• જીઆઈડીસીમાં શેડ ભાડે રાખી, એકતા એન્ટરપ્રાઇઝના નામે ફાયર સેફટી વગર જોખમી ગોરખ ધંધો કરતા રાજકોટના સંચાલકની ધરપકડ, સુરતનો બીજો માલિક વોન્ટેડ
  • રાજકોટથી લાઈટ ડીઝલ લાવી ભરૂચમાં લોકોના જીવ જોખમમાં મૂકી બાયોડિઝલ બનાવી બજારમાં સપ્લાય કરાતું હતું

Watchgujarat. ભરૂચ GIDC માં શેડ ભાડે રાખી રાજકોટ અને સુરતના ભેજાબાજ દ્વારા લાઈટ ડીઝલ ઓઇલ મંગાવી ફાયર સેફટીના અભાવ વચ્ચે જોખમી રીતે ચાલતા બાયોડિઝલ બનાવવાના ગેરકાયદે વેપલાનો SOG એ પર્દાફાશ કરી 1 સંચાલક સાથે 24000 લીટરનો જથ્થો, ટેન્કર સહિત કુલ ₹28 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો છે.

ભરૂચ જિલ્લામાં પણ ગેરકાયદે બાયોડિઝલ પંપોની ઠેર ઠેર જોખમી હાટડીઓ રાતોરાત કમાઈ લેવાની હોડમાં ધમધમી ઉઠી છે ત્યારે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે ભરૂચ જીઆઇડીસીમાંથી બાયોડિઝલ બનાવતું ગેરકાયદે અને જોખમી કારખાનું જ પકડી પાડતા ભારે ખળભળાટ મચી ગયો છે.

ભરૂચ જી.આઇ.ડી.સી માં આર.કે. સ્ટીલ નામની કંપનીનો પ્લોટ નંબર 21 ભાડે રાખી એકતા એન્ટરપ્રાઇઝ નામની કંપની દ્વારા રાજકોટથી લાઈટ ડિઝલ ઓઈલ નામનું પ્રવાહી લાવી ગેરકાયદેસર સંગ્રહ કરાતો હતો. જેનું પ્રોસેસીંગ કરી તેને બાયોડીઝલ તરીકે બજારમાં છુટક સપ્લાય કરવામાં આવી રહ્યો હતો.

બાતમી આધારે SOG એ દરોડો પાડતા સ્થળ પરથી એક ટેન્કર જવલનશીલ પ્રવાહીનો જથ્થો ખાલી કરતા ઝડપાયું હતું. શેડમાં તપાસ કરતા ફાયર સેફટીના સાધનો વગર આ જોખમી ગોરખ કારોબાર ધમધમાવવામાં આવતો હોવાની હકીકત ખુલી હતી.

અન્યના જીવ જોખમમાં મુકાય તે રીતે બાયોડિઝલના આ બે નંબરી વેપલમાં રાજકોટના વજુભાઈ નાનજીભાઈ ડાંગરની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે એકતા એન્ટરપ્રાઇઝના માલીક મુનાફભાઈ રહિમભાઈ મેમણ રહે. સુરતને વોન્ટેડ જાહેર કરાયા હતા. સ્થળ પરથી જવલનશીલ પ્રવાહી 24000 લિટર કિંમત ₹13 લાખ અને ટેન્કર મળી કુલ ₹28 લાખનો મુદ્દામાલ જપ્ત કરી સી ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud