• વાસણા-કોતરિયા ગામની સીમમાંથી વનવિભાગની ટીમ રેસ્ક્યૂ કરેલા અજગરને કમાટીબાગ નર્સરી ખાતે લાવવામાં આવ્યો હતો
  • કર્મચારીઓએ તેના વચ્ચેના ભાગે થપથપાવતાં અજગરે ગળેલી વસ્તુ ધીમે ધીમે મોં તરફ ધકેલવાનું શરૂ કર્યું
  • ગણતરીની સેંકડોમાં જ વાંદરાના બચ્ચાની પૂંછડી જોવાયા બાદ પગ અને ત્યારબાદ વાંદરાનું આખું બચ્ચું ઓકી કાઢ્યું
  • શિકાર નજીક આવે અને તેના તાપમાનમાં ફેરફાર હોય એટલે અજગર સીધો જ તેના પર હુમલો કરે છે અને ભરડો લીધા બાદ છેવટે માથાના ભાગેથી ગળી જાય – સરિસૃપ વિશેષજ્ઞ

WatchGujarat. વનવિભાગની નર્સરીએ પકડીને લાવેલા અજગરે 2 દિવસ અગાઉ ગળેલું વાંદરાનું બચ્ચું મોંમાંથી ઓકી કાઢ્યું હતું. આ ઘટના બની ત્યારે વનવિભાગનો સ્ટાફ કારેલીબાગ સ્થિત નર્સરીએ જ હતો. સમગ્ર ઘટનામાં દુર્ગંઘ મારતા સ્થળ પર રહેવું મુશ્કેલ બની ગયું હતું.

વાસણા-કોતરિયા ગામની સીમમાંથી વનવિભાગની ટીમ રેસ્ક્યૂ કરેલા અજગરને કમાટીબાગ નર્સરી ખાતે લાવવામાં આવ્યો હતો. વન કર્મીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ‘અજગરનું શરીર વચ્ચેના ભાગેથી ફૂલેલું હતું. તેથી કર્મચારીઓએ તેના વચ્ચેના ભાગે થપથપાવતાં અજગરે ગળેલી વસ્તુ ધીમે ધીમે મોં તરફ ધકેલવાનું શરૂ કર્યું હતું. ગણતરીની સેંકડોમાં જ વાંદરાના બચ્ચાની પૂંછડી જોવાયા બાદ પગ અને ત્યારબાદ વાંદરાનું આખું બચ્ચું ઓકી કાઢ્યું હતું. આ વાંદરાના બચ્ચાની વય 2 મહિનાની આસપાસ હોય તેવું જણાતું હતું.’ વનવિભાગની નર્સરીના ઇતિહાસમાં અજગરે કોઇ પ્રાણીને મોંમાંથી ઓકી કાઢ્યું હોય તેવી ઘટના પહેલીવાર બની હતી.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં આબુ નજીકના હેટમજી ગામે એક અજગરે બે વાંદરાને ગળી જતાં અજગરનું મોત નિપજ્યું હતું. જ્યારે વાસણા-કોતરિયા ગામનો અજગર જીવિત હાલતમાં છે.

અજગરની શિકાર કરવાની શૈલી વિશે વાત કરતાં શહેરના સરિસૃપ વિશેષજ્ઞના મતે, અજગર તેની આસપાસના તાપમાનના ફેરફારને કળીને શિકાર પકડે છે.તેના હોઠ પાસેના ભાગે છીદ્રો હોય છે, જે તેના માટે સેન્સરનું કામ કરે છે. જો શિકાર નજીક આવે અને તેના તાપમાનમાં ફેરફાર હોય એટલે અજગર સીધો જ તેના પર હુમલો કરે છે અને ભરડો લીધા બાદ છેવટે માથાના ભાગેથી ગળી જાય છે. ખોરાક પચાવતા તેને ચોમાસામાં અંદાજે 15 દિવસ જેટલો સમય લાગે છે. આ વાંદરાના બચ્ચાનો શિકાર તેણે એકથી બે દિવસ પહેલાં કર્યો હશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud