• સ્થાનિક સમસ્યા અંગે અનેક વખત રજુઆત બાદ પણ કોઇ કાર્યવાહી નહિ થતા લોકોમાં રોષ
  • ચુંટણી પહેલા ગ્રામજનોએ મતદાન બહિષ્કારના બોર્ડ માર્યા
  • વહેલી સવારથી 1 વાગ્યા સુધી એક પણ મત નહિ, ચુંટણીની કામગીરીમાં જોતરાયેલા લોકો બેસી રહ્યા
  • જ્યાં સુધી નાળાની સમસ્યા દુર નહિ થાય ત્યાં સુધી અમે મતદાનનો બહિષ્કાર કરીશું – સ્થાનિક મહેશ ચૌહાણ

WatchGujarat. રવિવારે રાજ્યભરમાં જિલ્લા પંચાયતની ચુંટણી માટે મતદાન યોજાયું હતું. પરંતુ પંચાયતની ચુંટણી પહેલા ડભાસી ગામના રહીશો દ્વારા સ્થાનિક જરૂરીયાત મુદ્દે દેખાવો કરવામાં આવ્યા હતા. જેમાં અનેક લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જેને લઇને રોષે ભરાયેલા ગ્રામજનોએ 1 વાગ્યા સુધી એક પણ મત આપ્યો ન હતો.

સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, આણંદ જિલ્લાના ડભાસી ગામે લોકો પાયાની જરૂરિયાત અંતર્ગત આવતા નાળાની સમસ્યા ભોગવી રહ્યા છે. સ્થાનિકના મતે ગામના છોકરાઓ બોચાસણ ખાતે આવેલી શાળામાં ભણવા જાય છે. દરમિયાન 6 લેનનો હાઇવે ક્રોસ કરવો પડે છે. હાઇવે સુરક્ષીત રીતે ક્રોસ કરવા માટે ગ્રામજનો નાળાની માંગ કરી રહ્યા છે. આ જ સમસ્યાને લઇને થોડાક સમય અગાઉ ગ્રામજનો દ્વારા રસ્તા રોકો આંદોલન કર્યું હતું. આંદોલનમાં ભાગ લેનાર 86 જેટલા લોકો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. પાયાની જરૂરીયાતના મુદ્દે લોકોએ કરેલા આંદોલનમાં પોલીસ કાર્યવાહી કરાતા સ્થાનિકો રોષે ભરાયા હતા.

સમગ્ર ઘટના બાદ સ્થાનિકોએ ડભાસી ગામમાં નાળાનો પ્રશ્ન ન ઉકેલતા સમગ્ર ગામ તાલુકા-જિલ્લા પંતા.તની ચુંટણીનો બહિષ્કાર કરે છે. તેવા બોર્ડ માર્યા હતા. સ્થાનિકો દ્વારા લગાડવામાં આવેલા બોર્ડ પ્રમાણેની સ્થિતી મતદાનના દિવસે સર્જાઇ છે.

રવિવારે મતદાનના દિવસે ડભાસી ગામમાં આવતી બોચાસણ – 7 જિલ્લા પંચાયત અને વેહરા – 20 તાલુકા પંચાયતની બેઠકો માટે મતદાનની વ્યવસ્થા કરવામાં આવી હતી. મતદાનના દિવસે રાબેતા મુજબ વહેલી સવારે 7 વાગ્યાથી મતદાન મથક સંપુર્ણ તૈયારીઓ સાથે શરૂ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ સવારથી બપોરના 1 વાગ્યા સુધી કોઇ પણ નાગરિક મતદાન કરવા આવ્યો ન હતો. જેને લઇને ચુંટણી અધિકારીઓમાં ચિંતા વ્યાપી ગઇ હતી.

સ્થાનિક મહેશ ચૌહાણે મિડીયા સાથેની વાત કરતા જણાવ્યું હતું કે, અમારા ગામની બહારથી 6 લેનનો હાઇવે પસાર થાય છે. અમારી ગામના બાળકો સામે આવેલા બોચાસણ ખાતે આવેલી શાળામાં ભણે છે. રોજે રોજ હાઇવે ક્રોસ કરવો પડે છે. હાઇવે સુરક્ષીત રીતે ક્રોસ કરવા માટે અમે નાળાની માંગ કરી છે. અગાઉ અનેક વખત રજુઆત કર્યા બાદ પણ કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઇને અમારો વિરોધ છે. અને અહિંયાથી કોઇ મતદાન નહિ કરે. અમારા ગામમાં 5 બુથ, 7 હજાર રહેવાસીઓ અને 4 હજાર મતદારો છે. જ્યાં સુધી નાળાની સમસ્યા દુર નહિ થાય ત્યાં સુધી અમે મતદાનનો બહિષ્કાર કરીશું.  હાઇવે પસાર કરતી વખતે અનેક વખત અકસ્માતો પણ થયા છે અને લોકોએ જીવ પણ ગુમાવ્યો છે. પરંતુ તંત્ર દ્વારા મામલો કોઇ કામગીરી કરવામાં આવી નથી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud