• આઝાદી પૂર્વે અંગ્રેજોએ 141 વર્ષ પહેલાં માત્ર સાડા 4 વર્ષમાં ઐતિહાસિક ગોલ્ડનબ્રિજની ભેટ ધરી હતી, પોણા છ વર્ષે આધુનિક યુગમાં પૂર્ણ થનાર નર્મદા મૈયા ભરૂચનો પહેલો બ્રિજ
  • ભરૂચ તરફ લેન્ડિંગ માટે 53 મીટરના 2 પાર્ટમાં ગર્ડરની મુખ્ય કામગીરી, ઇલેક્ટ્રિફિકેશન, સર્વિસ રોડ બ્લોક બેસાડવા, બ્રિજ નીચે પ્લાન્ટેશન સાથે બ્યુટીફીકેશનની કામગીરી બાકી

Watchgujarat. આઝાદી બાદ આધુનિક અને વિકાસના યુગમાં ભરૂચના ઐતિહાસિક ગોલ્ડનબ્રિજ સમાંતર બની રહેલા 4 લેન નર્મદા મૈયા બ્રિજે નિર્માણમાં પોણા છ વર્ષના સમયની સૌથી લાંબી અવધિનો નવો રેકોર્ડ તેના નામે શરૂ થતાં પેહલા જ અંકિત કરી દીધો છે. ભરૂચ-અંકલેશ્વર ટ્વીન સિટી બનવાની તર્જ સાથે ઐતિહાસિક ગોલ્ડનબ્રિજ પર સર્જાતી ટ્રાફિકજામની સમસ્યામાંથી 16 હજારથી વધુ વાહન ચાલકોને છુટકારો અપાવવા 17 ડિસેમ્બર 2015 ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે 4 લેન નર્મદા મૈયા બ્રિજનું ભૂમિપૂજન કરાયું હતું.

ગોલ્ડનબ્રિજને સમાંતર ચાર માર્ગીય નર્મદા મૈયા બ્રિજની કામગીરી જ્યાં વાદ વિવાદ અને અંતરાય વચ્ચે એક યા બીજા કારણોસર ધીમી ગતિએ આગળ વધી રહી હતી ત્યાં 36 મહિનાની અપાયેલી ટાઈમ લાઈનમાં ને.હા. નંબર 48 ઉપર L & T દ્વારા દેશનો સૌથી લાંબો કેબલ સ્ટેઇડ બ્રિજ તૈયાર કરી 2017 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો. નર્મદા મૈયા બ્રિજનો કોન્ટ્રકટ રવિ બિલ્ડકોનને અપાયા બાદ ડિઝાઇનમાં બદલાવ, રેલવેની જમીન મેળવવાની કવાયત, આધુનિક મશીનરીના અભાવ વચ્ચે બ્રિજની કામગીરી ગોકળગતિએ આગળ વધી રહી હતી.

દરમિયાન કોલેજ રોડ ઉપર શીતલ સર્કલ ઉપર લેન્ડિંગને લઈ 12 થી 15 હજાર વિધાર્થીઓ સાથે વાહનચાલકો અને શહેરીજનો ઉપર અકસ્માતના જોખમને લઈ ઓવરબ્રિજને ભરૂચ તરફ લંબાવી ભોલાવ રેસ્ટ હાઉસ ઉપર એન્ડિંગ આપવા રાજ્ય સરકારમાંથી મંજૂરી લઈ ₹86 કરોડથી વધુના ખર્ચે 700 મીટર જેટલો ઓવરબ્રિજ લંબાવવાની વધારાની કામગીરી શરૂ કરાઇ હતી. આટલું ઓછું હોય તેમ બ્રિજ નિર્માણમાં કસક ગરનાળા ઉપર ભરૂચ તરફ લેન્ડિંગ એન્ડ બનાવવા પિલર અને ગડરને લઈ ફરી બ્રિજની ડિઝાઇનમાં ફેરફાર કરવાની ફરજ પડી હતી.

જોતજોતામાં કોરોના મહામારી શરૂ થઈ જતા લેબર, મટિરિયલ્સ અને વેલ્ડીંગ માટે ઓક્સિજનનો પ્રશ્ન ઉદભવતા નર્મદા મૈયા બ્રિજનું નિર્માણ વધુ વિલંબિત થતું ગયું હતું. સાથે જ સર્વિસ રોડ ઉપર પેવર બ્લોકિંગ રસ્તો બનાવવાનું આયોજન છે જેની કામગીરી પણ હજી શરૂ થઈ નથી. ધારાસભ્ય દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે, વહેલી તકે નર્મદા મૈયા બ્રિજ શરૂ કરી દેવાના તમામ પ્રયાસો ચાલી રહ્યાં છે.

નર્મદા મૈયા બ્રિજની ફ્લાયઓવર સાથે કુલ 3 KM ની લંબાઈ

આજે બ્રિજની કામગીરી 90 ટકા જેટલી પૂર્ણ થઈ ગઈ છે. ₹400 કરોડનો મુખ્ય 4 લેન બ્રિજ સાથે નદી ઉપર તેની લંબાઈ 1462 મીટર જેટલી છે જ્યારે ફ્લાયઓવર સાથે બ્રિજ કુલ 3042 લંબાઈ ધરાવે છે. આજે 5 વર્ષ અને 5 મહિને બ્રિજ તૈયાર છે પરંતુ હજી અંકલેશ્વર તરફથી ભરૂચ લેન્ડિંગ માટે 53 મીટર ગર્ડર લેન્ડિંગની મુખ્ય કામગીરી બાકી છે. જે ગર્ડર 2 પાર્ટમાં અમદાવાદ નિર્માણ થઈ રહ્યો છે. સાથે બ્રિજ અને ફ્લાયઓવર ઉપર ઇલક્ટ્રિફિકેશનની કામગીરી પણ હજી બાકી છે, જે આગામી ઓગસ્ટમાં પૂર્ણ થાય તેમ છે. સરકાર અને તંત્રનું બ્રિજને 15 ઓગસ્ટ સુધીમાં ઉદ્ઘાટન કરી ખુલ્લો મુકવાનું આયોજન છે.

અંગ્રેજોએ ગોલ્ડનબ્રિજ કાર્યરત કર્યાના 96 વર્ષે આઝાદ ભારતનો પહેલો જૂનો સરદારબ્રિજ અસ્તિત્વમાં આવ્યો

ભરૂચ નર્મદા નદી ઉપર ગોલ્ડનબ્રિજ 16 મે 1881 માં કાર્યરત થયા બાદ 96 વર્ષે ટ્રાફિકના ભારણને લઈ 24 એપ્રિલ 1977 માં જૂનો સરદાર બ્રિજ ₹120 કરોડના ખર્ચે નિર્માણ થયો હતો. જેના ઉપર પણ ટ્રાફિકનું અતિ ભારણના કારણે નવા બ્રિજની તાતી જરૂર વર્તાતા નવો સરદાર બ્રિજ ₹113 કરોડના ખર્ચે 11 નબેમ્બર 2000 માં શરૂ કરાયો હતો. જે બાદ 2017 માં કેબલ બ્રિજ અને હવે સંભવત 2021 માં નર્મદા મૈયા બ્રિજ કાર્યરત થશે.

નર્મદા નદી ઉપર 8 લેન એકપ્રેસ વે ડબલ ડોઝ કેબલ બ્રિજ રેકોર્ડ બ્રેક સમયમાં પૂર્ણ થનાર પહેલો બ્રિજ બનશે

આઝાદી પૂર્વેથી ગોલ્ડનબ્રિજ અને આઝાદી બાદના નર્મદા નદીના 3 બ્રિજ તેમજ નવા નિર્માણ થતા 8 લેન એક્સપ્રેસ વે, રેલવે DFC બ્રિજમાં એકમાત્ર નર્મદા મૈયા બ્રિજ બાંધકામની સમય અવધિને લઈ પોણા છ વર્ષે પૂર્ણ થનાર પહેલો બ્રિજનું બિરૂદ મેળવી ચુક્યો છે. વહેલી તકે નર્મદા મૈયા બ્રિજને કાર્યરત કરી ગોલ્ડનબ્રિજના વર્ષો જૂની ટ્રાફિકમાંથી ભરૂચ-અંકલેશ્વરની પ્રજા અને વાહન ચાલકોને મુક્તિ અપાઇ તેમ પ્રજા ઝંખી રહી છે.

નર્મદા મૈયા બ્રિજ 10 દિવસમા લોકાર્પણ નહિ કરાઈ તો ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રજાહિતમાં જાતે જ ખુલ્લો મુકશે

કોરોનાની બીજી વેવ પૂર્ણ થવા સાથે જ  રાજકીય મેળાવડાઓને પણ મંજૂરી આપી દેવાતા ભાજપ સરકાર ભૂમિપૂજન અને લોકાર્પણના કામે લાગી ગઈ છે ત્યાં વિરોધ પક્ષ કોંગ્રેસ સરકારના કામ આમળવા મેદાનમાં ઉતરી છે. ગોલ્ડનબ્રિજને સમાંતર 4 માર્ગીય નર્મદા મૈયા બ્રિજ દિન 10 માં લોકાપૅણ નહિ થાય તો ભરૂચ જીલ્લા યુથ કોંગ્રેસ દ્રારા પ્રજાના હિતમાં ખુલ્લો મુકવાની ચીમકી અપાઈ છે.

કોંગ્રેસે આક્ષેપ સાથે કેફિયત વ્યક્ત કરી છે કે, બ્રિજના નિર્માણ કાયૅ માટે 70 મહિનાથી વધુ સમય બાદ કામ પુણૅ થયા છતાં પણ પ્રજા માટે ખુલ્લો મુકવા સરકાર અને વહિવટી તંત્ર કોઇ મોટા નેતા માટે શુભમુહૂતૅ ની રાહ જોય પ્રજા ને મુશ્કેલીમાં મુકી રહી છે. યુથ કોંગ્રેસે માગૅ અને મકાન વિભાગનાં કાયૅપાલક ઈજનેરને રૂબરૂ મળી જો બ્રીજનું લોકાપૅણ નહિ કરવામાં આવે તો જાતે જ ખુલ્લો મુકવાંમાં આવશે તેવું લેખિતમાં અલ્ટીમેટમ આપતા હવે બ્રિજને કાર્યરત કરવા રાજકીય ઘમાસાણ આગામી દિવસોમાં જોવા મળે તેવા એંધાણ વર્તાયા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud