• થોડા દિવસોમાં જ સિંહ જૂનાગઢ શહેરમાં બે વખત આવી ચડ્યાની ઘટનાથી લોકોમાં ડરનો માહોલ
  • એક જ રસ્તે એન્ટ્રી લઇ પરત ફર્યો
  • સિંહ શહેરના સરદાર પરામાંથી પ્રવેશી રેલવે કોલોની થઈ હોટલમાં ઘૂસ્યો હોવાનું અનુમાન

WatchGujarat. જૂનાગઢમાં રાજકોટ હાઇવે પરની પ્રખ્‍યાત હોટલમાં બે દિવસ પહેલા વહેલી સવારે સિંહ આવી ચડ્યો હતો. હોટલમાં લટાર મારતો સિંહ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. હોટલમાંથી સિંહને બહાર નીકળવાનો રસ્‍તો ન મળતાં જ્યાંથી પ્રવેશ કર્યો હતો ત્યાંથી પરત ફર્યો હોવાના દૃશ્યો સીસીટીવીમાં કેદ થયાં છે. હોટલમાં સિંહ લટાર મારતાં સીસીટીવીમાં કેદ થયેલાં દૃશ્યો સોશિયલ મીડિયામાં વાઇરલ થયાં છે. છેલ્‍લા થોડા દિવસોમાં જ સિંહ જૂનાગઢ શહેરમાં બે વખત આવી ચડ્યાની ઘટનાથી લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

શિકારની શોધમાં સિંહ રહેણાંક વિસ્તારોમાં આવી પહોંચે છે

જંગલના રાજા સિંહ વારંવાર ખોરાકની શોધમાં લટાર મારતાં-મારતાં જંગલની બહાર માનવ વસતિના વસવાટવાળા વિસ્‍તારોમાં આવી ચડી જાય છે. તાજેતરમાં સિંહોનું એક જુથ રાજકોટની ભગોળે પહોંચી ગયું હતું. આમ આવી રીતે અનેક વખત સિંહો જંગલ વિસ્‍તાર છોડી માનવ વસતિના વિસ્‍તારોમાં લટાર મારતા હોવાનાં દૃશ્યો કેમેરામાં કેદ થતાં જોવા મળે છે. દરમિયાન બે દિવસ પૂર્વે 8 ફેબ્રુઆરીએ વહેલી સવારે પાંચેક વાગ્‍યાના અરસામાં જૂનાગઢ શહેરમાંથી પસાર થતા રાજકોટ હાઇવે પર આવેલી હોટલ સરોવર પોર્ટિકોના એન્‍ટ્રી ગેટ પાસે રખાયેલા બેરિકેડ્સને કૂદીને એક સિંહ હોટલમાં ઘૂસી જઇ પાર્કિંગ અને લોબીમાં થોડો સમયે લટાર મારતો હતો.

પરંતુ હોટલમાંથી સિંહને બહાર જવાનો રસ્‍તો ન મળતાં જે રીતે પ્રવેશ્યો એ રીતે જ ફરી એન્‍ટ્રી ગેટથી બહાર નીકળી ગયો હતો. સિંહની આવન-જાવન અને લટારની સંપૂર્ણ ઘટના હોટલ સરોવર પોર્ટિકોના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. જે દ્રશ્યોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. તો સિંહ શહેરમાં ચડી આવ્‍યાની ઘટનાના વાઇરલ થયેલો વીડિયો પરથી સિંહ શહેરના સરદાર પરામાંથી પ્રવેશી રેલવે કોલોની થઈ હોટલમાં ઘૂસ્યો હોવાનું જાણકારો અનુમાન લગાવી રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud