• વર્ષ 1992માં ભરૂચ ખાતે પતિએ કેરોસીન છાંટી પત્નીની હત્યા કરી હતી
  • હત્યારા પતિને વર્ષ 1993માં કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી હતી.
  • વર્ષ 2000માં 45 દિવસના વચગાળાના જામીન મેળવી હત્યારો ફરાર થઇ ગયો હતો.
  • વડોદરા જિલ્લા પેરોલ ફર્લો સ્કવોડે સુરત પાસેના શેરપુર ગામમાંથી હત્યારાને ઝડપી પાડ્યો

વડોદરા. પોલીસ ધારે તો ગુનાખોરી અને ગુનેગારોને પકડવા તેમની માટે કોઇ મોટી ચેલેન્જ નથી. જે વાતને પુરવાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે. વચગાળાના જામીન મેળવી વર્ષ 2000થી ફરાર આરોપીને પોલીસે શોધી કાઢ્યો હતો. જોકે 20 વર્ષના સમયગાળામાં હત્યારાની સકલ અને શરીર માળખુ પણ બદલાઇ ગયુ હતુ. જોકે પોલીસે હત્યારાને ઝડપી પાડવાનુ નક્કી કરી લીધુ અને આખરે સફળતા પણ મળી હતી.

વર્ષ 1992માં મૂળ ડભોઇના વડજ ગામનો મહેન્દ્ર ઉર્ફે ડાહ્યા ભોગીલાલ તડવી ભરૂચમાં રહેતો હતો. ત્યારે તેણે તેની પત્ની રેવાબેનને ચારિત્ર્ય પર શંકા રાખી કેરોસીન છાંટીને સળગાવી દીધી હતી. આ અંગે ભરૂચ રેલવે પોલીસમાં હત્યાનો ગુનો નોંધાયા બાદ મહેન્દ્રની ધરપકડ કરાઇ હતી. 1993માં ભરૂચ અદાલતે મહેન્દ્રને આજીવન કેદની સજા ફટકારી હતી. ત્યારબાદ તેને પાકા કામના કેદી તરીકે વડોદરાની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો હતો. વર્ષ 2000માં મહેન્દ્રને હાઇકોર્ટના હુકમ બાદ 45 દિવસના વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. જોકે નિયત સમય મર્યાદામાં હાજર થવાના બદલે તે ફરાર થઈ ગયો હતો.

દરમિયાન આરોપી મહેન્દ્રએ પોતાની ઓળખ છુપાવવા માટે નામ બદલી ડાહ્યા ભોગીલાલ તડવી કરી નાખ્યું હતુ. મહેન્દ્ર ઉર્ફે ડાહ્યાભાઇએ સુરત જિલ્લાના કામરેજના શેરપુરની નવીનગરીમાં રંજનબહેન નામની મહિલા સાથે બીજા લગ્ન કરી પોતાનો સંસાર શરૂ કરી દીધો હતો. મહેન્દ્ર ઉર્ફે ડાહ્યાભાઇ માની લીધુ હતુ કે, તેના સુધી હવે પોલીસ પહોંચી નહીં શકે, કારણ કે હવે તો તેનો ચહેરો અને શરીર માળખુ પણ પહેલા કરતા ઘણુ બદલાઇ ગયું હતુ. પરંતુ તે ભૂલી બેઠો હતો કે પોલીસ એક વખત મળદાને પણ બોલતો કરી શકે છે.

અને આખરે 20 વર્ષથી ફરાર મહેન્દ્ર અંગે વડોદરા જિલ્લા પેરોલ ફર્લો સ્ક્વોડના PSI એ.કે. રાઉલજી અને તેમની ટીમને બાતમી મળી હતી કે, હત્યા કેસનો આરોપી સુરત નજીક આવેલા શેરપુર ગામમાં રહે છે. જેથી પોલીસે દરોડો પાડી તેને ઝડપી પાડ્યો હતો અને વધુ તપાસ માટે ડભોઇ પોલીસને સોંપવામાં આવ્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud