• ક્રેડાઈ દ્વારા પણ બાંધકામ બંધ રાખી તેને પરત ખેંચવા કલેકટરને કરાશે રજુઆત
  • છેલ્લા 9 મહિનામાં ભાવો 40 % વધતા એફોર્ડબલ ઘરના ઘરનું સપનું જોતા સામાન્ય પરિવારને ઘર ખરીદવું બનશે 15 થી 20 % મોંઘું
  • જો ભાવો નહિ ઘટાડાય તો રાજ્યભરમાં બિલ્ડર્સ-કોન્ટ્રાક્ટર્સ-ડેવલોપર્સ જલદ આંદોલન કરવા પણ ખચકાશે નહિ : રોહિત ચદરવાલા

WatchGujarat. બાંધકામ ક્ષેત્રે સિમેન્ટ અને સ્ટીલ કંપનીઓ દ્વારા કાર્ટેલ (એકજુથ) થઈ છેલ્લા 9 મહિનાથી ભાવો વધારવામાં આવી રહ્યા છે. જેના લીધે માંડ માંડ ઉભા થયેલા રિયલ એસ્ટેટ સેક્ટર પર બોજ પડી રહ્યો છે. સ્ટીલ, સિમેન્ટની કિંમતમાં પાછલા મહિનાઓમાં 40 % સુધીનો વધારો ઝીકી દેવામાં આવતા ગુજરાત બહારના બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા ઉદ્યોગકારો ભીંસમાં મુકાયા છે. પ્રોજેકટ કોસ્ટ વધતા ઘરોની કિંમત 15 થી 20 % વધી શકે છે.

બીજી તરફ સ્ટીલ-સિમેન્ટના ઉત્પાદકોની આ મનમાનીના કારણે નવા પ્રોજેક્ટ લોન્ચિંગ અટકશે. કાર્યરત પ્રોજેક્ટ 3-6 માસ લેઇટ થશે. હોમ લોન સસ્તી થઇ પરંતુ મકાનની કિંમત વધતા ગ્રાહકોને રાહત નહિં. કાચા માલની કિંમત વૃદ્ધિ અંગે સરકારે યોગ્ય પગલું ભરવું જ રહ્યું તેવો સુર ઉઠ્યો છે.

રિયલ એસ્ટેટ સેક્ટરમાં ઓગસ્ટથી ઝડપી ગ્રોથ જોવા મળ્યો હતો પરંતુ છેલ્લા 2 માસથી ચિત્ર બદલાઇ રહ્યું છે. કાચા માલની સતત વધતી કિંમતોના કારણે સેક્ટરમાં કામગીરી મંદ પડી રહી છે. સિમેન્ટ અને સ્ટીલ ઉત્પાદક કંપનીઓ દ્વારા રચાયેલ કૃત્રિમ તેજીની કાર્ટેલના કારણે રિયલ એસ્સેટ સેક્ટરનો શ્વાસ રૂંધાવા લાગ્યો છે.

સિમેન્ટ-સ્ટીલની કિંમતો છેલ્લા એક વર્ષમાં સરેરાશ 30-40 ટકા વધી ચૂકી છે. ગુજરાતમાં રિયલ એસ્ટેટ સેક્ટરને બેઠું થવા માટે ડેવલપર્સ તથા બિલ્ડર્સે 3 થી 10 ટકા સુધી ડિસ્કાઉન્ટ આપ્યુ હતું પરંતુ હવે કાચા માલની ઉંચી કિમંતના બોજથી ડિસ્કાઉન્ટ આપવું પરવડે તેમ નથી. એટલું જ નહિં ડેવલપર્સ કે બિલ્ડર્સ હવે વધારાનો બોજ સહન કરી શકે તેમ નથી જેના કારણે ભારણ ગ્રાહકો પર આવી શકે છે તેમ ભરૂચ ક્રેડાઇ અધ્યક્ષ રોહિત ચદરવાલા એ જણાવ્યું હતું.

રાજ્ય ક્રેડાઈ દ્વારા આ ભાવ વધારાના વિરોધમાં શુક્રવારે એક દિવસ બાંધકામ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. ભરૂચ ક્રેડાઈ પણ શુક્રવારે તમામ સાઈટો પર કામકાજ બંધ રાખી 33 જિલ્લાના કલેકટરને રજુઆત કરવાના કાર્યક્રમના ભાગરૂપે ભરૂચ કલેકટરને 12 કલાકે આવેદન પત્ર પાઠવશે.

જો સ્ટીલ-સિમેન્ટના ભાવો પર બ્રેક મારી તેને નીચા લાવવામાં નહિ આવે તો જલદ આંદોલન કે આગામી સમયમાં અચોક્કસ મુદ્દત સુધી બાંધકામની કામગીરી બંધ રાખવાની પણ ચીમકી ઉચ્ચારાઇ છે.

ભરૂચ ક્રેડાઈના પંકજ હરિયાણી નિશિથ અગ્રવાલ, મનીષ પટેલ, કિરણ મઝમુદાર એ વધુમાં જણાવ્યું કે, છેલ્લા કેટલાક વર્ષથી ઓછા માર્જિન સાથે ડેવલોપર્સ કામ કરે છે પરંતુ હવે નુકસાનીનો બોજ સહન કરી શકે તેમ નથી. 75% વધુ હિસ્સો બાંધકામમાં સ્ટીલ-સિમેન્ટનો છે.

કાચા માલની ઉંચી કિંમતના કારણે પ્રોજેક્ટ સમય મર્યાદા 6-12 માસ લંબાઇ જશે. કોરોના પૂર્વે જે પ્રોજેક્ટ લોન્ચ થયા હતા તેનો સમય છ માસ વધ્યો છે જ્યારે હવે કાચા માલની ઉંચી કિંમતના કારણે કામગીરી ધીમી પડી છે. ડેવલપર્સ તથા બિલ્ડર્સના માર્જિન કપાઇ ગયા છે.

કાચામાલની સતત વધી રહેલી કિંમતોના કારણે ડેવલપર્સને નુકસાની છે. જો કાચામાલની તેજી આગામી બે-ત્રણ માસથી વધુ ટકી રહેશે તો લાંબાગાળે ગ્રાહકો પર ભારણ વધશે. સ્કવેર ફૂટ દીઠ સરેરાશ 200થી વધુ વધારો થાય તેવી શક્યતા છે. લાંબાગાળા માટે બોજ સહન કરી શકે તેમ નથી. જો ભાવો ને નહિ ડામવામાં આવે તો ઘરના ઘરનું સ્વપ્ન જોતા સામાન્ય પરિવાર પર જ અંતે મકાનની કોસ્ટ વધતા ભારણ ભોગવવું પડશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud