• શહેરના નવલખી મેદાન ખાતે એન્જિનીયરીંગ એક્સપો ચાલી રહ્યો છે, જેને કારણે ત્યાં મોટી સંખ્યામાં લોકોની ચહલ પહલ જોવા મળી રહી છે
  • બપોરે ધોમધખતા તાપમાં નવલખી મેદાનના ગેટ પાસે બાઇક ચાલકનું ગળુ સુકાતા તે પાણી પીવા માટે રોડની બાજુ પર ઉભો રહ્યો
  • પાછળથી બેફામ કાર હંકારી ચાલકે બાઇકને પાછળથી જોરદાર ટક્કર મારી

WatchGujarat.  વડોદરામાં દિનપ્રતિદીન અકસ્માતની ઘટના સામે આવી રહી છે. જેને લઇને ટ્રાફિક નિયમનમાં પોલીસ નિષ્ફળ રહી હોવાની પોલ ખુલ્લી પડી જવા પામી છે. નવલખી મેદાનના ગેટ પાસે પાણી પીવા ઉભા રહેલા બાઇક ચાલકને પાછળથી આવતી કારે ટક્કર મારતા તે ગંભીર ઘવાયો છે. અને કાર રસ્તા પર પલટી મારી ગઇ છે. ઘટનાને પગલે સ્થળ પર રાહદારીઓ એકત્ર થઇ ગયા હતા. અને ઇજાગ્રસ્તને હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો છે. તો બીજી તરફ અકસ્માત સર્જનાર કાર ચાલકને પકડીને પોલીસને સોંપી દેવામાં આવ્યો છે.

વડોદરામાં ટ્રાફિકનું ભારણ દિવસેને દિવસે વધી રહ્યું છે. તેમ તેમ બેફામ વાહન ચલાવીને અન્યને ઇજાગ્રસ્ત કરવાની ઘટનાઓમાં પણ વધારો જોવા મળ્યો છે. હાલ શહેરના નવલખી મેદાન ખાતે એન્જિનીયરીંગ એક્સપો ચાલી રહ્યો છે. જેને કારણે ત્યાં મોટી સંખ્યામાં લોકોની ચહલ પહલ જોવા મળી રહી છે. તેવામાં આજે ચોંકાનવારી ઘટના સામે આવી છે. હાલ રાજ્યમાં ગરમીનો પારો ઉંચે જતા યેલો એલર્ટ આપી દેવામાં આવ્યો છે.

આજે બપોરે ધોમધખતા તાપમાં નવલખી મેદાનના ગેટ પાસે બાઇક ચાલકનું ગળુ સુકાતા તે પાણી પીવા માટે રોડની બાજુ પર ઉભો રહ્યો હતો. અને પાસે રાખેલી પાણીની બોટલ ખોલીને પાણી પી રહ્યો હતો. દરમિયાન પાછળથી બેફામ કાર હંકારી ચાલકે બાઇકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કરને પગલે બાઇક ચાલક નજીકમાં ફંગોળાયો હતો. જે બાદ કાર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાલ પલટી મારી ગઇ હતી.

ઘટનાને પગલે રાહદારીઓ અકસ્માત સ્થળે એકત્ર થઇ ગયા હતા. અને કાર ચાલકને પકડીને પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. તો બીજી તરફ ઇજાગ્રસ્તને સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે, કાર ચાલક ભાડાની કાર લઇને નિકળ્યો હતો. કાર ચાલકે કાર માલિકને અમદાવાદ હોસ્પિટલમાં જવાનું જણાવી નિકળ્યો હતો. તો પછી કાર નવલખી મેદાન પાસે કેવી રીતે આવી તે અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરાવવી જોઇએ. આ મામલે પોલીસ તપાસમાં શું બહાર આવે છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.

Facebook Comments Box

Videos

Our Partners