• બન્ને પેટ્રોલ-CNG પંપ ઉપર નંબર વગરની મોપેડ લઈ ગઠિયો આવી સંચાલક અને મેનેજરની ઓળખાણ આપી છુટા સામે ફિલરો પાસેથી કેશ ઉઘરાવી ગયો
  • સમગ્ર ઘટના CCTV માં કેદ, રોકડા લઈ લીધા બાદ 100-200 ની નોટો કાર અને હોટલના કાઉન્ટર પરથી લઈ લેવાનું કહી મોપેડ પર ગઠિયો ફરાર

Watchgujarat. અંકલેશ્વર અને હાંસોટમાં આવેલા પેટ્રોલ-CNG પંપ ઉપર નંબર પ્લેટ વગરની મોપેડ લઈ આવેલો ગઠિયો ગણતરીના કલાકમાં જ 2 સ્થળેથી 100-200 ની નોટો સામે 500 ની નોટો મેળવવાના નામે ફિલરો પાસેથી ₹68,000 રોકડા લઈ ફરાર થઈ જતા છેતરપિંડીના નવા કિમીયાએ ભારે ચકચાર જગાવી છે.

અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલ સામે પેટ્રોલ અને CNG પમ્પ આવેલો છે જ્યાં મંગળવારે સાંજના સમયે એક યુવાન નંબર પ્લેટ વગરની મોપેડ લઈ આવ્યો હતો. પમ્પ ઉપરથી જ ફિલરો પાસેથી સંચાલક અને મેનેજરના નામ મેળવી તેમના નામે ફીલરો પાસે જઈ તેને 100-200 ની નોટો સામે ₹500 ના દરની નોટો જોઈતી હોવાની વાત કરી હતી.

બીજી તરફ ભેજાબાજે ઓફિસમાં જઇ મેનેજરને પણ ઉંધી ટોપી પહેરાવ્યા બાદ 2 ફિલરો પાસેથી રોકડા 14-14 હજાર લઈ લીધા હતા. જે બાદ એક ફિલરને નજીકની હોટલના કાઉન્ટર પર પોતાની જ મોપેડ ઉપર બેસાડી ત્યાંથી ₹28000 લઈ લેવાનું કહ્યું હતું.

ફિલર ભેજાબાજની મોપેડ ઉપરથી ઉતરી કાઉન્ટર ઉપર નાણાં લેવા જતા જ નંબર વગરની મોપેડ ઉપર રહેલો ઠગ મોપેડ હંકારી પેટ્રોલ-CNG પમ્પ પરથી છુટા આપી 500 ની નોટો લેવાના બહાને ₹28000 ની રોકડ લઈ ફરાર થઈ ગયો હતો.

હાંસોટના રિલાયન્સ પેટ્રોલ પંપ ઉપર પણ આજ ભેજબાજે આવી જ રીતે ફિલરો અને હાજર સ્ટાફ સાથે ઠગાઈ કરી હતી. પોતે પેટ્રોલ પંપ માલિક ને ઓળખતો હોવાની તેમજ અન્ય કારના શોરૂમના માલિકનો સંબંધી હોવાનું કહી ₹100 ના દરની 40000 ની નોટો સામે 500 ના દરની નોટો લેવા ગયો હતો.

2 ફિલરોએ ₹40000 ની રોકડ આ ભેજાબાજને આપ્યા બાદ તેણે સામે રહેલી કારમાં બેસેલા ભરતભાઇ નામના વ્યક્તિ પાસેથી 40000 રૂપિયા 100-200 ના દરની નોટો લઈ લેવા જણાવ્યું હતું. પેટ્રોલ પંપ સામે રોડની બાજુમાં ઉભેલી કાર પાસે ફિલર જેવો નાણાં લેવા જતા ગઠિયો તેની નંબર પ્લેટ વગરની મોપેડ લઈ ફરાર થઈ ગયો હતો. બન્ને ઘટનામાં હાંસોટના ફિલર અને અંકલેશ્વર પંપના સંચાલકે અનુક્રમે હાંસોટ તેમજ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશને આ ઠગ યુવાન સામે ફરિયાદ નોંધવતા પોલીસે CCTV માં કેદ થયેલા ફૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud