• આરોપીઓએ સુરત, નવસારી, જામનગર, કડોદરા કામરેજ, પલસાણા વિસ્તારમાં ચોરી કરી હતી
  • ગાંડા, અંધ અને ભિખારી બનીને ભીખ માંગવાનું નાટક કરી ચોરી કરતા હતા
  • એક સોનાની વીતી તથા રોકડા રૂપિયા 8 હજાર મળી કુલ 7.07 લાખનો મુદામાલ કબજે કર્યો

WatchGujarat.સુરત પોલીસને ચોરોને પકડવામાં મોટી સફળતા હાથ લાગી છે. ગાંડા, અંધ અને ભિખારી બનીને ભીખ માંગવાનું નાટક કરી ચોરી કરતી તામિલનાડુની વઢેરગેંગના બે સાગરીતોને એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે તેઓની પાસેથી 51 મોબાઈલ, 5 લેપટોપ તથા રોકડા રૂપિયા મળી કુલ 7.7 લાખની મત્તા કબજે કરી હતી

મળતી માહિતી મુજબ સુરત એસ.ઓ.જી. પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમી મળી હતી કે ચોરી કરતી ગેંગ સુરતના પુણા વિસ્તારમાં ફરી રહી છે. અને તેઓ ચોરી કરેલો મુદામાલ લઈને ભાગવાની ફિરાકમાં છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી અમેઝીયા વોટર પાર્ક પાસેથી આરોપી મંજન મુનીશાલી વઢેર તેમજ રવીચંદ્રન ગોવિંદન વઢેરને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓની પાસેથી 51 મોબાઈલ ફોન તેમજ 5 લેપટોપ અને એક સોનાની વીતી તથા રોકડા રૂપિયા 8 હજાર મળી કુલ 7.07 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.

પોલીસે આરોપીઓની કડક પૂછપરછ કરતા ખુદ પોલીસ પણ ચોકી ઉઠી હતી. આરોપીઓએ જણાવ્યું હતું કે તમિલનાડુની વાઢેર ગેંગના સભ્યો છે. અને તેઓ છેલ્લા ત્રણ માસથી સુરત ખાતે આવી મકાન ભાડે રાખી રહેતા હતા. બાદમાં વહેલી સવારે સોસાયટીમાં રેકી કરતા અને જે ઘરનો દરવાજો ખુલ્લો હોય તે ઘરની બહાર ધ્યાન રાખવા મંજન મુનીશાળી ઉભો રહેતો અને બાદમાં રવીચંદ્રન ઘરમાં જઈને લેપટોપ, મોબાઈલ, દાગીના કે રોકડ રકમ જે હાથ લાગે તેની ચોરી કરતો હતો. એટલું જ નહી તેઓ બહાર ગામ જતા ત્યારે જે હોટલમાં રોકાતા હતા તે હોટેલ છોડતા પહેલા હોટેલના સ્ટાફના મોબાઈલ ફોનની પણ ચોરી કરી લેતા હતા. અને આવી રીતે આરોપીઓએ સુરત, નવસારી, જામનગર, કડોદરા કામરેજ, પલસાણા વિસ્તારમાં ચોરી કરી હતી

પોલીસની વધુ પૂછપરછમાં સામે આવ્યુ હતું કે આરોપીઓ ગાંડા, અંધ તથા ભિખારી બનીને ભીખ માંગવાનું નાટક કરી વહેલી સવારના સોસાયટીમાં આટફેરા મારે છે. ત્યારબાદ કોઈ ઘરનો દરવાજો ખુલ્લો હોય તે ઘરને ટાર્ગેટ કરી તેમાં ચોરી કરતા હતા. અને જો કોઈ આવી જાય તો ખાવાનું કે ભીખ માંગવાનું નાટક કરે છે.

પોલીસ તપાસમાં પુણા, સચિન, કડોદરા, કામરેજ અને નવસારી રૂરલ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાના ભેદ ઉકેલાઈ ગયા હતા. હાલ આરોપીઓનો કબજો પુણા પોલીસને સોંપ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud