• દિવાળી પર્વ નિમિતે અંબાજી મંદિરમાં દર્શનાર્થે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ હતુ
  • આ વર્ષે દિવાળીમાં અંબાજી મંદિરનો ભંડારો છલકાયો, ભંડારામાં કુલ 67,19,935 રૂપિયાની આવક થઈ
  • રોકડ સાથે ભક્તોએ દિલ ખોલીને સોનું-ચાંદી પણ અર્પણ કર્યા, ભંડારાની આવકની ગણતરીમાં 70-80 લોકો જોડાયા હતા
  • તહેવારો દરમિયાન આવેલા ભક્તોએ દિલ ખોલીને મા અંબાના ચરણમાં ચડાવો મૂક્યો હતો

WatchGujarat. દિવાળી પર્વ નિમિતે રજાઓમાં લોકો જૂદાજૂદા સ્થળે ફરવા જતા હોય છે. જેમાં મોટા ભાગના લોકો ધાર્મિક સ્થળો પર જવાનું પસંદ કરતા હોય છે. આ વર્ષે દિવાળી પર ગુજરાતના મોટાભાગના પવિત્ર યાત્રાધામોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ગુજરાતમાં આવેલા શક્તિપીઠ અંબાજી મંદિર પર લોકો અનેરી આસ્થા ધરાવે છે. જેથી દિવાળી દરમિયાન શક્તિપીઠ અંબાજીમાં પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ હતું. ગત વર્ષે મંદિર બંધ હતું પરંતુ આ વર્ષે છૂટછાટ મળતાં જ ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો. જેમાં મંદિરના ભંડારો ચડાવાથી છલકાયો હતો. ભક્તોએ દિલ ખોલીને મા અંબાના ચરણોમાં સોનું, ચાંદી અને રોકડ સહિતનો ચડાવો મૂક્યો હતો.

દિવાળીના પર્વ દરમિયાન લોકો સામાન્ય રીતે દેવદર્શને જતાં હોય છે. જેથી જ અંબાજી મંદિર દિવાળી દરમિયાન રાત્રે 11 વાગ્યા સુધી ભક્તો માટે ખુલ્લું રાખવામાં આવ્યું હતું. આ વર્ષે અંબાજી મંદિરનો ભંડાર છલકાઈ ગયો હતો. મહત્વનું છે કે અંબાજીના ભંડારામાં કુલ 67,19,935 રૂપિયાની આવક થઈ છે. ચાલુ વર્ષે કોરોનાના કેસમાં ઘટાડો થતાં સરકારે પ્રોટોકોલ સાથે મંદિરો ખોલવાની છૂટ આપી હતી. જેને પગલે અંબાજી મંદિરમાં ભંડારો ખોલવામાં આવ્યો હતો.

ભંડારાની આવકની વિગત

  • ભેટ કાઉન્ટરમાં 22,61,001 રૂપિયા આવક થઈ.
  • માતાજીની ગાદી પર 6,56,701 રૂપિયા, સોનું 199 ગ્રામ, ચાંદી 2032 ગ્રામ, સાડીની આવક 1097 નંગ થઈ.
  • સાડી વેચાણ 973 નંગ, પ્રસાદીના નાના 1,86,641 પેકેટ વેચાયા
  • પ્રસાદીના મીડિયમ પેકેટ 54,241 અને પ્રસાદીના મોટા 22,018 પેકેટ વેચાયા હતા.

ભંડારામાં થયેલી આવકની ગણતરીમાં 70થી 80 લોકોનો જોડાયા હતા

ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં 5 નવેમ્બરે બેસતા વર્ષના દિવસે સવારે 6 વાગ્યે મંગળા આરતી થઈ હતી. રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લુ રહ્યું હતું. આ વર્ષે છૂટછાટ મળતાં જ ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. ભક્તોને આરતીમાં પણ પ્રવેશ અપાયો હતો. માતાજીને છપ્પન ભોગનો અન્નકૂટ પણ ધરાવાયો હતો. તહેવારો દરમિયાન ભક્તોએ દિલ ખોલીને માતાજીના ચરણમાં ભેટ અર્પણ કરી હતી અને ભંડારો છલકાવ્યો હતો. માતાજીના સુવર્ણ શિખર માટે અને માતાજીના દાગીના માટે સોનું પણ દાન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગત બુધવારે ભંડારામાં થયેલી આવકની ગણતરી હાથ ધરાઈ હતી. જે માટે 70થી 80 લોકોનો સ્ટાફ જોડાયો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud