• જિલ્લાના 66423 ખેડૂતોને રૂ. 2132 કરોડનું કૃષિલક્ષી ધીરાણ કરાશે, ખેતી માટે સુવિધા ઉભી કરવા રૂ. 120 કરોડની લોન અપાશે
  • વડોદરા જિલ્લાના 103490 MSMEને રૂ. 8505 કરોડની ઇન્વેસ્ટમેન્ટ ક્રેડીટ અને વર્કિંગ કેપિટલ આપવામાં આવશે
  • 2411 છાત્રોને શૈક્ષણિક હેતુની રૂ. 110 કરોડની લોન, 11745 ખાતાધારકોને રૂ. 2270 કરોડ હાઉસિંગ લોન પેટે ધીરાણ થશે

WatchGujarat. વડોદરા જિલ્લામાં કાર્યરત સરકારી અને ખાનગી બેંકો દ્વારા આગામી નાણાકીય વર્ષ દરમિયાન રૂ. 14,000 કરોડનું ધીરાણ કરવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. સરકાર દ્વારા પ્રાયોજિત અગ્રતાના વિભાગો, સુક્ષ્મ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગો સહિત બે લાખથી પણ વધુ લોકોને આ ધીરાણ આયોજનમાં આવરી લેવામાં આવ્યા છે.

કલેક્ટર અતુલ ગોરે વાર્ષિક ધીરાણ આયોજનને લોન્ચ કર્યું

કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની બેંકર્સ કમિટિ કાર્યરત હોય છે. સામાન્ય રીતે જિલ્લામાં જે બેંકની સૌથી વધુ બ્રાંચ હોઇ તે આ બેંકર્સ કમિટિનું સંચાલન કરે છે અને તેને લીડ બેંક કહેવામાં આવે છે. વડોદરા જિલ્લામાં બેંક ઓફ બરોડા લીડ બેંકની ભૂમિકા અદા કરે છે. તેના દ્વારા તૈયાર કરવામાં આવેલા વાર્ષિક ધીરાણ આયોજનને કલેક્ટર અતુલ ગોરે લોન્ચ કર્યું છે.

વડોદરા જિલ્લામાં જુદી જુદી 41 બેંક્સની વિવિધ શાખાઓ કાર્યરત છે. જેના દ્વારા નાણાકીય વર્ષ 2022-23માં વિવિધ ક્ષેત્રમાં થનારા ધીરાણની વિગતો જાણવા જેવી છે. આ બેંક્સ દ્વારા કૃષિમાં કૂલ 66423 ખેડૂતોને રૂ. 2132 કરોડનું ધીરાણ આપવામાં આવશે. જેમાં પાક ઉત્પાદન, તેની સંભાળ અને માર્કેટિંગ ઉપરાંત જળ સ્ત્રોત ઉભા કરવા, પશુપાલન અને ડેરી ઉદ્યોગ, પોલ્ટ્રી ફાર્મિંગ, ઘેટા બકરા અને મત્સ્ય પાલનનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત કૃષિને સંલગ્ન ભૌતિક સુવિધા માટે કુલ 3540 ખેડૂતોને રૂ. 120 કરોડની લોન આપવામાં આવશે. જેમાં કૃષિ પાકોના સ્ટોરેજ માટે વેરહાઉસ, માર્કેટ યાર્ડ, ગોડાઉન, સાઇલો ટાવર, કોલ્ડ સ્ટોરેજ માટે આ ધીરાણ પૂરૂ પાડવામાં આવશે. જ્યારે, કૃષિ આનુષાંગિક પ્રવૃત્તિ માટે સહકારી મંડળી સહિત ફાર્મર્સ ક્લબને રૂ. 493 કરોડનું ધીરાણ કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લઘુ ઉદ્યોગોને બહુ જ પ્રોત્સાહન આપી રહ્યા છે, તે વાતની ઝલક આ પ્લાનમાં સ્પષ્ટ જોવા મળે છે. વડોદરા જિલ્લાના 103490 MSMEને રૂ. 8505 કરોડની ઇન્વેસ્ટમેન્ટ ક્રેડીટ અને વર્કિંગ કેપિટલ આપવામાં આવશે.

આ ઉપરાંત 2411 છાત્રોને શૈક્ષણિક હેતુની રૂ.110 કરોડની લોન આપવામાં આવશે. જ્યારે, 11745 ખાતાધારકોને રૂ.2270 કરોડ હાઉસિંગ લોન પેટે આપવામાં આવશે. સમાજના સર્વાંગી ઉત્થાન માટે સખી મંડળો, SC-ST વર્ગના લોકોને કૂલ મળી રૂ. 230 કરોડની ધીરાણ કરવામાં આવશે. આ ક્રેડિટ પ્લાનના લોન્ચિંગ વેળાએ નિવાસી અધિક કલેક્ટર કુલદીપસિંહ ઝાલા, નાબાર્ડના દર્શન દેઓરે, RBIના મનોજ શર્મા, લીડ બેંક મેનેજર સચિત કુમાર, BOB ના DRM પી. કે. બારીક, આરસેટીના દિનેશ પવાર ઉપસ્થિત રહ્યા હતા.

Facebook Comments Box

Videos

Our Partners