• કોવિડ થી રખે કોઈ સગર્ભા સંક્રમિત થાય તો પૂર્વ પ્રસૂતિ સારવાર સલામત કુદરતી પ્રસવ શસ્ત્રક્રિયા થી પ્રસવ અને માતા – બાળકની સલામતી માટે સુસજ્જ છે ગોત્રી હોસ્પિટલનો પ્રસૂતિ અને સ્ત્રી રોગ વિભાગ
  • ટેકનોલોજી અને પહેલી બે લહેરના અનુભવના વિનિયોગ થી સાવ અલાયદી વ્યવસ્થાઓ કરવામાં આવી છે: બિન કોવિડ સગર્ભાઓ ની સારવાર અને પ્રસુતિની જુદી વ્યવસ્થા કાર્યરત રહેશે
  • સંક્રમિત સગર્ભાઓ માટે જુદા ટ્રાયેજ લેબર રૂમ વેન્ટિલેટર અને ઓક્સિજન ની સુવિધા ન્યુ બોર્ન બેબી કોર્નર આઇસોલેશન વોર્ડ અને આઇસીયુ સજ્જ રાખવામાં આવ્યા છે: ડો.આશિષ શાહ
  • ગર્ભસ્થ શિશુના હૃદયની ધડકનનો જીવંત અને રિયલ ટાઇમ આલેખ તબીબોના મોબાઈલમાં આપતું રિમોટ કાર્ડિયો ટોકોગ્રાફિ ઉપકરણ ઉપયોગમાં લેવાશે

WatchGujarat. હાલમાં જી.એમ.ઈ.આર.એસ.હોસ્પિટલ ગોત્રીના પ્રસૂતિ અને સ્ત્રીરોગ વિભાગે કરેલી વ્યવસ્થાઓ અને વોર્ડ દર્દીઓ વગર સાવ ખાલી છે.તબીબો અને સ્ટાફ આ વોર્ડ આ ત્રીજી વાર ત્રાટકેલી આફતમાં લગભગ સાવ ખાલી રહે એવી પ્રાર્થના વિનીત હૃદયે પરમાત્માને કરી રહ્યો છે.તેમ છતાં,ટેકનોલોજી, મેડિકલ ઈકવિપમેંટ,તાલીમ પામેલા સ્ટાફ અને જરૂરી સ્ક્રીનીંગ થી લઈને અલાયદા વોર્ડની વ્યવસ્થાઓ સાથે, રખે ને કોઈ કોવિડના ચેપથી સંક્રમિત સગર્ભા સારવાર કે પ્રસૂતિ માટે આવે તો ગર્ભસ્થ કે નવજાત શિશુ અને માતાની જીવન રક્ષા માટે સજ્જ છે.

બિન સંક્રમિત અને સંક્રમિત સગર્ભાઓ માટે સારવારની જુદી જુદી વ્યવસ્થાઓ

પ્રથમ બે લહેરોની જેમ જ બિન સંક્રમિત સગર્ભાઓ ની જરૂરી પૂર્વ પ્રસૂતિ સારવાર અને સલામત પ્રસૂતિ માટે સાવ જુદી વ્યવસ્થા આ દવાખાનામાં કાર્યરત રાખવામાં આવી છે એવી જાણકારી આપતાં પ્રાધ્યાપક અને પ્રસૂતિ તેમજ સ્ત્રીરોગ વિભાગના વડા ડો.આશિષ શાહે જણાવ્યું કે,સંક્રમિત સગર્ભાઓ માટે સામાન્ય વિભાગથી સલામત અંતરે ટ્રાયેજ સહિતના જુદા લેબર રૂમ,વેન્ટિલેટર અને ઓક્સિજનની પૂરતી સુવિધા,ન્યુ બોર્ન બોબી કોર્નર, આઇસોલેશન વોર્ડ અને આઇસીયુ સહિતની સગવડો તૈયાર રાખવામાં આવી છે.

તેમણે જણાવ્યું કે ટેકનોલોજી અને પહેલી બે લહેરના અનુભવો ના વિનિયોગ થી સાવ અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અગાઉની લહેરોમાં આ વિભાગે કોવિડ સંક્રમિત 250 થી વધુ સગર્ભાઓ ની પૂર્વ પ્રસૂતિ સારવાર અને 78 જેટલી કોવિડ પોઝિટિવ પ્રસુતિઓ કરાવી છે

અનુભવો અને કેન્દ્ર/ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગો દ્વારા નિર્ધારિત પ્રોટોકોલ અનુસરીને સગર્ભાઓ, પ્રસુતાઓ અને તેમના નવજાત શિશુઓની અમે કાળજી લઈશું તેવી લાગણી વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે અગાઉની લહેરમાં અમે 250 થી વધુ કોવિડ સંક્રમિત સગર્ભાઓ ની યોગ્ય સારવાર કરી શક્યા છે અને 78 જેટલી સગર્ભાઓની સિઝેરિયન અને નોર્મલ સહિત સલામત પ્રસૂતિ કરાવી છે.અમારા સરકારી દવાખાનાની કોવિડ પ્રસૂતિ સુવિધાઓ નો શહેર જિલ્લા ઉપરાંત નજીકના જિલ્લાઓની માતાઓ એ લાભ લીધો છે.પ્રથમ બે લહેરોના શારીરિક અને માનસિક થાક થી ઉભરીને તબીબો,નર્સિંગ અને અન્ય સ્ટાફ નવી ઊર્જા સાથે નવા પડકારોનો સામનો કરવા સંકલ્પબધ્ધ છે ત્યારે નાગરિકો ચેપમુક્ત રહેવા માસ્ક, સેનેટાઈઝર નો ઉપયોગ,સામાજિક અંતરના પાલન સહિત કોવિડ થી બચવાના તમામ નિયમો પાળીને સહયોગ આપે.

અગાઉ કોવિડ સંક્રમિત સગર્ભા ને સિઝેરિયન થી પ્રસૂતિ કરાવવાનો પ્રોટોકોલ હતો.હવે ગર્ભાવસ્થા પર કોવિડની અસરોનો વ્યાપક અભ્યાસ વિશ્વમાં અને આપણા દેશમાં થયો છે.  અનુભવો આધારિત સંશોધનો થી આવી સગર્ભાઓ ને કુદરતી પ્રસવ શક્ય જણાતો હોય તો કરાવવો એવું તારણ આપવામાં આવ્યું છે જે પણ અમલમાં મૂકવામાં આવશે.

સ્થાનિક તેમજ અન્ય જિલ્લાઓના સરકારી દવાખાનાઓના તબીબો અને સ્ટાફને સઘન તાલીમ

નવા પ્રોટોકોલ પ્રમાણે અમારા અહીંના સ્ટાફ ઉપરાંત નજીકના જિલ્લાઓના સરકારી દવાખાનાઓના તબીબો અને નર્સિંગ સ્ટાફને કોવિડ સગર્ભાઓ ની સારવાર અને સલામત પ્રસુતિની તાલીમ આપવામાં આવી છે.છેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સુધી ઓક્સિજન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.તેના પરિણામે અમારા દવાખાના પર અગાઉની સરખામણીમાં ભારણ ઘટવાની અપેક્ષા છે.તેમ છતાં,બહાર થી આવતા કટોકટીભર્યા કેસોની સારવાર માટે અમે સજ્જ રહીશું.

ખાનગી અને કોર્પોરેટ હોસ્પિટલોમાં ભાગ્યેજ જોવા મળે તેવું રિમોટ કાર્ડિયોટોકોલોજી ઉપકરણ ઉપયોગમાં લેવાશે

પ્રસૂતિનો સમય પાકી ગયો હોય અને પ્રસવ પીડાની શરૂઆત થઈ હોય તેવી સગર્ભાના ગર્ભમાં રહેલા શિશુના હૃદયની ધડકનો ના મોનીટરીંગ માટે અત્યાર સુધી આ વિભાગમાં કાર્ડિયો ટોકોગ્રાફિ નું અદ્યતન યંત્ર ઉપયોગમાં લેવાઈ રહ્યું છે.તેના આધારે જો કટોકટીની પરિસ્થિતિ જણાય તો વહેલી પ્રસૂતિ કરાવવાનો સમયસર નિર્ણય લઈ શકાય છે.તેમાં તકલીફ એટલી જ કે સગર્ભાની સમીપ રહીને કોઈ વ્યક્તિએ હૃદયના ધબકારા ના ગ્રાફનું સતત મોનીટરીંગ કરવું પડે.

હવે કદાચ ખાનગી અને કોર્પોરેટ હોસ્પિટલોમાં પણ ભાગ્યે જ જોવા મળે એવું લેટેસ્ટ રિમોટ કાર્ડિયોટોકોગ્રાફી ઉપકરણ વિભાગ પાસે ઉપલબ્ધ છે.

આ ઉપકરણને લગતી એપ સંબંધિત તબીબો અને નર્સિંગ સ્ટાફના મોબાઈલમાં સ્થાપિત કરવામાં આવી છે જેની મદદ થી તેઓ ગમે ત્યાં હોય તો પણ ગર્ભસ્થ શિશુના હૃદયના સ્પંદનોનો જીવંત (આલેખ) તેમના મોબાઈલમાં રિયલ ટાઇમ જોઈ શકાશે અને વધુ અસરકારક મોનીટરીંગ તથા ત્વરિત નિર્ણય સરળ બનશે.ટેકનોલોજીનો આ વિનિયોગ કામગીરીને અસરકારક બનાવશે.

કોરોનાની આફતે ત્રીજીવાર બારણે ટકોરા દીધાં છે.ત્યારે ગોત્રી સહિતની સરકારી હોસ્પિટલો નું તંત્ર પડકારોને પહોંચી વળવા સજ્જ છે.રાજ્ય સરકારે અને આરોગ્ય વિભાગે પણ જરૂરી ઉપકરણો,દવાઓ ઉપલબ્ધ કરાવી છે.તે પ્રમાણે મધ્ય ગુજરાતની સૌ થી મોટી સરકારી સયાજી હોસ્પિટલ અને તેની હરોળની જ ગોત્રી હોસ્પિટલ સગર્ભાઓ અને પ્રસૂતાઓ ને મદદરૂપ બનવા તૈયાર છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud