• લંપટ શિક્ષક ધવલ આશરે 9 જેટલી વિદ્યાર્થીનીઓને ફસાવી ચુક્યો હતો
  • પડધરીમાં 11માં ધોરણમાં ભણતી બે માસુમોનું અપહરણ કરી દુષ્કર્મ કર્યા બાદ તે ઝડપાઇ ગયો
  • ચોટીલામાં એક જ સપ્તાહમાં 56 વર્ષના નારાધમે 18 વર્ષીય વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી લીધી

અમદાવાદ. સમગ્ર ગુજરાતનાં શિક્ષણ જગતને લાંછન લગાડનાર પાંચ લાખનાં ઈનામી શિક્ષક ધવલ ત્રિવેદીને સીબીઆઈએ હિમાચલ પ્રદેશમાંથી ઝડપી પાડ્યો છે. આરોપીએ ન માત્ર બે લગ્ન કર્યા હતા. પણ નવ જેટલી વિધાર્થીનીઓની જિંદગી બગાડી હતી. વર્ષ 2018નાં ઓગસ્ટ મહિનામાં પેરોલ પર છૂટ્યા બાદ આ નરાધમ ચોટીલાની સગીરાને લઈ નાસી છૂટ્યો હતો. હાઈકોર્ટે ખાસ આ કેસ ગુજરાત પોલીસ પાસેથી સીબીઆઈને ટ્રાન્સફર કર્યો હતો. અને આરોપીને કોઈપણ ભોગે ઝડપી લેવાનો આદેશ પણ કર્યો હતો.

લંપટ શિક્ષક ધવલ આશરે 9 જેટલી વિદ્યાર્થીનીઓને ફસાવી ચુક્યો હતો. જો કે પડધરીમાં 11માં ધોરણમાં ભણતી બે માસુમોનું અપહરણ કરી દુષ્કર્મ કર્યા બાદ તે ઝડપાઇ ગયો હતો. અને અદાલત દ્વારા તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. પરંતુ જેલમાં તેની વર્તણુક સારી હોવાના કારણે માત્ર ચાર મહિના બાદ ઓગષ્ટ 2018માં તેના પેરોલ મંજુર થયા હતા. અને તે ચોટીલા પહોંચ્યો હતો.

ચોટીલામાં ધર્મેન્દ્ર દવે તરીકે ઓળખ આપી પોતાના વાકચાતુર્યથી માત્ર બે દિવસમાં એક ક્લાસ સંચાલકને વિશ્વાસમાં લઈ લીધો હતો. અને વિદ્યાર્થિઓને સરકારી નોકરી અપાવવા કમ્પિટિટિવ પરીક્ષાના ક્લાસિસ શરૂ કર્યા હતા. જ્યાં ચાર દિવસમાં જ 8-10 વિદ્યાર્થિનીએ ક્લાસ જોઈન્ટ પણ કરી લીધા હતા. દરમિયાન એક જ સપ્તાહમાં 56 વર્ષના નારાધમે 18 વર્ષીય વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી લીધી. અને 12 ઓગસ્ટે જેલમાં પરત હાજર થવાના આગલા જ દિવસે તેણીને લઈને રફુચક્કર થઈ ગયો હતો.

આ અંગે માસુમનાં પિતાએ ચોટીલા પોલીસમાં પુત્રીના અપહરણની ફરિયાદ નોંધાવી, ત્યાં સુધી તો પોલીસને ખબર પણ ન હતી કે ધવલ તેણીને ભગાડીને લઈ ગયો છે. જો કે પિતાની ફરિયાદ બાદ સીસીટીવી ચેક કરતા ધવલની વધુ એક કરતૂત સામે આવી હતી. જેમાં તે અમદાવાદ પહોંચ્યો હોવાનું અને જેલમાં જ સંપર્કમાં આવેલા ભાવનગરના શંકર નામના એક વ્યક્તિ પાસે અમદાવાદ આંગડિયામાં રૂપિયા 10 હજાર મંગાવ્યા હોવાનું ખુલ્યું હતું.

પોલીસે આંગડિયાનાં ફૂટેજ મેળવી ધવલની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ રાજ્ય બહાર ભાગી ગયેલા ધવલ અને અપહ્યત માસુમનો કોઈ પત્તો મળ્યો નહોતો. આમ બળાત્કારી ધવલને ઝડપી લેવામાં ગુજરાત પોલીસ સદંતર નિષ્ફળ નિવડી હતી. અને પોતાના બચાવમાં આરોપી સગીરાને નેપાળ લઈ ગયો હોવાનું કારણ પણ આપ્યું હતું. જોકે આ લંપટ શિક્ષકને ઝડપી લેવા માટે પોલીસને નેપાળ મોકલવા કોઈ પ્રયાસ કરાયો નહોતો. જેને પગલે પીડિતાનાં પિતાએ હાઇકોર્ટમાં હેબિયર્સ કોર્પ અરજી કરી હતી.

હાઈકોર્ટે ત્રિવેદીને મેનિયાક ગણાવી સગીરાને કોઈપણ ભોગે બચાવવાનો આદેશ કર્યો હતો. જસ્ટિસ જે. બી. પારડીવાલા અને જસ્ટિસ એ. સી. રાવે કહ્યું હતું કે, આ કેસમાં પ્લાનિંગ કરીને વ્યૂહાત્મક રીતે વધુ પડતી આક્રમકતા લાવવાની જરૂર છે. સીબીઆઈએ આ તપાસ વધુ ગંભીરતાથી લઈ જરૂર પડે તો ઈન્ટરપોલની મદદ લેવા પણ જણાવ્યું હતું.

કોર્ટે એવું પણ કહ્યું હતું કે, આ કેસ પ્રથમદ્રષ્ટીએ તો માનવ તસ્કરીનો લાગે છે. અરજદારની પુત્રી હાલ કઈ હાલતમાં છે. તેમજ તે જીવીત છે કે, તેની હત્યા કરાઈ છે તે અંગે પણ કોઈ જાણ નથી. અને પ્રોસ્ટિટ્યૂશનમાં ધકેલવામાં આવી હોવાની શક્યતા પણ નકારી શકાય એમ નથી. સાથે જ આરોપી બીજી છોકરીઓને પણ ઉઠાવી ગયો હોવાની આશંકા વ્યક્ત કરી સીબીઆઈને તાત્કાલિક આ કેસની તપાસ હાથમાં લઈ ચાર વીકમાં રિપોર્ટ આપવાનો આદેશ પણ કરાયો હતો. દરમિયાન ત્રણેક મહિના પહેલા સગીરા પરત પિતા પાસે ચોટીલા આવી ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે, મૂળ વડોદરાના ધવલે સુરત, આણંદ અને રાજકોટમાં 9 જેટલી વિદ્યાર્થિનીઓને ફસાવી હતી. ધવલે ઉચ્ચ અભ્યાસ પછી 2003માં મુંબઈની એક યુવતી સાથે લગ્ન કર્યા હતા. જો કે લગ્નજીવનના છમહિના પછી પત્નીનું અવસાન થયું હતું. ત્યારબાદ મુંબઈથી વડોદરા આવેલા ધવલે MS યુનિવર્સિટીની એક પંજાબી યુવતીને પોતાની જાળમાં ફસાવી હતી. પોતે પણ પંજાબી હોવાનું કહી યુવતી સાથે લગ્ન કર્યા હતા. જે હાલ રાજકોટમાં એક ખાનગી શાળામાં એક શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. બાદમાં અન્ય એક યુવતીને ફસાવી આણંદમાં આર્યસમાજ વિધિથી લગ્ન કર્યા હતા.

જો કે આ કેસમાં યુવતીના પિતાએ કાનૂની કાર્યવાહી કરીને પુત્રીના છુટાછેડા લેવડાવી લીધી હતા. 2010માં ધવલ સુરત પહોંચ્યો. અને સુરતમાં પણ તે બે સ્વરૂપવાન યુવતીને ફસાવવામાં સફળ થયો હતો. એટલું જ નહીં ત્યારબાદ તો તેણે પોતે શિક્ષક હોવાનો ફાયદો ઉઠાવીને સગીર વિદ્યાર્થીનીઓને ફંસાવવાનું શરૂ કર્યું હતું. અને પડધરીમાં બે સગીરાઓનું અપહરણ કરી બળાત્કાર કરવાનાં કેસમાં જેલના સળિયા પાછળ ધકેલાયો હતો.

આરોપી ધવલ ઝડપાયા બાદ પીડિતાનાં પિતાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. અને જણાવ્યું હતું કે, વર્ષો બાદ ત્રણ મહિના પહેલા મારી દિકરી પછી મળી તેની ખુશી તો હોય એ સ્વાભાવિક છે. પરંતુ હવે આ નરાધમનાં ઝડપાઈ જવાથી બીજી અનેક દિકરીઓના જીવન બરબાદ તથા બચી જવાનો આનંદ તેનાથી પણ વિશેષ છે. નામદાર કોર્ટને મારી અપીલ છે કે, લંપટને એવી સજા આપે કે ફરીથી કોઈપણ વ્યક્તિ આવો અપરાધ કરવાનું વિચારે પણ નહીં.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud