• જિલ્લા અત્યાર સુધી સૌથી વધુ મુસ્લિમોને ટિકિટ અપાઈ : મારુતિસિંહ અટોદરિયા
  • આદિવાસી અને મુસ્લિમ મતોની સંખ્યા વધુ હોય સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીત માટે ભાજપની રણનીતિ
  • કોંગ્રેસે હજી સુધી ઉમેદવારોની યાદી જાહેર કરી નથી
  • ભાજપ માંથી ટિકિટ કપાતા મનહર પરમાર, સતિષ મિસ્ત્રી, હેમાબેન પટેલની અપક્ષ ઉમેદવારી

WatchGujarat. ભરૂચમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) એ જિલ્લાના મુસ્લિમ સમુદાયના 31 ઉમેદવારોને જિલ્લા, તાલુકા પંચાયતો અને પાલિકાની ચૂંટણીઓમાં મેદાનમાં ઉતારવાની રણનીતિ ઘડી છે. ભરૂચમાં ત્રીજા મોરચા તરીકે AIMIM અને BTP એ ગઠબંધન કર્યું છે જેની અસર ઘટાડવા આ પગલું ભરાયાનું અનુમાન છે.

BJP દ્વારા ભરૂચ જિલ્લામાં મુસ્લિમોને અત્યાર સુધીની સૌથી વધુ ટિકિટ આપવામાં આવી હોવાનું જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયાએ જણાવ્યું છે. અગાઉ કેટલાક ઉમેદવારો કોંગ્રેસ સાથે હતા. ભરૂચ જિલ્લામાં આદિવાસી મતો ઉપરાંત મુસ્લિમ મતોની સંખ્યા મોટી છે.આદિવાસી નેતા અને ઝગડિયાના ધારાસભ્ય છોટુભાઇ વસાવાએ સ્થાપિત ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP) ના સહયોગી કોંગ્રેસની અગાઉ જીલ્લા પંચાયત સત્તામાં હતી.

જોકે હવે BTP એ અસદુદ્દીન ઓવૈસીની આગેવાનીમાં ઓલ-ઇન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ-મુસલીમિન (AIMIM) ની સાથે જોડાણ કર્યું છે. 7 ફેબ્રુઆરીએ ઓવૈસીએ ભરૂચમાં પહેલી જાહેર સભા યોજી હતી જેમાં તેમણે મુસ્લિમો, દલિતો, આદિવાસીઓ અને ઓબીસી મતદારોને બીટીપીને ટેકો આપવા હાકલ કરી હતી.

બુધવારે રાત્રે, પ્રદેશ BJP એ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ જિલ્લાની 9 તાલુકા પંચાયતો, 4 નગર પાલિકાઓ અને ભરૂચ જિલ્લા પંચાયતના કુલ 320 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. આ યાદીમાં 31 મુસ્લિમ ઉમેદવારો અને 17 મહિલાઓનો સમાવેશ થાય છે. સૌથી વધુ 8 ટિકિટ ભરૂચ તાલુકા પંચાયતની ચૂંટણી માટે અપાઈ છે.

થોડા દિવસો પહેલા ભરૂચના વાગરાના કોંગ્રેસના નેતા ઇમરાન ભટ્ટી 200 સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા અને તેમને અટોદરીયા અને વાગરાના ભાજપના ધારાસભ્ય અરૂણસિંહ રાણાએ સન્માનિત કર્યા હતા. વાગરા તાલુકા પંચાયતમાં એક બેઠક પરથી ભાજપના ટિકિટ પર ચૂંટણી લડનારા ભટ્ટીનો પણ મુસ્લિમ ઉમેદવાર તરીકે સમાવેશ થાય છે.

વિરોધ રોકવા અને ડેમેજ કંટ્રોલ માટે કોંગ્રેસે હજી ઉમદવારો જાહેર કર્યા નથી, સાંજ સુધીમાં થશે સત્તાવાર જાહેરાત

ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ દ્વારા 4 પાલિકા, 9 તાલુકા અને 1 જિલ્લા પંચાયત માટે હજી સુધી સત્તાવાર ઉમેદવારોની યાદી જાહેર કરાઈ નથી. શનિવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. જોકે કેટલાક કોંગ્રેસી ઉમેદવારો એ મેન્ડેટ મળતા પેહલા જ પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે. વિરોધ રોકવા અને ડેમેજ કંટ્રોલ માટે કોંગ્રેસે હજી યાદી જાહેર કરી નથી.

ભાજપ માંથી ટિકિટ કપાતા ભરૂચ પાલિકામાં પૂર્વ સભ્યોની અપક્ષ ઉમેદવારી

ભરૂચ નગર પાલિકાના પૂર્વ સભ્ય મનહર પરમારની ટિકિટ ભાજપમાંથી કપાતા તેઓ વોર્ડ નંબર 8 માંથી પોતાની અપક્ષ પેનલ સાથે ઉમેદવારી કરી રહ્યા છે. તેઓએ 30 થી 32 સભ્યો અપક્ષ ઉતારવાના હોવાની જાહેરાત કરી છે. સતીશ મિસ્ત્રી અને હેમાબેન પટેલે પણ ટિકિટ કપાતા અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.

જિલ્લા પંચાયત પર કોંગ્રેસ-BTP, ભરૂચ-અંકલેશ્વર-જંબુસર પાલિકામાં BJP, આમોદમાં કોંગ્રેસ, 6 તાલુકામાં BJP અને 3 ઉપર BTP નું શાસન ગત વર્ષે હતું

ભરૂચ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની સત્તા હતી, ત્યારે ભરૂચ નગરપાલિકા, અંકલેશ્વર નગરપાલિકા અને જંબુસર નગરપાલિકા ભાજપ શાસન કરતું હતું. આમોદ નગરપાલિકામાં કોંગ્રેસની સત્તા હતી. જિલ્લાની 9 તાલુકા પંચાયતોમાંથી ભાજપે 6 ઉપર શાસન કર્યું હતું, જ્યારે બીટીપીએ નેત્રંગ, વાલિયા અને ઝઘડિયા પર 3 શાસન કર્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud