• ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વેકસીનને લઇને લોકોમાં અંધશ્રદ્ધા
  • કેટલાકે તો કહ્યું રસી લઇશું તો બે મહિનામાં મરી જઇશું !

WatchGujarat. ગ્રામ્ય વિસ્તારમાં વેકસીનેશન વધારવા માટે જિલ્લા કલેક્ટરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મનોવિજ્ઞાનની ટીમોને જવાબદારી સોંપી છે. જેને લઈને આ ટીમોએ ગામડાઓ ખૂંદીને લોકોને સમજાવવાનું શરૂ કર્યું છે. જો કે કેટલાક ગામોમાં મળી રહેલા જવાબો સાંભળી આ ટીમ પણ આશ્ચર્યમાં મુકાઈ છે. એક ગામના લોકોએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે, રસી લેશું તો બે મહિનામાં મરી જઇશું ! આ ગામડાના લોકોને મારવાનો પ્લાન છે’ હાલ તો મનોવિજ્ઞાન ભવનની ટીમો ગ્રામ્ય વિસ્તારનાં લોકોની આવી ગેરમાન્યતાઓ દૂર કરવા પ્રયાસ કરી રહી છે.

મનોવિજ્ઞાનના હેડ યોગેશ જોગસન, ધારા, દોશી અને હસમુખ ચાવડા ઉપલેટાના ગાઝા, હાડફોડી, કોલકી હરિયાસણ , મોટી પાનેલી અને પડલવા જેવા ગામોમાં રસીકરણ અંગે જાગૃતિ માટે પહોંચ્યા હતા. પણ ત્યાં અંધશ્રદ્ધાથી પીડિત ગ્રામજનોએ કહ્યું કે, અમે કયાંય બહાર જતા નથી એટલે કોરોના નહીં થાય, માતાજીએ વેક્સિન લેવાની ના પાડ્યાનું ભૂવા કહે છે. વેક્સિન લઇ તો ગર્ભ ના રહે, રોજા હોવાથી રસી લીધી નથી. આખા ગામમાં કોઇએ રસી લીધી નથીને એક પણ કોરોનાનો કેસ નથી.

બીજીતરફ ઉપલેટા તાબાના પડવલાના ઉપસરપંચે જણાવ્યું હતું કે, સાહેબ, કોરોના નો થાય તેવી માનતા લીધી છે. જો હવે અમે રસી લઇશું તો ભગવાન પણ કોપાયમાન થશે એટલે કોઇકાળે રસી નહીં મૂકાવીએ. ટીમોએ ઉપલેટા પંથકના વિવિધ ગામોની મુલાકાત લેતા રસી ન મૂકવાના અજીબોગરીબ બહાના સામે આવ્યા હતા. જેમાં એક ગામમાં તો કોરોના ન થાય તે માટે 7 નાળિયેરીના તોરણ બાંધવામાં આવ્યા છે. એક ગામના લોકોએ કહ્યું હતું કે શહેરોમાં નોકરિયાત માટે અલગથી રસી આપવામાં આવી છે જ્યારે ગ્રામ્ય વિસ્તારના લોકો માટે હલકી કક્ષાની રસી આપવામાં આવી છે. કેટલાકે એવું જણાવ્યું હતું કે રસી લઇશું તો બે મહિનામાં મરી જઇશું ! રસી ગામડાના લોકોને મારવા માટેનો પ્લાન છે.

રાજકોટ જિલ્લાના 98 ગામમાં અંધશ્રદ્ધાના કારણે લોકો રસી મૂકાવતા નથી. જેની સમજાવટ માટે ગયેલી ટીમોને વિચિત્ર અનુભવ થઇ રહ્યા છે. ઉપલેટા પંથકના  લોકો કહે છે કે, વેકસીન લીધા બાદ પણ કોરોનાથી સગાઓના મૃત્યુ થાય તો રસી લેવાનો શું અર્થ? કેટલાંક લોકોએ તો ત્રીજી લહેર શરૂ થઇ હોવાની ભવિષ્યવાણી કરી કહ્યું હતું કે, આ કારણે જ લોકોની આંખો સૂજી જવી, ફૂગ થવી જેવી ઘટનાઓ બની રહી છે. જો કે હાલ તો આ ટીમો દ્વારા ગ્રામ્ય વિસ્તારના લોકોના આ તમામ પ્રશ્નોના જવાબ આપીને તેમને વેકસીનેશન માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે. અને તેમાં થોડીઘણી સફળતા પણ મળી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud