સવારે લગભગ દસેક વાગ્યે સંગીતનાં ‘સ્વર’ સમાન કીર્તિદાનભાઈનાં ઘેર પહોંચીને જોઉં છું તો બગીચાનાં આગળનાં ભાગમાં ઝૂલા પર બેસીને તેઓ ચાની ચૂસકી લઈ રહ્યા હતાં. ૨૪-૨૫ વર્ષનાં એક નવયુવાન સાથે કશીક ચર્ચાઓ ચાલી રહી હતી. એ વ્યક્તિને લોકસંગીતમાં રસ હોય એવું લાગ્યું. કીર્તિદાનભાઈને કહે કે મારે ડાયરાઓ કરવા છે. એનાં ઘર-પરિવારની વિગતો જાણ્યા બાદ ખબર પડી કે એમની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી.

“દસ હજારમાંથી ફક્ત દસ યુવાનો સંગીતનાં ક્ષેત્રમાં નામ-દામ કમાઈ શકે છે, પણ એનાં માટે કંઈ નોકરી કે ઘરવાળાનો ભોગ થોડો આપી દેવાય!? નાના પ્રોગ્રામોથી શરૂઆત કર. પૂરતો અનુભવ મેળવ. સાથોસાથ એક સારી નોકરી પણ શરૂ કરી દે, જેથી કદાચ ભવિષ્યમાં તને એવું લાગે કે ડાયરો કરીને પેટ નહીં ભરી શકાય દર મહિને નોકરીમાંથી આવતો પગાર તારા ઘરનું ગુજરાન ચલાવી શકે! બે દિવસ પછી મને ફોન કરજે. હું તારા માટે નોકરીની ભલામણ કરી આપું છું.” કીર્તિદાનભાઈએ પેલા યુવાનને સમજાવતાં કહ્યું.

સિલેબ્રિટી હોઇએ ત્યારે બીજાને મોટા સપના દેખાડવા એ સરળ વાત છે, પરંતુ સામેવાળાને વાસ્તવિકતા સમજાવીને એ છકી ન જાય એવી સલાહ આપવી એ સાચા કલાકારની નિશાની છે. કીર્તિદાનભાઈની વાત સાંભળીને પેલા યુવાને હરખાતાં-હરખાતાં એમનાં ઘેરથી વિદાય લીધી. અને અમારી વાતનો દૌર આગળ વધ્યો.

કીર્તિદાન ગઢવી. ગુજરાતીઓનાં હૈયે વસી ગયેલું એક એવું નામ, જેનાથી દુનિયાનાં ખૂણેખૂણામાં વસેલો ગુજરાતી સારી રીતે વાકેફ છે. આણંદ જિલ્લાનાં વાલોળ ગામમાં જન્મેલા કીર્તિદાનભાઈએ વલ્લભ વિદ્યાનગરની એક કોલેજમાં બી.કોમ. શરૂ કર્યુ. મૂળ તો સંગીતનો જીવ એટલે બે વર્ષ પૂરા કર્યા બાદ ભણવામાંથી રસ ઉડી ગયો. ૧૯૯૫ની સાલમાં એમણે વડોદરાની મહારાણા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પર્ફોમિંગ આર્ટ્સ ખાતે સંગીતની તાલીમ લેવાનું નક્કી કર્યુ. એ સમયે રાજેશ કેલ્કર, ભરતભાઈ મહંત, ઇશ્વરભાઈ પંડિત અને દ્વારકાનાથજી ભોંસલે જેવા સંગીતજ્ઞો પાસેથી એમણે સંગીતનાં ‘સા, રે, ગ, મ’ શીખ્યા.

ત્યારબાદ એમણે ધોળકિયા મ્યુઝિક કોલેજ, સિંહોર ખાતે નોકરી સ્વીકારી. એ દરમિયાન ભાવનગરનાં સંગીતકાર સ્વ. શ્રી ઇશ્વરદાનભાઈ ગઢવી સાથે એમની મુલાકાત થઈ. બે વર્ષ સુધી કીર્તિદાનભાઈએ એમની એમણે અલગ-અલગ ડાયરાઓ કર્યા. રાજકોટ, મોરબી, જેતપુર સહિત સૌરાષ્ટ્રનાં વિવિધ સ્થળો પર પ્રોગ્રામ કર્યા બાદ હવે રાજકોટમાં સ્થિર થવું પડશે એવું કીર્તિદાનભાઈને લાગ્યું. ઘરમાંથી માતા-પિતાનો થોડો વિરોધ હતો કે કીર્તિદાનભાઈ સંગીતક્ષેત્રે આગળ ન વધે તો સારું! કારણકે એમાંથી કોઇનાં રોટલા ન નીકળી શકે. આમ છતાં કીર્તિદાનભાઈએ મક્કમ મને રાજકોટ આવી જવાનો નિર્ણય જણાવ્યો.

(Watch Gujarat ના ન્યૂઝનાં વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેના ફોટો પર ક્લિક કરો) 

એક હાસ્યાસ્પદ પ્રસંગ યાદ કરતાં તેઓ જણાવે છે કે, એ સમયે ગુજરાતમાં વરસાદ ખૂબ પડ્યો હતો. મીડિયાનાં લોકો હાથમાં માઇક પકડીને પૂછતાં કે, પૂર જેવી આ વિષમ પરિસ્થિતિમાં આપને કેવું લાગી રહ્યું છે! પ્રત્યુત્તરમાં ગુજરાતી પ્રજા એમને પોતાની વ્યથા જણાવતી. નોકરી-ધંધા પડી ભાંગ્યા છે, ઘરમાં પાણી ઘુસી ગયા છે, છોકરાઓ સ્કૂલે નથી ગયા, વગેરે, વગેરે. બીજી બાજુ, રાજકોટનાં લોકોને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે એમણે જણાવ્યું કે અમને તો ખૂબ મજા પડી રહી છે. આવો વરસાદ તો વારંવાર પડવો જોઇએ. રાજકોટવાસીઓનો આ ઉત્સાહ કીર્તિદાનભાઈને પસંદ પડ્યો. આખરે રાજકોટમાં જ વસવાટ કરવાનું નક્કી થયું. ડાયરાઓ ચાલુ હતાં અને નોકરી પણ! ૨૦૦૩માં એમનાં લગ્ન સોનલબેન સાથે થયા હતાં. ૨૦૦૬માં જ્યારે તેઓ સપરિવાર રાજકોટ આવ્યા ત્યારે તેમનો દીકરો કૃષ્ણ ફક્ત આઠ મહિનાનો હતો. આમ છતાં, સોનલબેને ઘરની બધી જવાબદારી પોતાનાં ખભે ઉપાડી, કીર્તિદાનભાઈને સંગીતક્ષેત્રમાં કરિયર બનાવવા માટે સંપૂર્ણ સ્વતંત્રતા આપી.

દરેક કલાકારનાં જીવનમાં એક ક્ષણ એવી આવતી હોય છે, જ્યાં દરેકને એમની સફળતા અને સ્ટારડમનો અહેસાસ થતો હોય છે. ૨૦૦૫ પછી કચ્છમાં મહિનાનાં દસથી પંદર પ્રોગ્રામો કીર્તિદાનભાઈ કરતાં. એવું કહેવાય છે કે કચ્છની પ્રજા ખૂબ સંગીતપ્રેમી અને સંગીતની પારખું છે. ત્યાં સફળ થયેલો વ્યક્તિ દુનિયાનાં એકેય ખૂણામાં પાછો ન પડે! કચ્છમાં કીર્તિદાનભાઈને શ્રોતાઓનો પ્રતિસાદ ખૂબ સારો સાંપડ્યો. એ વખતથી કીર્તિદાનભાઈ સફળતાનાં સોપાનો ચડતાં ગયા.

કીર્તિદાનભાઈનો ડાયરો માણતાં લોકોને બરાબર ખ્યાલ હશે કે તેઓ લોકસંગીતને પણ નવા અંદાજમાં આજની પેઢી સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સંગીતનાં પ્રકારો ભલે અલગ-અલગ હોય, પરંતુ તેનાં થકી અનુભવાતી લાગણીઓ તો એકસમાન જ હોય છે. ગુજરાતી લોકડાયરો એવી બાબત છે, જે સદાકાળ યુવાન જ રહેશે. યંગ-જનરેશન લોકસંગીત તરફ વળ્યું છે. ‘લાડકી’ ગીત એ આનું જીવંત ઉદાહરણ છે.

‘લાડકી’ જ્યારે ગવાયું ત્યારે આ ફ્યુઝન સોંગ માટે સૌકોઇ આશાસ્પદ હતાં. ગણતરીનાં દિવસોમાં તે આખા ઇન્ટરનેટ પર ફરી વળ્યું. લોકોએ ખૂબ માણ્યું, વખાણ્યું. એનો એક કિસ્સો યાદ કરતાં કીર્તિદાનભાઈ જણાવે છે કે ઓસ્ટ્રેલિયામાં પ્રોગ્રામ હતો. ત્યાંના એક પરિવારે એમને પોતાનાં ઘેર આવવાનું આમંત્રણ આપ્યું. વાત એવી હતી કે, પર્થમાં રહેતાં એ પરિવારની આઠ મહિનાની દીકરી દરરોજ ‘લાડકી’ સાંભળ્યા બાદ જ સૂઇ શકતી. તેનું અવસાન થઈ ગયું. એમનાં પરિવારજનોની ઇચ્છા હતી કે કીર્તિદાનભાઈ ઘેર આવીને દીકરીનાં ફોટોની સામે દીપ પ્રગટાવીને ‘લાડકી’ સંભળાવે તો એનો મોક્ષ થઈ જાય! કીર્તિદાનભાઈ ત્યાં ગયા અને લાડકી ગાયું ત્યારે આખા પરિવારે ધ્રુસકે-ધ્રુસકે રડીને પોતાની વ્હાલુડી દીકરીને શ્રદ્ધાંજલિ આપી.

વેસ્ટર્ન મ્યુઝિકનું ચલણ ભલે ગમે એટલું વધી જાય પરંતુ લોકસંગીતનો સૂરજ ક્યારેય નહીં આથમે. એ શાશ્વત છે, અનાદિકાળથી ચાલ્યું આવે છે. સંગીતનાં અન્ય પ્રકારો પણ એમાંથી જ જન્મ્યા છે. એમાંય ચારણ-ગઢવી જ્ઞાતિનાં લોકોની જીભે તો સરસ્વતી માતા પોતે વસેલા છે! તેમને સરસ્વતીનાં પુત્ર, સરસ્વતીનાં ઉપાસક કહેવાય છે. લોકસંગીત તો એમની રગેરગમાં દોડે છે. ભવિષ્યમાં કીર્તિદાનભાઈ પરંપરાગત ગુજરાતી ગીતોને સાવ નવા અવતારમાં રજૂ કરવા જઈ રહ્યા છે.

(નોંધ : ‘સ્વર’ એ કીર્તિદાનભાઈનાં રાજકોટ સ્થિત ઘરનું નામ છે.)

bhattparakh@yahoo.com

યુવા કોલમિસ્ટ પરખ ભટ્ટ (9726525772)

યુવા-લેખક પરખ ભટ્ટ, આજે ગુજરાતનાં ચાર નામાંકિત અખબાર (સાંજ સમાચાર, ફૂલછાબ, ગુજરાત ગાર્ડિયન, રાજકોટ મિરર) અને એક ઇન્ટરનેશનલ ગુજરાતી પારિવારિક મેગેઝીન (ફીલિંગ્સ) માં કુલ ૧૧ વિકલી કોલમ (૪૪ આર્ટિકલ્સ પ્રતિ માસ) લખી રહ્યા છે. એન્જીનિયર તરીકે કારકિર્દીની શરૂઆત કર્યા બાદ એમની સફર ફેશન મોડેલિંગ, થિયેટર, એક્ટિંગ અને ત્યારબાદ કટાર-લેખન જેવા ક્ષેત્રોમાં આગળ વધી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud