• 20,000 જેટલા વિદ્યાર્થીઓ ચીનની યુનિવર્સિટીઓમાં ભણે છે
  • 23,000 જેટલા વિદ્યાર્થીઓ હાલ ઓન-લાઈન અભ્યાસ કરે છે
  • ઓનલાઈન અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને પ્રતિબંધીત ચાયનીઝ એપ્સ ડાઉનલોડ કરવાની ફરજ પડી છે

WatchGujarat. થોડા સમય પહેલા ભારતમાં કેટલીક ચીનની એપ્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જેને લઈને હવે ભારતીય વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઓનલાઈન અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને પ્રતિબંધીત ચાઈનિઝ એપ્સ ડાઉનલોડ કરવાની ફરજ પડી રહી છે.

મળતી માહિતી મુજબ, કોરોનાના કારણે ચીનની વિવિધ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. 23,000 જેટલા વિદ્યાર્થીઓ હાલ ઓન-લાઈન અભ્યાસ કરે છે. જેમાંથી 20,000 જેટલા વિદ્યાર્થીઓ ચીનની યુનિવર્સિટીઓમાં ભણે છે. હાલમાં તેમનો અભ્યાસ ઓનલાઈન ચાલી રહ્યો છે પરંતુ તેમને એવી એપ્સ ડાઉનલોડ કરવાની ફરજ પાડવામાં આવે છે જેના પર ભારતીય સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ વિગત મીડિયાના અહેવાલ બાદ પ્રકાશમાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે સરહદ પર થયેલા વિવાદ બાદ ભારતે ચીનની 250 જેટલી એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ચીનની યુનિવર્સીટીમાં અભ્યાસ કરતાં ભારતીય આ મામલે વિદ્યાર્થીઓએ આક્ષેપ મૂક્યો છે કે, તેમના કોર્સને ચાલું રાખવા માટે યુનિવર્સિટીઓ દ્વારા ભારત સરકાર દ્વારા પ્રતિબંધીત મોબાઈલ એપ્સ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવે છે. ચીનની મોટા ભાગની યુનિવર્સિટીઓ વીચેટ, ડિંગટોક, સુપરસ્ટાર અને ટેન્સેન્ટની વિડીયો ચેટ એપનો ઉપયોગ કરે છે. તેઓ વિદ્યાર્થીઓને આવી એપ્સને એક્સેસ કરવાનું અને અભ્યાસ ચાલું રાખવાનું કહે છે. જેના કારણે ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

તમને જણાવી દઈએ કે ભારતમાં રહેતા ઈન્ડિયન સ્ટુડન્ટ્સ ઈન ચાઈનાના સભ્યો એવા આ વિદ્યાર્થીઓએ ચીન અને ભારત બંને સરકાર સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. નોંધનીય છે કે કામચલાઉ ઉકેલ માટે આ વિદ્યાર્થીઓ વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક (વીપીએન) દ્વારા અભ્યાસ કરી રહ્યા છે.

આ મામલે વાત કરતાં હાલમાં સૂચોઉ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલા દિલ્હીના એક વિદ્યાર્થીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, વીચેટ એપ પર અરાઉ મારા ઓનલાઈન ક્લાસ ચાલતા હતા. પરંતુ ભારતીય સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યા બાદ મારી યુનિવર્સિટીએ અન્ય એક ચાઈનિઝ એપ ડિંગટોકનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ એપ પર પણ ભારત સરકારે પ્રતિબંધ મુક્યો હતો.

તાજેતરમાં જ હરબિન મેડિકલ યુનિવર્સિટીમાંથી એમબીબીએસનું બીજુ વર્ષ પૂરૂ કરનારી જયપુરની એક વિદ્યાર્થિની હાલમાં નેશનલ એક્ઝિટ ટેસ્ટની તૈયારીઓ કરી રહી છે. તેણે કહ્યું હતું કે, ઓનલાઈન ક્લાસમાં પણ અમને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. મારી યુનિવર્સિટી ટેન્સેન્ટ એપ પર ક્લાસ લે છે જેના પર ભારતમાં પ્રતિબંધ છે.

ઉલ્લેખનીય છે કે ભારતની વિવિધ સંસ્થાઓએ બંને દેશના સત્તાવાળાઓ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે. આ વિશે વાત કરતાં સાઉધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના સભ્ય મનીષ કાપડિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતના વિદ્યાર્થીઓ તરફથી હું અને અન્ય કેટલાક લોકો કેન્દ્ર સરકારના મંત્રીઓ સાથે બેઠક યોજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જેથી કરીને અમે તેમની સમક્ષ વિદ્યાર્થીઓના મુદ્દા અને સમસ્યાઓની ચર્ચા કરી શકીએ. અને વહેલી તકે વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud