• વડોદરાના ઐતિહાસીક લહેરીપુરા દરવાજાની મુલાકાતે પહોંચ્યા મેયર કેયુર રોકડિયા અને કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ
  • બે દિવસ પહેલા લહેરીપુરા દરવાજાની છત ધરાશાઇ થઈ હતી, 70 લાખ ખર્ચ્યા છતાં 4 વર્ષમાં બીજીવાર લહેરીપુરા ગેટ તૂટ્યો
  • વડોદરાના ઐતિહાસીક લહેરીપુરા ગેટની છત કઈ રીતે તૂટી તેનો ફાઈનલ રિપોર્ટ આપવા એ.એસ.આઈને સૂચના અપાઈ
  • સ્થળ પર મુલાકાત લીધા બાદ મેયરએ કહ્યું, લાકડાની પટ્ટીઓના સાંધા જોડવાની કામગીરીમાં ગુણવત્તા જળવાઈ ન હતી

WatchGujarat. બે દિવસ પહેલા વડોદરા શહેરની મધ્યમાં આવેલા લહેરીપુરા ગેટની છત 2 દિવસ અગાઉ ભારે વરસાદના કારણે તૂટી પડી હતી. ઉલ્લેખનીય છે કે લાખોનો ખર્ચ કર્યા બાદ પણ 4 વર્ષમાં બીજીવાર આ ગેટ તૂટ્યો છે. જેને લઈને શહેરમાં અનેક પ્રકારની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે આ ઘટના બાદ ગઈકાલે સ્થાયી સમિતિના અધ્યક્ષએ અને આજે મેયર તથા ડેપ્યુટી મેયર અને કોર્પોરેશનના ઉચ્ચ અધિકારી તેમજ એ.એસ.આઇ (આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા)ના અધિકારીએ સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. મહત્વનું છે કે, 2017ના રિનોવેશન બાદ 2018 માં કાંગરા ખર્યા હતા, હવે 40 ફૂટનો હિસ્સો કડકભૂસ થયો.

લહેરીપૂરા દરવાજાનું નિરીક્ષણ કર્યા બાદ મેયર કેયુર રોકડિયાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ દરવાજાના રિસ્ટોરેશનનું કામ કોર્પોરેશનએ નહીં પણ એ.એસ.આઇ દ્વારા કરાયું હતું. કોર્પોરેશન એ વર્ષ 2014-15માં આ કામગીરી એ.એસ.આઇને આપી હતી. અને રૂપિયા 75 લાખ જમા કરાવ્યા હતા. વર્ષ 2018માં આ કામગીરી પૂરી થઈ હોય તો  તેના કમ્પ્લીશન સર્ટીફીકેટની ઉઘરાણી પણ કરી હતી. આ છત કયા કારણથી પડી તેનો ફાઇનલ રિપોર્ટ આપવા એ.એસ.આઈને સૂચના આપી છે. જેમ બને તેમ જલ્દી રિસ્ટોરેશનનું કામ કરવાનું પણ કહ્યું છે. સ્થળ પર આવેલા એ.એસ.આઇના અધિકારી રિપોર્ટ અંગે તેમના ઉપરી અધિકારીને કહેશે તેમ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે લાકડાના જોઈન્ટની કામગીરીમાં ખીલા માર્યા હતા અને ખીલા માર્યા બાદ સપોર્ટમાં લોખંડની પટ્ટીઓ મારવાની હોય છે તે દેખાતી નથી. ખીલાને બદલે મોટા સ્ક્રુનો ઉપયોગ કરવો જોઈતો હતો. પટ્ટીઓના બરાબર સાંધા ફીટ કર્યા નથી અને તેની ગુણવત્તા જળવાઈ નથી. આ ઉપરાંત ગેટ પર જે કોઈ ખાનગી કેબલ અથવા વાયર હશે તે દૂર કરવાની સૂચના આપી દેવામાં આવી છે. આમ, લાકડાની પટ્ટીઓના જોઈન્ટની નબળી કામગીરી થતાં માત્ર પાંચ જ વર્ષમાં છત ધરાશાયી થઈ હતી. હેરિટેજ ઈમારતોના રીપેરીંગનું કામ કરવા કોર્પોરેશન પાસે અનુભવ ન હોવાથી આ કામગીરી એ.એસ.આઇ ને સોંપવામાં આવી હતી.

મહત્વનું છે કે લહેરીપૂરા ગેટની પાસે જ મંગળબજાર હોવાથી અહિંયા મોટી સંખ્યામાં વાહનો અને લોકોની અવરજવર રહેતી હોય છે. એવામાં આ ગેટની છત ધરાસાઈ થતાં ગેટ પણ ધરાસાઈ થાય તેવી શક્યતાઓ છે. શહેરમાં બે દિવસથી પડતા ધોધમાર વરસાદને પગલે 510 વર્ષ જૂના ઐતિહાસિક લહેરીપુરા ગેટનો વચ્ચેનો પાંચ બારી-દરવાજાવાળો 40 ફૂટ લાંબો ભાગ કડડભૂસ થઇ ગયો હતો. આ ઉપરાંત સૂરસાગર તરફથી જતા જમણા ભાગના સાઇડ ગેટની સીલિંગનો પ્લાસ્ટર સાથેનો અંદરનો બે ફૂટ જેટલો ભાગ તૂટી પડ્યો હતો. વહેલી સવારે 7-30 વાગ્યાના સુમારે આ ભાગ તૂટી પડ્યો ત્યારે એક વ્યક્તિ ત્યાં હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું અને તેનો સહેજ માટે બચાવ થયો હતો. સદભાગ્યે આ ભાગ પાલિકા દ્વારા જ મૂકાયેલી સેફ્ટિ નેટ પર પડ્યો હતો અને તેના લીધે કેટલાક હિસ્સો જ જમીન પર પડ્યો હતો. ત્યારે જોવાનું રહ્યું કે આ મામલે આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud