• સુરતની રબર ગર્લ તરીકે ખ્યાતિ પામનાર અન્વી ઝાંઝરૂકિયા વડાપ્રધાન સાથે સંવાદ કરશે
  • ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર-૨૦૨૨’ માટે અન્વીની પસંદગી કરાઈ
  • વડાપ્રધાન અન્વી અને તેના માતાપિતા સાથે ઓનલાઈન સંવાદ કરશે

WatchGujarat. શારીરિક અક્ષમતા છતાં સતત મહેનત અને કોઠાસૂઝથી યોગાસનમાં આગવી ઓળખ ઉભી કરનાર, રબર ગર્લના નામે વિખ્યાત સુરતની દિવ્યાંગ દીકરી અન્વી વિજયભાઈ ઝાંઝરૂકિયાની ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર-૨૦૨૨’ માટે કેન્દ્ર સરકાર દ્વારા પસંદગી કરવામાં આવી ૨૪ તારીખના રોજ સુરત કલેક્ટર કચેરી ખાતે  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સુરત કલેકટરની હાજરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવશે. તેમજ બ્લોક ચેઈન ટેકનોલોજી દ્વારા પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. વડાપ્રધાન રબર ગર્લ અન્વી અને તેના માતાપિતા સાથે ઓનલાઈન સંવાદ કરશે.

નોંધનીય છે કે, ૧૩ વર્ષની અન્વી ઝાંઝરૂકિયાને યોગાસનમાં વિશિષ્ટ પ્રદાન કરવા બદલ તા.૩ ડિસે.૨૦૨૧ ના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા ‘ક્રિએટિવ ચાઈલ્ડ વિથ ડિસેબિલીટી કેટેગરી’માં નેશનલ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.

અન્વી એવા દિવ્યાંગો માટે રોલમોડેલ છે, જેઓ થોડી મહેનતથી સામાન્ય જીવન જીવી શકે છે

પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી અન્વી ધીમી શીખનાર- સ્લો લર્નિંગ બાળા છે. તે જન્મજાત અનેક પ્રકારની શારીરિક અને માનસિક બિમારીથી ઝઝૂમી રહી છે. જન્મજાત હૃદયની ખામી હોવાથી તેની ઓપન હાર્ટ સર્જરી થઈ ચૂકી છે, અને હાલમાં તેને માઈટ્રોટ વાલ્વ લિકેજ છે. ૨૧ ટ્રાઈસોમી અને હાર્શ સ્પ્રિંગ ડિસીઝના કારણે મોટા આંતરડામાં ક્ષતિ છે, જેના લીધે સ્ટૂલ પાસ કરવામાં (મળ ત્યાગ) સમસ્યા રહે છે. તે ૭૫ % બૌદ્ધિક દિવ્યાંગતા ધરાવે છે અને બોલવામાં પણ સમસ્યા અનુભવે છે. આવી અનેક સમસ્યાઓ છતાં પણ મક્કમ મનોબળ અને સખત પરિશ્રમ થકી યોગમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની અનેકવિધ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલો જીત્યા છે. તેણે છેલ્લા ત્રણ વર્ષોમાં રાષ્ટ્રીય સ્તરની યોગ સ્પર્ધાઓમાં ૩ સુવર્ણ ચંદ્રકો અને ૨ કાંસ્ય ચંદ્રકો જીત્યા છે. તેણે કુલ ૪૨ યોગ સ્પર્ધાઓમાં ભાગ લીધો છે, જેમાં ૫૧ જેટલા મેડલો મેળવ્યા છે.

અન્વી એવા દિવ્યાંગો માટે રોલમોડેલ છે, જેઓ થોડી મહેનતથી સામાન્ય જીવન જીવી શકે છે. રાષ્ટ્રીય બાલ પુરસ્કાર-૨૦૨૨ વિજેતા અન્વી ઝાંઝરૂકિયાએ સુરત અને ગુજરાતનું રાષ્ટ્રીય ફલક પર ગૌરવ વધાર્યું છે, અને તમામ ક્ષેત્રના શુભેચ્છકો દ્વારા તેના પર અભિનંદન વર્ષા થઈ રહી છે.

Facebook Comments Box

Videos

Our Partners