• વધતા કોરોના કેસોને લઈને સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડીને લોકોને તેને કડકાઇથી પાલન કરવા સૂચન
  • સરકાર અને તંત્ર દ્વારા જ બેવડા વલણ બતાવવામાં આવતી હોવાની બે ઘટના સામે આવી
  • વલસાડમાં જાન લઈને પરત ફરી રહેલા દંપતીને સહિત પરિવારજનોને કરફ્યુ ભંગનો હવાલો આપી આખી રાત પોલીસ સ્ટેશનમાં વિતાવવાની ફરજ પડી
  • સુરતના મોટા વરાછા વિસ્તારમાં ગોપીન ફાર્મમાં લવજી બાદશાહના પુત્રનો આલા ગ્રાન્ડ લગ્ન સમારોહમાં  મોડી રાત સુધી જલસો જામ્યો

WatchGujarat. રાજ્ય અને શહેરમાં વધતા કોરોના કેસોને લઈને સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડીને લોકોને તેને કડકાઇથી પાલન કરવા સૂચના આપવામાં આવે છે. પણ સરકાર અને તંત્ર દ્વારા જ કયા પ્રમાણે બેવડા વલણ બતાવવામાં આવે છે, તેનું તાજું ઉદાહરણ જોવા મળ્યું છે.

એકતરફ વલસાડમાં રાત્રી કરફ્યુ દરમ્યાન જાન લઈને પરત ફરી રહેલા દંપતી અને પરિવારજનોને કરફ્યુ ભંગનો હવાલો આપીને આખી રાત પોલીસ સ્ટેશનમાં વિતાવવાની ફરજ પડી હતી. આ પ્રથમ એવી ઘટના બની છે જેમાં પોલીસે પરિવારજનો તો ઠીક પણ દુલ્હા અને દુલહનને પણ પોલીસ સ્ટેશનમાં બેસાડી દીધા હતા અને નવદંપતી ને લગ્નની પહેલી રાત પોલીસ સ્ટેશનમાં વિતાવવી પડી હતી.

આ તો કાયદો રહ્યો સામાન્ય જનતા માટે. પણ અમીરો માટે તો જાણે કોઈ કાયદા કાનુન બન્યા જ નથી, એવુ પણ જોવા મળ્યું છે. કાયદો તો એક જ હતો પણ તેનો ભંગ કરનાર આ કિસ્સામાં બીજું કોઈ નહિ પણ સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને સરકારના ખૂબ નજીકના મનાતા લવજી બાદશાહ હતા. બે દિવસ પહેલા જ સુરતના મોટા વરાછા વિસ્તારમાં ગોપીન ફાર્મમાં લવજી બાદશાહના પુત્રનો આલા ગ્રાન્ડ લગ્ન સમારોહ યોજાયો હતો.

મોડી રાત સુધી અહીં લગ્નનો જલસો જામ્યો હતો. પણ અહીં કાયદાનું ભાન કરાવવા માટે કોઈ ફરક્યું ન હતું. સૌથી આશ્ચર્યની વાત હતી કે નિયમ બનાવનાર અને નિયમોનું પાલન કરાવનારા પણ આ સમારોહમાં હાજર હતા. સરકારના મંત્રી જીતુ વાઘાણી,પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, મંત્રી દર્શના જરદોષ, આઈએએસ અને આઇપીએસ અધિકારી પણ અહીં હાજર હતા.

એટલું જ નહીં કાયદો તમામ માટે સરખો એવું ગાણું ગાનાર રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ખુદ આ સમારોહમાં મહેમાન તરીકે હાજર રહ્યા હતા. તેમ છતાં માત્ર ને માત્ર એક ઉધોગપતિના પુત્રના લગ્ન હોવાથી આ કિસ્સામાં પોલીસે અને તંત્રએ આંખ આડા કાન કરી દીધા હતા.

જે હોય તે આ વાત હવે સોશિયલ મીડિયાથી લઈને ચોરે અને ચૌટે ચર્ચાઈ રહી છે કે કાયદો અમીરો અને ગરીબો માટે અલગ અલગ હોય છે. જોકે સરકારનું આવું બેવડું વલણ જ લોકોનો કાયદા પરથી વિશ્વાસ ઉઠાવે છે.

Facebook Comments Box

Videos

Our Partners