• રખડતા ઢોરને કારણે અકસ્માતની અનેક ઘટનાઓ છતાં પણ નિંદ્રાધીન તંત્ર જાગતું નથી
  • શનિવારે ઐયપ્પા ગ્રાઉન્ડ પાસે રખડતા ઢોરે 60 વર્ષિય હિંમત સવાણીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો
  • ઘાયલ હિંમત સવાણીને બ્રેનહેમરેજ થવાની સાથે શરીરની અનેક પાંસળીઓમાં ફ્રેક્ચર થયું
  • એસએસજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન આજરોજ વહેલી સવારે તેમનું નિધન
  • રખડતા ઢોરને કારણે અન્ય કોઇ પોતાનું સ્વજન ન ગુમાવે તેવી પુત્ર કિર્તનની માંગ

WatchGujarat. વડોદરા સહિત રાજ્યના અનેક શહેરોમાં રખડતા ઢોરની સમસ્યા વર્ષો જુની છે, અને જેનો આજદિન સુધી નક્કર સમાધાન લાવી શકાયું નથી. વડોદરાના સમા ઐયપ્પા ગ્રાઉન્ડ પાસેથી પસાર થતા વૃદ્ધને રખડતા ઢોરે અડફેટે લેતા તેમના શરીરની અનેક પાંસડીઓમાં ફ્રેક્ચર થવાની સાથે તેમને બ્રેનહેમરેજ થયું હતું. આજરોજ વહેલી સવારે તેમનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પુત્રએ કહ્યું કે, મેં મારા પિતા ગુમાવ્યા છે. અન્ય કોઇ સ્વજન ન ગુમાવે તે માટે પાલિકા તંત્રએ યોગ્ય કાર્યવાહી કરવી જોઇએ.

વડોદરાના સમા વિસ્તારમાં આવેલા ન્યુ સમા રોડ પર આવેલા વાલ્મીકી નગરમાં હિંમતભાઇ સવાણી તેમના પરિવાર સાથે રહેતા હતા. તેઓ મજુરી કામ કરીને તેમનું જીવન ગુજારતા હતા. તેમના પરિવારમાં પત્ની, અને પુત્ર હતા. તેમને પુત્ર કિર્તન સવાણી ટાઇલ્સ બેસાડવાનું કામ કરે છે. હિંમતભાઇ સવાણીનું આજરોજ એસએસજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. રખડતા ઢોરને કારણે હવે લોકોના જીવ જઇ રહ્યા છે. આ તબક્કે જો તંત્ર યોગ્ય કાર્યવાહી નહિ કરે તો આગામી સમયમાં કેટલાય નિર્દોષ લોકો રખડતા ઢોરનો ભોગ બનતા રહેશે.

સમગ્ર ઘટના અંગે કિર્તન સવાણીએ Watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું કે, શનિવારે સાંજે માતા પિતા પોતાનું કામ પતાવીને ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન ઐયપ્પા ગ્રાઉન્ડ પાસે રખડતા ઢોરે તેમને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મારા પિતાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી.

કિર્તન સવાણીએ ઉમેર્યું કે, રખડતા ઢોરોની અડફેટે મારા પિતાની અનેક પાંસડીઓમાં ફ્રેક્ચર થવાની સાથે બ્રેન હેમરેજ થયું હતું. શનિવાર સાંજથી તેમની સારવાર ચાલી રહી હતી. આજરોજ વહેલી સવારે 6 વાગ્યે તેમનું નિધન થયું છે. રખડતા ઢોરને કારણે મેં મારા પિતા ગુમાવ્યા છે. અન્ય કોઇનું સ્વજન ન જાય તે માટે પાલિકા તંત્રએ યોગ્ય કાર્યવાહી કરવી જોઇએ.

અત્રે ઉલ્લેખનીય છે કે, રખડતા ઢોરને કારણે અકસ્માતની અનેક ઘટનાઓ છતાં પણ નિંદ્રાધીન તંત્ર જાગતું નથી. જો અગાઉના કિસ્સાઓ પરથી બોધપાઠ લીધો હોત તો આજે આ દિવસ જોવાનો વારો આવ્યો ન હોત. સ્માર્ટ સીટી વડોદરાનું આ ઘટના બાદ શું પગલા લે છે તેના પર સૌ કોઇની નગર રહેલી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud