• એજન્ટો રાખી રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી કરવામાં આવતી હતી.
  • હોસ્પિટલમાંથી ડીચાર્જ થયેલા પેશન્ટના નામે પણ સિવિલમાંથી ઇન્જેક્શનો મેળવવામાં આવતા
  • 670 રૂપિયામાં ખરીધેલુ ઇન્જેક્શન જરૂરીયાતમંદ સુધી પહોંચતા રૂ. 12 હજારનુ થઇ જતુ
  • ક્રાઇમ બ્રાન્ચને ફરીયાદ મળતા ડમી ગ્રાહકો મોકલી ઇન્જેક્શનની કાળાબજારીનો પર્દાફાશ કરવામાં આવ્યો

WatchGujarat. એક તરફ સુરતમાં કોરોનાનું સંક્રમણ ધ્યું છે તો બીજી તરફ કોરોનાની સારવારમાં જરૂરી  રેમડેસીવીર ઇન્જેક્શન માટે દર્દીના પરિવારજનો હોસ્પિટલ બહાર વહેલી સવારથી લાઈનમાં ઉભા રહે છે ત્યારે સુરતમાં ડીસીબી પોલીસે  રેમડેસીવીર ઇન્જેક્શનની કાળા બજારી કરતા ૬ ઇસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે ડમી ગ્રાહક મોકલી આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

સુરત શહેરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે અને રોજના રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા છે. આ ઉપરાંત કોરોનાની સારવારમાં ઉપયોગી એવા રેમડેસિવિર ઈન્જેકશની સુરત શહેરમાં અછત સર્જાઈ છે. લોકો વહેલી સવારથી ઇન્જેક્શન મેળળવા લાઈનમાં ઉભા રહે છે. ત્યારે આ તમામ સમસ્યાઓ વચ્ચે  રેમડેસિવિર ઈન્જેકશની કાળાબજારી થતી હોવાની આશંકા પણ વ્યક્ત કરાઈ હતી. દરમ્યાન ડીસીબી પોલીસને બાતમી મળતા આ સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે અને 6 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે.

સુરત ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે પર્વત પાટિયા ખાતે આવેલા વિજય મેડીકલ પર કેટલાક ઈસમો રેમડેસિવિર ઇન્જેક્શનો કાળાબજારીમાં વેચાણ કરી રહ્યા છે. દરમ્યાન પોલીસે એક ટીમ બનાવી હતી અને ડમી ગ્રાહક મોકલ્યો હતો. જ્યાંથી અર્ચના સ્થિત સીતારામ સોસાયટીમાં રહેતા કલ્પેશ રણછોડભાઈ મકવાણાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેણે એક ઇન્જેક્શન 12 હજારમાં આપશે તેવી વાત કરી હતી. જ્યારે 6 ઇન્જેક્શનના 70 હજાર રૂપિયા લેવાનું નક્કી કર્યું હતું.

બાદમાં પુણાગામ મુક્તિધામ સોસાયટીમાં રહેતો બીજો આરોપી પ્રદીપ ચકોરભાઈ કાતરિય ડમી ગ્રાહક તરીકે આવેલી પોલીસને ગોડાદરા સ્થિત ફ્યુઝન પેથોલોજી લેબ પાસે લઇ ગયો હતો અને લેબમાંથી ઇન્જેક્શન લઇ આવ્યો હતો. જેથી પોલીસે તેની ધરપકડ કરી લેબમાં તપાસ કરી હતી. લેબમાં તપાસ કરતા શૈલષભાઈ જશાભાઈ હડિયા અને નીતિન હડિયા નામના બે ભાઈઓ ઝડપાયા હતા અને ત્યાંથી પોલીસે વધુ 6 ઇન્જેક્શન કબજે કરી 2.45 લાખની રોકડ પણ કબજે કરી હતી.

પોલીસે ઝડપી પાડેલા તમામની પુછતાછ હાથ ધરી હતી. જેમાં ઇન્જેક્શન ક્યાંથી લાવ્યા તે અંગે પૂછપરછ કરતા તે ઇન્જેક્શન યોગેશ બચુભાઈ કવાડ નામની વ્યક્તિ પાસેથી 4 હજારમાં ખરીદી કરી રૂ. 12 હજારમાં વેચતા હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે યોગેશને ઝડપી પાડી તેની કડકાઇથી પૂછપરછ કરતા તેણે આ ઇન્જેક્શન નિત્ય મેડીકલ સ્ટોરવાળા વિવેક હિમતભાઈ ધામેલીયા પાસેથી 10 ઇન્જેક્શન 1500ના ભાવથી અને બાકીના 10 ઈન્જેકશન 2 હજારના ભાવથી ખરીદ્યા હોવાનું જણાવ્યું હતું. અને ફ્યુઝન પેથોલોજી લેબ ખાતે વેચાણ કરતા હોવાની કબુલાત કરી હતી.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી વિવેક હિમતભાઈ ધામેલીયા નિત્યા મેડીકલ સ્ટોર વાળો 670 રૂપિયાના ભાવથી સીવીલ હોસ્પિટલમાંથી નિત્યા હોસ્પિટલમાં દાખલ દર્દીઓના આધાર કાર્ડની નકલનો ઉપયોગ કરી ડોક્ટરના પ્રિસ્ક્રિપશન સાથે પોતાની હોસ્પિટલ વતી એક માણસને સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી રોજ ઇન્જેક્શન મંગાવી લેતો હતો અને વધેલા તથા ડીસ્ચાર્જ થયેલા દર્દીઓના ઇન્જેક્શન તે કાળાબજારી કરી યોગેશ કવાડને વેચતો હતો. જે આગળ ફ્યુઝન લેબોરેટરીને 4 હજારમાં વેચતો હતો અને ફ્યુઝન લેબ વાળા માણસો રાખીને 12 હજારમાં રૂપિયામાં વેચી કાળા બજારી કરતા હતા.

પોલીસે આ ઘટનામાં 15 હજારની કિમતના 12 નંગ ઇન્જેક્શન, વેચાણના રોકડા રૂપિયા 2.45 લાખ, 5 મોબાઈલ, મળી કુલ 2.89 લાખની મત્તા કબજે કરી છે. અને આ ગુનામાં અન્ય કોઈ ઈસમો સામેલ છે કે કેમ તેમજ આવી રીતે કેટલો કાળોબાર કર્યો છે તે દિશામાં પોલીસે તપાસ શરુ કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud