• શુક્રવારે અમદાવાદ પધારેલાં ગૃહમંત્રીની સાથે દિવસભર રહ્યા બાદ નિતીન પટેલની તબિયત બગડી? કે તબિયત નાદુરસ્ત હોવા છતાં તેઓ ગૃહમંત્રીની નજીક રહ્યાં?
  • સામાન્ય જનતાના કોરોના ટેસ્ટના પરિણામ 48થી વધું કલાકે આવી રહ્યાં છે, ત્યારે શું નિતીન પટેલનાં RT-PCR ટેસ્ટનું પરિણામ ગણતરીના કલાકોમાં આવ્યું?
  • કોરોનાના પ્રારંભિક લક્ષણો જણાયાં હોવા છતાં નાયબ મુખ્યમંત્રી – આરોગ્ય મંત્રી બહાર નિકળ્યાં, એ બેદરકારીની કક્ષામાં આવે ખરું?

Watch Gujarat. કોરોના સંક્રમણનો બીજો તબક્કો ખૂબ જ ગંભીર બન્યો છે ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી – આરોગ્ય મંત્રી નિતીન પટેલે ઘોર બેદરકારી દાખવી છે. કોરોનાના પ્રાથમિક લક્ષણો જણાયાં હોવા છતાં તેઓ શુક્રવારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સાથે દિવસભર રહ્યાં હતાં. અને આજે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતાં, તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયાં છે. ત્યારે એમ કહેવું સ્હેજપણ ખોટું નથી કે, જો કાલે ઉઠીને ગૃહમંત્રી અમિત શાહને કોરોના સંક્રમણ લાગું પડે તો તે માટે કોન્ટેક્ટ ટ્રેસિંગ અનુસાર નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ પણ જવાબદાર ઠરે. અને એક રીતે નિતીન પટેલે બેદરકારી દાખવીને ગૃહમંત્રીનું સ્વાસ્થ્ય જોખમમાં નાંખ્યું છે.

શુક્રવારે ભારતના ગૃહમંત્રી અમિત શાહ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે બની રહેલી 900 બેડની ધન્વંતરી કોવિડ-19 હોસ્પિટલનું ઉદ્ધઘાટન કરવા માટે અમદાવાદ પધાર્યા હતાં. શનિવારે સવારથી ધન્વંતરી સ્પેશિયલ કોવિડ – 19 હોસ્પિટલ કાર્યરત થઈ જશે તેવી જાહેરાત પણ અમિત શાહે કરી હતી. જોકે, આજરોજ હોસ્પિટલ પર સારવારની આશાએ દર્દીને લઈ પહોંચેલો લોકોને ધરમધક્કો ખાવો પડ્યો હતો. અમિત શાહનું વચન પાલન કરવામાં તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે.

શુક્રવારે દિવસભર ગૃહમંત્રીની સાથે રહેનાર રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ આજરોજ કોરોના પોઝિટીવ આવતાં અનેક પ્રશ્નો ઉપસ્થિત થયાં છે. સામાન્ય સંજોગોમાં કોરોનાનાં પ્રારંભિક લક્ષણો દેખાય ત્યારે જ કોરોના ટેસ્ટ કરવામાં આવતો હોય છે. અને સામાન્ય નાગરીકોને કોરોના ટેસ્ટનું પરિણામ બે – ત્રણ દિવસે પ્રાપ્ત થતું હોય છે. ટેસ્ટનું પરિણામ આવવામાં ઓછાંમાં ઓછાં 24 કલાક તો લાગતાં જ હોય છે. આ સંજોગોમાં નિતીન પટેલે કોરોના ટેસ્ટ ગઈકાલે કરાવ્યો હોય એવું માનવામાં આવે, તો તેઓમાં કોરોનાના પ્રારંભિક લક્ષણો ગઈકાલે જ જોવા મળ્યાં હોય.

એક તરફ, રાજ્ય – કેન્દ્ર સરકાર લોકોને કામ વગર ઘરની બહાર નહીં નિકળવા, કોરોનાના લક્ષણો જણાય તો ટેસ્ટ કરાવવા – કાળજી લેવા… વગેરેની સુફિયાણી સલાહો આપે છે. ત્યારે બીજી તરફ, નાયબ મુખ્યમંત્રી – આરોગ્ય મંત્રીએ કોરોનાના લક્ષણો હોવા છતાં બહાર નિકળવાની કોઈ આવશ્યકતા હોય ખરી?

ભાજપા રાજમાં જનતા માટે અને અગ્રણીઓ માટે અલગ અલગ વ્યવસ્થા કરાઈ હોય, અને કદાચ એવું માનીએ કે, કોરોના ટેસ્ટ આજે જ કરાયો અને રેપિડ ગતિએ (અન્ય લોકોના ટેસ્ટ રોકીને) RT-PCRનું રિઝલ્ટ પ્રાપ્ત કરવામાં આવ્યું હોય. તો પણ, નિતીન પટેલમાં કોરોનાના પ્રારંભિક લક્ષણો આજે જ જોવા મળ્યાં હશે, એવું માનવાનું કોઈ કારણ ખરું?

કોરોના સંક્રમિત સ્વજન માટે બેડ, ઇન્જેક્શન, ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં સામાન્ય નાગરીકોની હાલત અત્યંત કફોડી બની રહી છે. ત્યારે શું યુ.એન. મહેતા હોસ્પિટલમાં નાયબ મુખ્યમંત્રી સહિતનાં અગ્રણીઓ માટે અલાયદી વ્યવસ્થા અગાઉથી જ કરી રાખવામાં આવી છે? જનતાને ભલે તકલીફ પડે, એમના મતના જોરે સત્તાપ્રાપ્ત કરનારા મહાનુભાવોને કોઈ તકલીફ ના પડવી જોઈએ.

હાલ કોરોના સંક્રમણ સામેની લડાઈમાં જનતાને ભગવાનના ભરોસે જીવવાં – મરવા છોડી દેનાર રૂપાણી સરકાર દ્વારા નિતીન પટેલ સામે કોઈ પગલાં ભરવામાં આવશે? ના કરે નારાયણ… પણ, જો ગૃહમંત્રી અમિત શાહ કોરોના સંક્રમિત થાય, તો શું નિતીન પટેલ નૈતિકતાના ધારણે જવાબદારી સ્વિકારશે? ભાજપાના અગ્રણીઓ કોવિડ ગાઈડલાઈનનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યાં છે, પરંતુ સરકારની ચમાચાગીરીમાં વ્યસ્ત સરકારી અધિકારીઓ ચૂં કે ચાં કરતાં નથી. માસ્ક નહીં પહેરાનાર મહાનુભાવો સામે નતમસ્તક પોલીસ તંત્ર પણ માત્ર સામાન્ય જનતાને દંડ ફટકારવામાં અને આપદાના સમયમાં પડ્યાં પર પાટું મારવાની ફરજ બજાવી રહી છે. આ સંજોગોમાં ખૂબ મહત્વના પદ પર બિરાજેલાં વ્યક્તિની બેદરકારી સામે પણ સ્હેજ વક્રદ્રષ્ટિ કરે તે જરૂરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સતત લોકો વચ્ચે રહેતા વ્યક્તિને કોરોના થાય તો તેને સુપર સ્પ્રેડરની કેટેગરીમાં ગણવામાં આવે છે. જો કે રાજકારણીને સુપર સ્પ્રેડર તરીકે ગણવા કે નહિ તે અંગે કોઇ સ્પષ્ટતા હાલ પ્રાપ્ત નથી. અને અત્યાર સુધી કોઇ રાજકારણીને સુપર સ્પ્રેડરની કક્ષામાં મુકવામાં આવ્યા નથી. પરંતું શાકભાજી વાળાથી લઇને અનેક લોકોને સુપર સ્પ્રેડર ગણાવામાં આવી ચુક્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud