• મતદાન મથક બહાર ભાજપની પત્રિકા વિતરણ કરતા શખ્સનો જાગૃત નાગરિકે વિડિઓ ઉતારી વાઇરલ કર્યો
  • પ્રિસાઇડીંગ ઓફીસરે ભૂલ સ્વીકારતા મતદાન પુનઃ શરૂ કરાયુ

મોરબી. પેટાચૂંટણી અંતર્ગત વહેલી સવારથી મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે રસિકલાલ શેઠ હાઈસ્કૂલમાં આવેલા મતદાન મથક બહાર ભાજપનાં ટેબલ પરથી મતદારોને પ્રભાવિત કરતી પત્રિકાનું વિતરણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. એક જાગૃત નાગરિકને આ વાત ધ્યાનમાં આવતા તેણે આ અંગેનો વિડીયો બનાવી વાયરલ કર્યો હતો. જેને લઈને લોકોમાં અનેક સવાલો ઉઠયા છે. બીજીતરફ ન્યુ નવલખી વિસ્તારનાં લોકો પ્રાથમિક સુવિધાઓનાં અભાવને લઈ મતદાનથી દુર રહ્યા હતા.

જાણવા મળતી વિગત મુજબ શહેરની રસિકલાલ શેઠ હાઈસ્કૂલમાં આવેલા મતદાન મથક બહાર ભાજપનાં કાર્યકરોનું ટેબલ હતું. આ ટેબલ પરથી મતદારોને ખાસ પત્રિકા આપવામાં આવતી હતી. અને ભાજપ તરફ આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. જો કે એક જાગૃત નાગરિકનાં ધ્યાને આ વાત આવતા તેમણે આ મુદ્દેનો વિડીયો બનાવી ચૂંટણી સ્ટાફનો ઉધડો લઈ લીધો હતો. સાથે જ વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાઈરલ કરી દીધો હતો.

વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, જાગૃત નાગરિક પત્રીકા સાથે બૂથમાં જઈને ચૂંટણી સ્ટાફને આચાર સંહિતા ભંગ થઈ રહી હોવાનું જણાવે છે. આ સમયે ચૂંટણી સ્ટાફે આ અમારામાં ન આવે તેવું કહી રહ્યો છે. જેને પગલે જાગૃત નાગરિક થોડીવાર માટે મતદાન નહીં કરવામાં આવે તેવું જણાવે છે. પણ બાદમાં પ્રિસાઈડિંગ ઓફિસરે પોતાની ભૂલ સ્વીકારી હતી. જેને પગલે ફરી મતદાન શરૂ કરાયું હતું.

મોરબીનાં ન્યુ નવલખી વિસ્તારનાં રહેવાસીઓએ કર્યો મતદાનનો બહિષ્કાર

મોરબીનાં ન્યુ નવલખી વિસ્તારમાં છેલ્લા ઘણા વખતથી  લોકો પ્રાથમિક સુવિધા માટે તરસી રહ્યા છે. આ અંગે અનેક રજૂઆતો કરવા છતાં વર્ષોથી તેમની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. જેને પગલે અગાઉ અહીંના લોકોએ ભાજપ-કોંગ્રેસનાં નેતાઓને પ્રચાર માટે આવવા પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારે આજે અહીંના લોકો દ્વારા મતદાનનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો છે. જો કે સ્થાનિકોએ આ અંગેની જાહેરાત કરતા જ નેતાઓ દ્વારા મનામણા શરૂ કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud