• લાઈટ રિપેરિંગના બહાને ગઠિયાએ 7 દિવસ રેકી કરી 
  • ગઠિયાએ પહેલા વૃદ્ધાને વાતોમાં ફસાવી, સોનાના દાગીના બળજબરીપૂર્વક કાઢી વૃદ્ધાને દીવાલ સાથે અથાડી ફરાર
  • ગઠિયાએ પોતાના ઘરમાં બા છે તેને ઘરેણાં બનાવવાના છે તેમ કહી વૃદ્ધાના ઘરેણાંના ફોટા પણ પાડ્યા
  • વારસિયા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

વડોદરા. શહેરના વારસિયા વિસ્તારમાં રેકી કર્યા પછી ઘરમાં લાઈટ રિપેરીંગના બહાને ઘરમાં ઘૂસેલા શખ્સે વૃદ્ધાનું ગળું અને મોઢું દબાવી સોનાના દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે વારસિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના વારસિયા રિંગ રોડ પર આવેલી શારદા સોસાયટીમાં રહેતા અમિતાબેન પુરોહિત પુત્ર વિવેક સાથે રહે છે. વિવેક જવાહરનગર ખાતે આવેલ બેન્ક ઓફ બરોડામાં નોકરી કરે છે. સાત દિવસ પહેલા ઘરે તેઓ એકલા હતા તે સમયે એક અજાણ્યો પુરુષ ઘર પાસે આવ્યો હતો. અને જણાવ્યું હતું કે તમારા ઘરે લાઈટ ઓછી વધતી થાય છે. ત્યારે અમિતાબેનએ હા પાડતા ગઠિયાએ જણાવ્યું હતું કે, આ વિસ્તારની લાઈટનું કામ અમે કરીએ છીએ. સાહેબને પૂછીને તમારા ઘરની લાઈટ રિપેરિંગ કરી આપીશ. આ અંગે તમારે એક એપ્લિકેશન લખીને આપવી પડશે. જેથી એપ્લિકેશન લખી આપતા ગઠિયો ત્યાંથી જતો રહ્યો હતો.

ત્યારબાદ ગઈ કાલે સવારે દીકરો નોકરી પર ગયો હતો. તે સમયે ગઠિયો ફરી આવી પહોંચ્યો હતો અને જણાવ્યું હતું, કે તમારે લાઈટ બીલની ઝેરોક્ષ કોપી આપવી પડશે અને આગળ માણસો કામ કરી રહ્યા છે. તે માણસો તમારા ઘરે કામ કરવા માટે આવશે તેમ કહી આશરે એક કલાક ઘરમાં બેસી રહ્યો હતો. થોડીવાર પછી ગઠિયાએ જણાવ્યું હતું કે, મારા ઘરમાં પણ 80 વર્ષની ઉંમરના બા છે. તેમને જૂની ડિઝાઇનના ઘરેણા બનાવવાના છે. તો તમે પહેરેલ સોનાની ચેન તથા હાથમાં પહેરેલી બંગડી તેમજ બુટ્ટીના મને ફોટા પાડવા દો તેમ કહી ફોટા પાડ્યા હતા. અને ઘરમાં લાઈટના કેટલા પોઈન્ટ છે તે બતાવો તેમ કહી અલગ અલગ રૂમમાં લાઈટના પોઇન્ટ બતાવ્યા હતા.

દરમિયાન અમિતાબેન તિજોરીવાળા રૂમમાં લાઈટના પોઇન્ટ બતાવવા ગયા હતા. ત્યારે ગઠિયાએ વૃદ્ધનું ગળું અને મોઢું દબાવી રૂ, 40 હજાર ની કિંમત ધરાવતી સોનાની બંગડી રૂ, 50 હજારની કિંમતની સોનાની ચેઇન અને રૂ,10 હજારની કિંમતની બુટ્ટી મળી રૂ,1 લાખની મત્તાના સોનાના દાગીના બળજબરીપૂર્વક કાઢી લીધા હતા. અને વૃદ્ધાને દિવાલમાં અથડાવી નાસી છૂટ્યો હતો. બનાવને પગલે અમિતાબેને વારસિયા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ગઠિયાને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud