• રાજકોટની પરિસ્થિતિ અતિ ગંભીર બનતા દયનિય હાલત
  • દર્દીને રસ્તા પર સુવડાવી સારવાર આપવી પડી રહીં છે.

WatchGujarat. શહેર અને જિલ્લામાં કોરોનાનો કહેર સતત યથાવત છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં વધુ 73 દર્દીનાં મોત થવાની સાથે બપોર સુધીમાં વધુ 280 પોઝીટીવ કેસ નોંધાયા છે. બીજીતરફ મોડીરાતથી રેમડેસીવીર ઇન્જેક્શન લેવા લોકોની લાઈનો લાગી છે. સાથે-સાથે સિવિલ હોસ્પિટલ ખાતે ઓક્સિજન લેવલ ઘટી જતાં દર્દીને જમીન પર સુવડાવી સારવાર આપવામાં આવી હોવાનો વિડીયો સામે આવ્યો છે.

રાજકોટ શહેર – જિલ્લામાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે ગઇકાલે 77 મોત નોંધાયા બાદ આજે છેલ્લા 24 કલાકમાં કોરોનાએ વધુ 73નો ભોગ લીધો છે. સતાવાર વિગતો મુજબ ગઈકાલે સવારે 8વાગ્યાથી લઈને આજે સવારે 8 વાગ્યા સુધી છેલ્લા 24 કલાકમાં  વધુ 73 દર્દીઓનાં કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. જો કે આ પૈકીનાં કેટલા દર્દીઓનાં મોત કોરોનાથી થયા છે તે અંગેનો આખરી નિર્ણય સરકાર દ્વારા નિમાયેલી ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવાશે. કાલે થયેલા 77 પૈકી માત્ર 11 મૃત્યુ કોરોનાને કારણે થયાનું સરકારની ડેથ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવ્યું છે.

બીજીતરફ ગઈકાલે દિવસ દરમિયાન 397 પોઝીટીવ કેસ નોંધાયા હતા. જેની સામે આજે બપોરે 12 સુધી વધુ 280 નવા પોઝીટીવ કેસ નોંધાતા કુલ સંક્રમિતોની સંખ્યા 28,823 થઈ છે. આ પૈકી અત્યાર સુધીમાં જ 23,500 દર્દીઓ ડિસ્ચાર્જ થતા રિકવરી રેઈટ 82.33 ટકા થયો છે. આજ બપોર સુધીમાં 9 લાખથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં પોઝીટીવીટી રેઈટ 3.20% નોંધાયો છે. તો ગતરાતથી રેમડેસીવીર ઇન્જેક્શન લેવા લોકોની લાંબી લાઈનો લાગી છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દરરોજ સવારથી રાત સુધી 24 કલાક ચૌધરી હાઈસ્કૂલમાં દર્દીઓ વેઇટિંગમાં ઊભા રહે છે. ગઇકાલે રાત્રે પણ ચૌધરી હાઈસ્કૂલ મેદાનમાં એમ્બ્યુલન્સ અને દર્દીઓની લાઇનો લાગી હતી,. દરમિયાન એક દર્દીની તબિયત અચાનક લથડતાં તેને ત્યાં જમીન પર ઊંધા સુવડાવી પ્રાથમિક સારવાર આપવાની ફરજ પડી હતી. રાત્રિના 1 વાગ્યાની આસપાસ દર્દી લાઇનમાં ઊભો હતો. એ સમયે તેના શરીરમાં ઓક્સિજન પ્રમાણ ઓછું થતાં તાત્કાલિક તેના પરિવારજન અને આસપાસના લોકોએ મદદ કરી દર્દીને જમીન પર ઊંધા સુવડાવી ઓક્સિજન વધે એ માટે પ્રયાસ કર્યા હતા. સદનસીબે દર્દીનો જીવ બચી ગયો હતો. પરંતુ પરિસ્થિતિ આવી જ રહેશે તો લાઇનમાં ઊભા દર્દીના જીવ જવાની શક્યતા નકારી શકાય તેમ નથી. ત્યારે આ લાઈનો ઘટાડવા તંત્ર દ્વારા તાત્કાલિક વ્યવસ્થા કરવી જરૂરી હોવાનો સુર ઉઠ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud