• જે લોકોને અહીં શિક્ષણ સારું ન લાગતું હોય તો સંતાનોનાં સર્ટિફિકેટ લઈ, જે દેશ-રાજ્ય સારું લાગે ત્યાં જતાં રહે’ – શિક્ષણમંત્રી જીતુ વાઘાણી
  • તમારાથી રાજ્યની શિક્ષણનીતિ ન સુધરતી હોય તો. તમે પોટલા બાંધીને ઘરભેગા થઇ જાઓ – આક્રોશીત યુવાન
  • રાજ્યના શિક્ષણમંત્રીનું ગતરોજ આપવામાં આવેલું નિવેદન વિવાદ સર્જેતો નવાઇ નહિ

WatchGujarat. ગતરોજ રાજ્યના શિક્ષણ મંત્રી રાજકોટની મુલાકાતે હતા. દરમિયાન તેઓએ એક સ્થળે લોકોને સંબોધન કરતા કહ્યું કે, ગુજરાત સરકાર શિક્ષણ માટે ખૂબ કામ કરી રહી છે. છતાં જે લોકોને અહીં શિક્ષણ સારું ન લાગતું હોય તો સંતાનોનાં સર્ટિફિકેટ લઈ, જે દેશ-રાજ્ય સારું લાગે ત્યાં જતાં રહે’. આ વિડીયા સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર એક યુવાનનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે આક્રોશીત થઇ ને કહે છે કે, તમારાથી ના થતું હોય તો પોટલા બાંધીને ઘરે જાઓ. શિક્ષણમંત્રીની ટીપ્પણી બાદ સોશિયલ મીડિયામાં લોકો તેમના મંતવ્યો રજૂ કરી રહ્યા છે.

ગુજરાતનાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણી બે દિવસથી રાજકોટની મુલાકાતે છે. જેમાં ગતરોજ તેમણે ફુલબજાર અને શાળા નં.-16નાં નવનિર્મિત બિલ્ડીંગનું લોકાર્પણ કર્યું હતું. આ વેળાએ સંબોધન કરતા જીતુ વાઘાણીની જીભ લપસી હતી. અને તેમણે કહ્યું હતું કે, ગુજરાત સરકાર શિક્ષણ માટે ખૂબ કામ કરી રહી છે. છતાં જે લોકોને અહીં શિક્ષણ સારું ન લાગતું હોય તો સંતાનોનાં સર્ટિફિકેટ લઈ, જે દેશ-રાજ્ય સારું લાગે ત્યાં જતાં રહે’

વધુમાં વાઘાણીએ જણાવ્યું હતું કે, પત્રકાર મિત્રોની હાજરીમાં પૂછું છું કે, જન્મ્યા ગુજરાતમાં, રહેવું પણ ગુજરાતમાં અને વેપાર-ધંધો પણ ગુજરાતમાં કરો છો. છતાં જો અહીંનું શિક્ષણ સારું લાગતું ન હોય તો તેણે સંતાનોનાં લિવિંગ સર્ટીફીકેટ લઈ જે દેશ-રાજ્ય સારું લાગતું હોય ત્યાં જતા રહેવુ જોઈએ કે નહીં ? વધુમાં તેમણે ભાન ભૂલ્યા હોય તેમ ત્યાં સુધી કહ્યું હતું કે, હવે અહીં બધું ભાંગીને ભુક્કો થઈ ગયું છે. એટલે ઘર અને કુટુંબ ફેરવી નાખો, અહીં બધું પતી ગયું છે.

આ વાતના જવાબમાં યુવાને ટ્વીટર પર વિડીયો શેર કર્યો છે. જેમાં યુવક કહે છે કે, આ નિવેદન આપવાની જરૂર ન પડી હોત. તમારાથી થઇ ના શકે તો વિદ્યાર્થીઓને કહેવાની કોઇ હક નથી. કે તમે તમારા સર્ટિફીકેટ લઇ જાઓ. અને વિદેશમાં ભણવા માંડો. તમારાથી ના થતું હોય, તમારાથી રાજ્યની શિક્ષણનીતિ ન સુધરતી હોય તો. તમે પોટલા બાંધીને ઘરભેગા થઇ જાઓ અને ઘરે જઇને બેસો. યુવકે અપલોડ કરેલા 45 સેકંડના વિડીયોમાં ભારે આક્રોશ ઠાલવી રહ્યો છે. આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત અને દિલ્લીમાં શિક્ષા વ્યવસ્થાને લઇને છેલ્લા કેટલાય સમયથી ભાજપ અને આપ સામસામે આવી ગયા છે. ત્યારે રાજ્યના શિક્ષણમંત્રીનું ગતરોજ આપવામાં આવેલું નિવેદન વિવાદ સર્જેતો નવાઇ નહિ.

Facebook Comments Box

Videos

Our Partners