મકસુદ મલીક, પંચમહાલ. વિશાખાપટ્ટમ જાસૂસી કેસમાં નેશનલ ઇન્ટેલીજન્સ એજન્સીને તપાસ દરમિયાન ગોધરા કનેકશન હોવાનુ જાણવા મળ્યું હતુ. ગોધરા ખાતે રહેતો ગિતેલી ઇમરાનની જાસૂસી કેસમાં મુખ્ય ભૂમિકા હોવાનુ બહાર આવતા, NIA ટીમ ગત રોજ ગોધરા ખાતે પહોંચી હતી. ઇમરાનને ઝડપી પાડવા માટે લોકલ પોલીસનો સપોર્ટ લેવો જરૂર હતો. જેથી એનઆઇએની ટીમે પંચમહાલ એસ.પી ડો. લીના પાટીલનો સંપર્ક કરતા એસ.ઓ.જીની ટીમ તૈયાર કરી ઓપરેશન ગિતેલીમાં જોડાઇ હતી.

ભારતની નેવી શીપ સબમરીન તથા ડિફેન્સના મહત્વની જગ્યાઓની જાસૂસી દ્વારા માહિતી એકઠી કરવા માટે પાકિસ્તાનના આઇએસઆઇ દ્વારા આંતરાષ્ટ્રીય જાસૂસી ષડયંત્ર રચવામાં આવ્યું હતું. જેમાં પંચમહાલ ગોધરા ખાતે પોલન બજારના વાલી ફળીયામાં રહેતો ગિતેલી ઇમરાન દેશની કેટલીક મહત્વની માહિતીઓ એકઠી કરી પાકિસ્તાનમાં બેઠેલા તેમના આકાઓને પુરી પાડતો હતો. ઇમરાને કેટલાક નેવી ઓફીસરોના ખાતામાં મોટી રકમો ટ્રાન્સફર કર્યા હોવાના પુરાવા એનઆઇએની તપાસ દરમિયાન મળી આવ્યાં હતા.

ઇમરાન જન્મથી જ ગોધરા ખાતે રહે છે, જોકે તેના પરિવારમાં માતા-પિતા, પત્ની અને ત્રણ સંતાનો હોવા છતાં તે અલગ મકાન રાખી રહેતો હતો. ઇમરાન રિક્ષા ચલાવવાની સાથે કાપડનો વેપાર કરતો હતો. ઇમરાનના પિતા પણ રિક્ષા ચલાક છે. આ તમામ માહિતી સાથે નેશનલ ઇન્ટેલીજન્સની ટીમ ગતરોજ ગોધરા ખાતે પહોંચી હતી. જોકે ઇમરાનની ભૂમિકા જાસૂસની હોવાથી સાવચેતીના પગલા લેવા જરૂર હતા. ગોધરાની પરિસ્થિતિ અંગે સૌ કોઇ વાકફે છે, ત્યારે આવી પરિસ્થિતિ વચ્ચે એક  જાસૂસને પકડવા માટે સ્થાનિક પોલીસની મદદ લેવી જરૂર બનતી હતી.

જેથી એનઆઇએની ટીમે પંચમહાલના એસ.પી ડો. લીના પાટીલનો સંપર્ક કર્યો હતો. ઇમરાન ગિતેલી અંગેની તમામ માહિતી મેળવી તેમણે એસ.ઓ.જી પી.આઇ કે.પી જાડેજાને ટીમ એક તૈયાર કરવા માટે સુચના આપી હતી. ઇમરાનને પકડવામાં કોઇ ચુક ન રહીં જાય તેનુ પુરેપુરુ આ ઓપરેશનમાં ધ્યાન રાખવામાં આવ્યું હતુ. દરમિયાન એસ.પીની સુચના મૂજબ ટીમ તૈયાર થઇ અને એનઆઇની ટીમને સાથે રાખી પોલીસ અધિકારીઓ પોલન બજારમાં આવેલી ગુજરાતી કુમાર શાળા પાછળના મહમંદ મહોલ્લામાં પહોંચ્યાં હતા. ઇમરાન ગિતેલીના ઘરને ખુબ જ સાવચેતીપૂર્વક પોલીસે ચારે તરફથી કોર્ડન કરી અને ઘરમાં ઘૂસી ગયા હતા. ઇમરાન હજી તો ઉંઘમાંથી ઉંઠીને આંખ ખોલે તે પહેલાજ પોલીસે તેને ધરદબોચી લીધો હતો. આમ પંચમહાલ પોલીસ અને એનઆઇએ સાથે જોડાઇ ઓપરેશન ગિતેલીને પાર પાડ્યું હતુ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud