• કેન્ટોન લેબોરેટરીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બે બોઇલર ફાટતા ધરતી ધ્રુજી
  • એક તબક્કે તો લાગ્યું કે આકાશમાંથી મોત વરસી રહ્યું છે – આર.એમ.સોલંકી
  • બોઇલરના ટુકડા 1 કિમીના દાયરામાં ઉડ્યા,લોકો ભયભીત
આર.એમ.સોલંકી

WatchGujarat. આજે સવારે કેન્ટોન લેબોરેટરીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એક પછી એક બે બોઇલર ફાંટતા ધરતી ધ્રુજી ઉઠી હતી. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે બોઇલરનાં ટૂકડાં નજીકનાં વિસ્તારમાં ઉછળીને પડ્યા હતા. આશરે 1 કિલોમીટરમાં બોઇલરના ટુકડા ઉડ્યાં હતા. જેને કારણે અનેક જગ્યાએ સંપત્તિને નુકસાન પહોંચ્યું છે. આવી સ્થિતિમાં કંપનીના બોઇલર પ્લાન્ટથી અંદાજીત 300 મિટીર દુર ચાની કિટલી ચલાવતા વૃદ્ધ આર.એમ.સોલંકીએ તેમનો અનુભવ watchgujarat.com સાથે વર્ણવ્યો હતો.

 

છેલ્લા બે વર્ષથી આર.એમ.સોલંકી કેન્ટોન લેબોરેટરીઝ નજીક ચાની કિટલી ચલાવે છે. ઉંમરનાં કારણે તેઓ ઓછું સાંભળી શકે છે. આર.એમ સોલંકીએ જણાવ્યું કે આજે સવારે નિયત સમયે મેં મારી ચાની કિટલી શરૂ કરી હતી. તેવામાં લગભગ 9ઃ30ની આસપાસ અચાનક આકાશમાંથી ઉડીને કંઇક મારી આસપાસ જમીન પર પડતું જોયુ હતુ. પહેલા તો મને કંઇ સમજ ના પડી પછી મારી આંખ સામે લોકોને દોડતા જોયા તો થયું કે કંઇક તો બન્યું છે. જો કે થોડી વાર બાદ આકાશમાંથી પડવાનું બંધ થતાં મારા પરિચિત વ્યક્તિએ મને પાસે આવેલી કંપનીમાં બ્લાસ્ટ થયો હોવાની જાણકારી આપી હતી. ત્યારબાદ મેં પણ સલામત જગ્યા જઇને બેસવાનું પસંદ કર્યું હતુ. પરંતુ જે રીતે આકાશમાંથી ટૂકડા જમીન પર પડતા અને લોકો નાસભાગ કરી રહ્યા તે જોઇને એક તબક્કે તો લાગ્યું કે આકાશમાંથી મોત વરસી રહ્યું છે. આ સમયે મારી ચાની કિચલી પર એક વ્યક્તિ ચા પીને તેનુ બાઇક ચાલુ કરી આગળ વધી જ રહ્યો હતો. ત્યાં તો લોખંડનો મોટો ટુકડો રસ્તા પર તેની બાઇકથી થોડે દુર પડતા તે માંડ બચ્યો હતો.

 

અત્રે ઉલ્લેખનીય છે કે કેન્ટોન લેબોરેટરીઝમાં બ્લાસ્ટ થતા બોઇલરના ટુકડા 1 કિમીના દાયરામાં ઉડ્યા જેને લઇને આસપાસનાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે હવે આ ભયાનક બ્લાસ્ટ થવા પાછળ જવાબદાર સામે તંત્ર શું પગલાં લેશે તે જોવું રહ્યું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud