• કાકા, તું મોઢુ કેમ ખોલતી નથી. તું મોઢુ ખોલીશ તો હું સેમ્પલ લઈશ.  તને કશુ જ નથી થવાની. કાકા મારી પ્રોમિસ છે તારી રિપોર્ટ પોઝીટીવ આવશે તો પન તું જલ્દી સાજી થવાની છું : મુળ સિક્કીમના ડો. સાંગે લેપ્ચા
  • પી.ડી.યુ મેડીકલ કોલેજમાં કાન,નાક,ગળાના અભ્યાસની સાથે રાજકોટ સિવીલ હોસ્પિટલમાં સેવા બજાવતી મુળ સિક્કીમની ડો. સાંગે લેપ્ચા

રાજકોટ. કાકા, તું મોઢુ કેમ ખોલતી નથી. તું મોઢુ ખોલીશ તો હું સેમ્પલ લઈશ. તને કશુ જ નથી થવાની. કાકા મારી પ્રોમિસ છે તારી રિપોર્ટ પોઝીટીવ આવશે તો પન તું જલ્દી સાજી થવાની છું સાવ ભાંગી તુટી ગુજરાતી ભાષામાં વાતચીત કરતા ડો. સાંગે ચોડન લેપ્ચા ના છે આ શબ્દો જેઓ મુળ સિક્કિમના વતની છે. છેલ્લા બે વર્ષથી રાજકોટની પી.ડી.યુ મેડીકલ કોલેજના ઈ.એન.ટી. વિભાગમાં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં અભ્યાસ કરી રહ્યા છે.

ડો. સાંગે લેપ્ચા જણાવે છે કે રાજકોટ જિલ્લાની કોવિડ ડેડીકેટેડ હોસ્પિટલ ખાતે અમને ડ્યુટી સોંપવામાં આવી છે. જેમાં હું અને મારા વિભાગના લોકો પી.પી.ઈ કીટ પહેરીને અહીં આવતા લોકોના સેમ્પલ લઈને તેને ચકાસણી માટે મોકલવાનું કામ કરીએ છીએ. શરૂઆતના સમયગાળામાં પ્રતિદીન ૨૦૦ જેટલા સેમ્પલ લેતા હતા. હોસ્પિટલની બહાર કોમ્યુનિટી વિસ્તારમાં પણ જઈને સેમ્પલ લેવાનું કામ કરતા હતા. હાલમાં ૪૦૦ થી વધુ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. આ કામગીરી કઠીન છે. કેમકે સેમ્પલ લેતી વખતે લોકો અમારા ઉપર ક્યારેક છીંક ખાઇ જાય છે અથવા તો ઉલ્ટી કરી નાખે છે. આવા સંજોગોમાં પણ અમે હિંમત હાર્યા વગર કામ કરીએ છીએ. પી.પી.ઈ કીટ પહેરીને કામ કરતા હોવાથી અન્ય કર્મચારી સાથે અનુકુલન અને તાદાત્મયતા સધાઈ જવાના કારણે વાંધો આવતો નથી. કોવિડ-19ની આ મહામારીમાં જ્યારે દેશને મારી જરૂર છે ત્યારે મેં ઘરે જવાનું માંડી વાળીને મારી ફરજ નિભાવી છે જેનો મને આનંદ છે.

કોરોના સામેની લડતમાં સહયોગી એવા ડો. સાંગે ચોડન લેપ્ચા કોવીડ-૧૯ હોસ્પીટલમાં સક્રિય સેવા બજાવી રહ્યા છે. તબીબી સેવાની વ્યવસાય તરીકે પસંદગી વિશે તેઓ જણાવે છે કે ડોક્ટર એવી વ્યક્તિ છે જે નાત-જાત-ધર્મ-રાષ્ટ્રીયતાથી ઉપર ઉઠીને માનવજાતના કલ્યાણનો વિચાર કરીને લોકોને સાજા થવામાં મદદ કરે છે. તેથી મારે મારા જીવનમાં ડોક્ટર જ બનવું છે તેવુ મેં નાનપણથી જ નક્કી કરી લીધુ હતું. મારૂ સમગ્ર ધ્યાન મે મારા લક્ષ્ય ડોક્ટર બનવા પર કેન્દ્રીત કરી દિધુ છે.

વર્ષ ૨૦૧૬માં એમ.બી.બી.એસ કર્યાના બે વર્ષ બાદ ૨૦૧૮માં “નિટ”ની પરીક્ષા સારા ગુણાંક સાથે પાસ કરી. મેરીટ લિસ્ટ પ્રમાણે મને ગુજરાત અને રાજકોટમાં એડમિશન મળતું હતું. દેશના ઉત્તર-પુર્વીય સરહદે હિમાલયની ઉંચી ગીરમાળામાં આવેલ સિક્કિમની રાજધાની ગંગટોક ખાતે પરિવારથી દુર હોવા છતાં મેં આ તક ઝડપી મારા ઈ.એન.ટી.ના અભ્યાસ માટે રાજકોટ પસંદ કર્યું કેમકે મેં સાંભળ્યુ છે કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ શિક્ષણ રાજકોટ ખાતે લીધું હતું. વિશેષમાં ગાંધીજીના ગુજરાતમાં સ્ત્રીઓ સલામત છે. અહીંયા છોકરીઓ મોડી રાત્રે પણ ઘરે સલામત રીતે ફરી શકે છે. જેનો મેં અહીં આવી ખુદ અનુભવ કર્યો છે. ઘણી વખત રાત્રીના સમયે હું મારી ડ્યુટી પુરી કરીને ઘરે જતી હોંઉ ત્યારે મને બીક નથી લાગતી. અહીંના લોકો શાંત, મળતાવડા અને લાગણીસભર છે.

તેમના અંગત અનુભવ વિશે સગર્વ જણાવતા પરપ્રાંતિય છતાં સવાઇ ગુજરાતી એવા ડો. સાંગે ચોડન લેપ્ચા એ કહયું કે ઘર પરિવારથી હજરો કિ.મી. દુર હોય ત્યારે એકલતા લાગે તે સ્વાભાવિક છે. પરંતુ થોડા સમય પહેલા મને હિપેટાઈટસ–એ ની સમસ્યા થઇ હતી. ત્યારે કોલેજના મેડમ ડો. સેજલ મિસ્ત્રી, ડો. પરેશ ખાવડુ તથા ભૂતપૂર્વ સિવિલ સુપ્રિટેન્ડન્ટ મનીષ મહેતા વગેરેએ મારી વિશેષ દરકાર લઇ સારી સારવાર અપાવી અટેલું જ નહીં કોવીડ-19ની મહામારીના ટાઇટ શિડયુલ વચ્ચે પણ સમય કાઢી ફોન પર અથવા રૂબરૂ આવી મારી ખબર લેતા હતા. તેઓની આ લાગણી મારા માટે સદાય ચિરસ્મરણીય રહેશે.

તમામ ગુજરાતીઓને અનુરોધ કરતા જણાવે છે કે દરેક લોકો માસ્ક, સેનેટાઈઝર, સોશ્યલ ડિસ્ટંસિંગ જાળવે છતાં પણ કોરોના સંક્રમિત થઈ જવાય તો ગભરાવું નહી અને બિમારીમાંથી સાજા થવા અંગે હકારાત્મક અભિગમ રાખવો. કોરોના ચોક્કસ હારશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud