે.

સુરતમાં ડિસેમ્બર મહિનામાં જ 40 કરતા વધારે વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે. ખાસ કરીને અઠવા ઝોનમાં સૌથી વધારે કેસો સામે આવી રહ્યા છે. તેમાં 6 શાળાઓ સાત દિવસ માટે બંધ રાખવા સૂચના આપવામાં આવી છે. સાથે સાથે વિદ્યાર્થીઓ સાથે સંપર્કમાં આવેલા તમામ લોકોને પણ ચુસ્ત રીતે ક્વોરેન્ટાઇન રહેવા માટે સૂચના આપવામાં આવી છે.

જે શાળામાં કોરોના પોઝીટીવ વિદ્યાર્થીઓ મળી આવ્યા છે. તેમાં લુર્ડ્ઝ કોન્વેન્ટ, એસડી જૈન, રવિશંકર, અગ્રવાલ, સવાણી અને અંબાણી સ્કૂલના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે શાળાઓ અને કોલેજોમાં વિદ્યાર્થીઓ સંક્રમિત ન થાય તે માટે પાલિકા દ્વારા ખાસ સુરક્ષા કવચ સમિતિ બનાવીને રોજેરોજ તેનું ફોલો અપ  પણ લેવામાં આવી રહ્યું છે. રોજના 2 હજાર કરતા પણ વધારે વિદ્યાર્થીઓનું ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યું છે.

છતાં પણ શાળાઓમાંથી વિદ્યાર્થીઓ પોઝિટિવ આવવાનો સિલસિલો યથાવત છે. તેવામાં હવે તારીખ ત્રીજી જાન્યુઆરીથી 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓને વેક્સિનેશનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. કોર્પોરેશન દ્વારા આ વિદ્યાર્થીઓને શાળામાં જ રસીકરણ થઇ રહે તે પ્રકારનું આયોજન ગોઠવવામાં આવી રહ્યું છે.

આમ, વિદ્યાર્થીઓનું વેક્સિનેશન શરૂ થયા બાદ કોરોનાના કેસો પર કેટલા અંશે કાબુ રાખી શકાય છે તે પણ જોવાની બાબત બની રહેશે. જોકે હાલ તો વાલીઓ અને આરોગ્ય વિભાગ માટે વિદ્યાર્થીઓને લઈને ચિંતાનો માહોલ ચોક્કસથી જોવા મળી રહ્યો છે.

Facebook Comments Box

Videos

Our Partners