- દેશમાં ઝારખંડ, મિઝોરમ, રાજસ્થાન જેવા નબળા કહેવાતા રાજ્યો ગુજરાત કરતાં વધુ આરોગ્ય પાછળ ખર્ચ કરે છે
- રિઝર્વ બેંકે વિવિધ રાજ્યો દ્વારા જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ પાછળ થતાં ખર્ચનું સ્ટેટમેન્ટ રજુ કર્યું
- રાજ્ય સરકારે કોરોનાના દર્દીઓ પાછળ 600 કરોડ ખર્ચ્યા
- રાજ્ય સરકારનું હેલ્થ બજેટ 11,24 કરોડ અને 7000 કરોડ વેતનો માટેનો ખર્ચ
WatchGujarat દેશની રિઝર્વ બેંકે દેશના વિવિધ રાજ્યો દ્વારા જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ પાછળ થતાં ખર્ચનું સ્ટેટમેન્ટ રજુ કર્યું છે. જેમાં વર્ષ 2020-21માં આરોગ્ય પાછળ થતાં બજેટના ખર્ચની બાબતમાં દેશના 31 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ગુજરાતનું 15મા સ્થાને છે. રાજ્ય સરકારે 2020માં કુલ બજેટમાંથી 5.2 ટકા રકમ આરોગ્ય ખર્ચ માટે ફાળવી છે. રાજ્યનું કુલ બજેટ 2,17,287,24 કરોડનું હતું. જેમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 11 હજાર 243 કરોડની જોગવાઈ દર્શાવવામાં આવી હતી. જે વાસ્તવમાં કુલ બજેટના 5.17 ટકા જેટલી રકમ હતી.
ગુજરાત સરકારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ પાછળ તેના કુલ બજેટમાંથી વર્ષ 2014-15 માં 5.5 ટકા, 2015-16માં 5.6 ટકા, 2016-17માં 5.7 ટકા, 2017-18માં 5.4 ટકા અને 2018-19માં 5.6 ટકા ખર્ચ કર્યો હતો, જ્યારે 2019-20માં સુધારેલા ખર્ચના અંદાજ પ્રમાણે 5.6 ટકા રકમ આરોગ્ય વિભાગ પાછળ ખર્ચી હતી. રાજસ્થાન જેવું નબળું રાજ્ય પણ ગુજરાતની તુલનામાં આરોગ્ય પાછળ ખર્ચની બાબતમાં આગળ છે. તેણે 2018-19માં તેના બજેટમાંથી 5.8 ટકા રકમ આરોગ્ય માટે ખર્ચી હતી, જ્યારે 2019-20માં સુધારેલા ખર્ચના અંદાજ પ્રમાણે તેણે 6.1 ટકા રકમ આરોગ્ય પાછળ ખર્ચી હતી, જે ગુજરાત કરતાં વધુ હતી.
કોરોનાએ માણસોના જીવનની સાથોસાથ સરકારના બજેટને પણ અસ્તવ્યસ્ત કરી દીધું છે. 24 માર્ચથી અત્યાર સુધીમાં એટલે 175 દિવસોમાં ગુજરાત સરકારે કોરોના દર્દીઓની સારવાર તથા આરોગ્ય સુવિધાઓ પાછળ 600 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. જેમાંથી 210 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ માત્ર ટેસ્ટ પાછળ ખર્ચાય છે. જ્યારે 100 કરોડ રૂપિયા દવાઓ, માસ્ક, સેનિટાઇઝર પાછળ ખર્ચાયા છે. રાજ્યમાં એન્ટિજન, આરટી પીસીઆર ટેસ્ટ કીટ પાછળ અત્યાર સુધી 210 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. કુલ 5 લાખ એન્ટિજન ટેસ્ટ કીટ અને 1.50 લાખ આરટી PCT ટેસ્ટની કીટ માટે આ ખર્ચ થયો છે.
ગુજરાત સરકારનું 2020-21 માટેનું અંદાજપત્ર દર્શાવે છે કે, સરકારે કુલ 11,243 કરોડ રૂપિયાની નાણાંકીય જોગવાઇ આરોગ્ય માટે ફાળવી હતી તે પૈકી સરકારે આરોગ્ય અને તબીબી સેવાઓના સદર હેઠળ કુલ 7124.42 કરોડ રૂપિયાની જોગવાઇ કરેલી છે અને તે પૈકી મોટો ખર્ચ મહેસૂલી સેવાઓ એટલે કે કર્મચારીઓના પગાર, ભાડા ભથ્થા, એરિયર્સ, પેન્શન વગેરે જેવા બિનવિકાસલક્ષી ખર્ચ પાછળ થશે અને તે રકમ 6,274 કરોડ રૂપિયા થશે.
દેશના રાજ્યો દ્વારા આરોગ્ય પાછળ થતા ખર્ચની ટકાવારી
ક્રમ | રાજ્ય | ખર્ચ (ટકાવારીમાં) |
1 | દિલ્હી | 11.9 |
2 | પુડ્ડુચેરી | 8.1 |
3 | ગોવા | 7.2 |
4 | મેઘાલય | 7.1 |
5 | રાજ્યસ્થાન | 6.5 |
6 | આસામ | 6.3 |
7 | જમ્મુ કાશ્મીર | 6.1 |
8 | સિક્કિમ | 6.1 |
9 | હિમાચલપ્રદેશ | 6.1 |
10 | મેિઝોરમ | 5.8 |
11 | છત્તિસગઢ | 5.7 |
12 | ઝારખંડ | 5.3 |
13 | તામિલનાડુ | 5.3 |
14 | આંધ્રપ્રદેશ | 5.2 |
15 | ગુજરાત | 5.2 |