• શહેરભરમાં ઠેર-ઠેર રાજકીય રસોડા ધમધમી ઉઠયા છે.
  • લોકો પણ મત તો જેને આપવો હોય તેને આપીશું માનીને અત્યારે જુદી જુદી વાનગીઓની લિજ્જત માણી રહ્યા છે.
  • જમવા માટે રીતસરની પડાપડી થવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

WatchGujarat રંગીલા ગણાતા રાજકોટ શહેરમાં ચૂંટણીની મોસમ પુર બહારમાં ખીલી ઉઠી છે. અને શહેરભરમાં ઠેર-ઠેર રાજકીય રસોડા ધમધમી ઉઠયા છે. અને હાલ નેતાઓનાં ખર્ચે ગાંઠિયા અને ભજીયા ઉપરાંત ચાપડી ઉંધીયાની જયાફતો ઉડી રહી છે. લોકો પણ મત તો જેને આપવો હોય તેને આપીશું માનીને અત્યારે જુદી જુદી વાનગીઓની લિજ્જત માણી રહ્યા છે. અમુક જગ્યાએ તો જમવા માટે રીતસરની પડાપડી થવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

ચૂંટણી આવે એટલે વોટબેંક બનાવવા માટે મતદારોને રિઝવવાના અવનવા ફંડા રાજકીય પાર્ટી અજમાવે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, વિધાનસભાની હોય કે પછી લોકસભાની, મતદારોને રિઝવવા માટે રસોડા ઉતમ માધ્યમ બનતા હોય છે. આવુ જ કંઇક હાલ મનપાની ચૂંટણીના માહોલમાં જોવા મળી રહ્યુ છે. જેમાં પ્રચાર, રેલી અને સભાથી રાજકીય ગરમાવો તો આવી જ ગયો છે. સાથો સાથે રસોડાની મહેક પણ ખીલી ઉઠી છે.

વોર્ડના વ્યક્તિગત ઉમેદવારોમાંથી કોઇ તાવો-ચાપડી તો કોઇ ભજિયા પાર્ટી કરી રહ્યા છે. અને સોસાયટીમાં અગાઉથી જ ચોક્કસ સ્થળનું સરનામુ આપીને ત્યાં ભોજન લેવા આવવાનું આમંત્રણ આપવામા આવે છે. અમુક વિસ્તારોમાં મહિલા મતદારોને રિતસર જલસા પડી ગયા છે. અને રાત્રે રસોડાની કડાકૂટમાંથી છૂટકારો મળવાની સાથે નવુ નવુ ભોજન પણ જમવાની મોજ માણે છે. ખાસ કરીને પછાત વિસ્તારમાં તો સહકુટુંબ રસોડે પહોંચી જાય છે.

આવુ જ કંઇક વોર્ડ નં.5, 13, 17 અને 18માં જોવા મળ્યુ હતુ. ભાજપ તરફથી ભજિયાનો તાવડો અવિરત ચાલુ રાખવામા આવ્યો હતો. જ્યારે કોંગ્રેસ તરફથી તાવો-ચાપડીનું રસોડુ ધમધમતુ હતુ. જ્યારે આમ આદમી પાર્ટીએ ગાંઠિયા-છાંશથી સંતોષ માન્યો હતો. તો પછાત વિસ્તારમાં બન્ને પક્ષ તરફથી સાડી વિતરણ થયાની ચર્ચા પણ ચાલી રહી છે. મોચી બજારનો ખાડો, આંબેડકરનગર, જંગલેશ્વર અને અન્ય ઝૂપડપટ્ટીઓમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે મતદારોને રિઝવવા રિતસર રેસ જામી હોય તેવું લાગી રહ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud