• શહેરની ઐતિહાસિક ધરોહર સમાન બેડી અને રૈયાનાકા ટાવરની ઘડિયાળ લાંબા સમયથી બંધ હાલતમાં
  • રાજકોટની આગવી ઓળખ સમાન આ ઘડિયાળને ફરીથી ચાલુ કરવા ડે. મેયરની મ્યુ. કમિશ્નરને રજૂઆત
  • ટાવરની સાફસફાઈ કરી તેની નિયમિત જાળવણી કરવાની માંગ
  • રજૂઆતને પગલે તાત્કાલિક કામગીરી શરૂ કરવા માટે આદેશો પણ આપી દેવામાં આવ્યા

WatchGujarat. રાજકોટ શહેરની ઐતિહાસિક ધરોહર સમાન બેડી અને રૈયાનાકા ટાવરની ઘડિયાળ લાંબા સમયથી બંધ હાલતમાં છે. રાજકોટની આગવી ઓળખ સમાન આ ઘડિયાળને ફરીથી ચાલુ કરવા ડે. મેયર દર્શીતાબેન શાહે મ્યુ. કમિશ્નર અમિત અરોરાને રજૂઆત કરી છે. તેમજ આ ટાવરની સાફસફાઈ કરી તેની નિયમિત જાળવણી કરવાની માંગ પણ તેમના દ્વારા કરવામાં આવી છે. આ રજૂઆતને પગલે તાત્કાલિક કામગીરી શરૂ કરવા માટે આદેશો પણ આપી દેવામાં આવ્યા છે. ત્યારે હેરિટેજ સમાન આ બંને ઘડિયાળો ટૂંક સમયમાં કાર્યરત થશે.

ડે. મેયરનાં જણાવ્યા મુજબ, શહેરના કંસારા બજારમાં આવેલ રૈયાનાકા ટાવર અને લોહાણાપરામાં આવેલ બેડીનાકા ટાવર હાલ જર્જરિત અવસ્થામાં છે. આ સાથે બંને ટાવરની ઘડિયાળ પણ બંધ હાલતમાં છે. આ હેરિટેજ સમાન ટાવરની દયનિય સ્થિતિને લઈને લોકો છેલ્લા ઘણા સમયથી ટાવરની સાફસફાઈ સહિતની માંગ કરી રહ્યા હતા. જેને લઈને લોકોની આ રજૂઆત મ્યુ. કમિશ્નર સુધી પહોંચાડવા મ્યુ. કમિશ્નરને પત્ર લખ્યો છે. પત્રમાં બંને ટાવરનાં સમારકામ સહિતનાં મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે વિજિલન્સ પોલીસ દ્વારા સતત ચેકીંગ કરી બંને ટાવરોને આવારા તત્વોનાં ત્રાસથી બચાવવા જણાવાયું છે. અને આ માટે જરૂરી આદેશો પણ અપાઈ ચુક્યા હોવાનું તેમણે કહ્યું હતું.

આ મુદ્દે કોંગ્રેસનાં પૂર્વ વિપક્ષનેતા વશરામ સાગઠીયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, આ મુદ્દા ઉપર વિપક્ષએ રજુઆત કરી હતી પણ તેમાં કોઈ નિરાકરણ આવ્યું ન હતું. જો આગામી સમયમાં ટાવરોના સમારકામ થાય તો તેનો હિસાબ પ્રજાને દેખાડવો જોઈએ. ભ્રષ્ટાચાર ન થાય તેની પણ કાળજી રાખવી પડશે. નોંધનીય છે કે થોડા વર્ષો પહેલા બંને ટાવરના સમારકામ માટે સ્ટેન્ડિંગ કમિટીમાં કરોડો રૂપિયા મંજુર થયા હતા. પણ તે માટેની કોઈ કામગીરી થઈ નહોતી.

Facebook Comments Box

Videos

Our Partners