• વેલફેર કોવિડ હોસ્પિટલના અગ્નિકાંડ બાદ હસિકોર્ટના દિશા સુચનથી પાલિકા તંત્રનો સપાટો
  • ભરૂચ શહેરમાં 85 માંથી 6 મિલકતો અને અંકલેશ્વરમાં 56 માંથી 12 મિલકતોએ ફાયર NOC તાબડતોબ મેળવી

WatchGujarat. ગુજરાત સ્થાપના દિવસની પૂર્વ રાતે જ ભરૂચ વેલફેર કોવિડ હોસ્પિટલમાં આગની હોનારતમાં 18 લોકોના મૃત્યુ થવાની હાઇકોર્ટએ ગંભીર નોંધ લીધી હતી. રાજ્ય સરકાર અને તંત્રને ફાયર સેફટી મુદ્દે હાઈકોર્ટની ટકોર બાદ રાજ્યભરમાં કોર્પોરેશન અને પાલિકાઓ ફાયર સેફટી નહિ ધરાવતી મિલકતોના પાણી, ડ્રેનેજ અને વીજ જોડાણ કટ કરી નાખવા સુધીની કાર્યવાહીમાં મંડી પડી છે.

હાઇકોર્ટના દિશા નિર્દેશ બાદ ભરૂચ અને અંકલેશ્વરમાં પણ પાલિકા તંત્રે જાગી ફાયર સેફટી નહિ ધરાવતી હોસ્પિટલ, શાળા, હાઇરાઈઝ બિલ્ડીંગ અને એસેમ્બલી ઉપર ગાજ વરસાવી હતી.

બન્ને શહેરમાં 4 કેટેગરીમાં ફાયર સેફટી નહિ ધરાવતી 141 મિલકતોને 2 વખત નોટિસ ફટકારવા છતાં ફાયર NOC માટે અરજી કરવાની દરકાર ન લેતા 2 દિવસથી પાલિકાએ બન્ને શહેરમાં પાણી અને ડ્રેનેજ જોડાણ કાપવાની કવાયત કરતા મિલકત ધારકો ફફડાટના માર્યા દોડતા થઈ ગયા છે.

ભરૂચમાં 2 દિવસમાં શ્રી સહજાનંદ રેસિડેન્સી, સહારા કોમ્પ્લેક્ષ, શ્રી હાઈટ, શ્રી અંબે રેસિડેન્સી, શેઠ કોમ્પ્લેક્ષ, અંકુર ફ્લેટ-2 અંકુર ફલેટ- 3, અંકુર ફ્લેટ -4 અને આંગન એપાર્ટમેન્ટના નળ જોડાણ કાપી નખાયા છે. જ્યારે 6 મિલકત ધારકોએ NOC મેળવી લેતા હવે 79 મિલકતો જ NOC વિનાની છે.

અંકલેશ્વર શહેરમાં 2 દિવસમાં પાલિકા દ્વારા યાસીકા એપાર્ટમેન્ટ, હેપી વ્યુ કોમ્પ્લેક્ષ, લેન્ડમાર્ક એપાર્ટમેન્ટ, ઝમ ઝમ વીલા-2 , ઇસ્કુવા, દેદાત એપાર્ટમેન્ટ સહિત અન્ય 5 મિલકતોના પાણી અને ડ્રેનેજ જોડાણો કાપી નાખવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

અંકલેશ્વર પાલિકા હદમાં 56 મિલકતોને નોટિસ ફટકરાઈ હતી જે સામે 12 મિલકત ધારકોએ ફાયર NOC મેળવી લીધી છે. આગામી દિવસોમાં પણ બન્ને શહેરોમા ફાયર સેફટી વિનાની મિલકતોના પાણી ડ્રેનેજ જોડાણ કાપવાનું કાર્યરત રહેશે. જેથી કરી ફાયર NOC માટે અરજી કરવા મિલકત ધારકોને પાલિકાએ અપીલ કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud