• સુસેન સર્કલ પર મોડી રાત્રે પોલીસ કર્મીઓ દ્વારા સરપ્રાઇઝ વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
  • પીસીબી શાખામાં ફરજ બજાવતો શૈલેન્દ્રસિંહ નશામાં ચુર હતો, પોલીસે અરટીકા કારની તપાસ કરતા બે દારૂની બોટલો મળી આવી હતી.
  • પોલીસ કર્મીએ કાર રસ્તાની બાજૂમાં લેવાનુ કહેતા શૈલેન્દ્ર અને તેની સાથે કારમાં સવાર બન્ને શખ્સો ફરાર થઇ ગયા
  • વડસર બ્રીજ તરફ હંકારેલી કારનો પોલીસની મોબાઇલ વાને પીછો કર્યો પણ શૈલેન્દ્રસિંહ હાથ ના લાગ્યો
  • વડોદરા પોલીસની PCB (પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ) શાખા
(આ કારમાં સવાર હતો પીસીબીનો કોન્સ્ટેૂલ શૈલેન્દ્રસિંહ, પોલીસે કાર કબજે કરી)

WatchGujarat રાજ્યભરમાં કોરોનાની વણસી રહેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. જેથી શહેરના દરેક મહત્વના પોઇન્ટ ઉપર પોલીસનો રાત્રી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે. ગત મોડી રાત્રે મકરપુરા સ્થિત સુસેન સર્કલ ઉપર પોલીસ કર્મીઓ દ્વારા વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન અરટીકા કારમાં સવાર પીસીબી શાખાનો કોન્સ્ટેબલ દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. જેના કારની પોલીસે તપાસ કરતા બે દારૂની બોટલો પણ મળી આવી હતી. પોલીસે આ મામલે કાનૂની કાર્યવાહી હાથ ધરતા કાર સાઇડમાં પાર્ક કરવાના બહાને પીસીબીનો કોન્સ્ટેબલ નજર ચુંકવી અજાણી વ્યક્તિ સાથે કાર લઇ ફરાર થઇ ગયો હતો.

બનાવ અંગે મકરપુરા પોલીસ સ્ટેશનના ઇન્સપેકટર એસ.વી ગોસ્વામીએ માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે,  પોલીસ સ્ટેશનના સ્ટાફ સુસેન સર્કલ ખાતે જુદા-જુદા ચાર રસ્તાના પોઇન્ટ ઉપર સરપ્રાઈઝ વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન રાત્રે અઢી વાગ્યાની આસપાસ સુસેન સર્કલ પાસેથી પસાર થતી કાર શંકાસ્પદ જણાતા પોલીસે તેને રોકી હતી. અને કારમાં સવાર બે વ્યક્તિ પૈકી  ડ્રાઇવર સીટની બાજુમાં બેસેલા વ્યક્તિએ પોતાનું નામ શૈલેન્દ્રસિંહ મદનસિંહ  પીસીબી શાખામાં ફરજ બજાવતા હોવાનું જણાવ્યું હતું.

પોલીસે આઈકાર્ડની માંગ કરી પૂછપરછ કરતા  શૈલેન્દ્રસિંહે નશો કરેલો હોવાનું જણાઇ આવ્યું  હતું. જેથી પોલીસે કારની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની રૂપિયા ૭૦૦ ની કિંમત ધરાવતી બે બોટલ મળી આવી હતી. આ દરમિયાન કાયદેસરની કાર્યવાહી કરવાની હોય પોલીસે કાર સાઈડમાં લેવાનું જણાવતા પોલીસ કર્મીઓનું ધ્યાન ચૂકવી શૈલેન્દ્રસિંહ તરીકેની ઓળખ આપનાર વ્યક્તિ કાર લઇ નાસી છૂટયો હતો.

વાડી પોલીસ સ્ટેશનની વન મોબાઇલએ કારનો પીછો કર્યો હતો. પરંતુ કારને પકડવામાં સફળતા મળી ન હતી.  ઉપરોક્ત બનાવ સંદર્ભે માંજલપુર પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી પીસીબી શાખાના કર્મચારી શૈલેન્દ્રસિંહ અને કારચાલક અજાણ્યા શખ્સને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે. જોકે શૈલેન્દ્રસિંહ હાલ રજા પર હોવાનુ પણ જાણવા મળી રહ્યું છે.

સમગ્ર મામલે નોંધનીય બાબત તો એ છે કે, મોડી રાત્રે પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયેલા શૈલેન્દ્રસિંહની અરટીકા કાર પોલીસે કબજે કરી છે. પરંતુ શૈલેન્દ્રસિંહ તથા તેની સાથે કારમાં સવાર વ્યક્તિનો કોઇ પત્તો પોલીસને હજી સુધી મળ્યો નથી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud