• નીરજ ચોપડા એથ્લેટિક્સમાં ઓલિમ્પિકમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી છે
  • ઓલિમ્પિકમાં ભારતને ગોલ્ડ અપાવનાર નીરજ ચોપડાની જીતની ખુશીમાં (નીરજ) નામનાં દરેક વ્યક્તિને રોપવેની મફત સવારી
  • ઓફર આગામી 20 ઓગસ્ટ એટલે કે, 12 દિવસ સુધી ચાલશે

WatchGujarat.  ભારતીય એથ્લીટ નીરજ ચોપડાએ ટોક્યો ઓલિમ્પિકમાં ભાલાફેંક સ્પર્ધામાં વિજયી બની દેશને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. જેની ખુશીમાં આખા દેશમાં ઠેર-ઠેર ફટાકડા ફોડી અને મીઠાઈઓ વહેંચીને જીતના જશ્નની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશવાસીઓ નીરજની આ જીતને કારણે ખુશીથી ઝૂમી ઉઠયા છે. તો આ જીતની ઉજવણીમાં ભાગીદાર થવા જૂનાગઢ ખાતે ગીરનાર રોપવેનું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપની પણ આગળ આવી છે. જેમાં કંપનીએ ખાસ ઓફર મૂકી છે. જેમાં રોપવેમાં સવારી કરવા આવનાર નીરજ નામનાં દરેક વ્યક્તિ માત્ર પોતાનું આઇડી બતાવી ફ્રીમાં ગીરનાર રોપવેની સવારી કરી શકશે.

કંપનીનાં સૂત્રોએ જણાવ્યા મુજબ, ઉષા બ્રેકો કંપનીએ આવતી કાલે સોમવારે 9 ઓગસ્ટથી ખાસ ઓફર શરુ કરી છે. આ ઓફર મુજબ ગત ઓલિમ્પિકમાં ભારતને ગોલ્ડ અપાવનાર નીરજ ચોપડાની જીતની ખુશીમાં આ (નીરજ) નામનાં દરેક વ્યક્તિને રોપવેની મફત સવારી કરાવવામાં આવશે. નીરજ નામની કોઈપણ વ્યક્તિ આ ઓફરનો લાભ લઈ શકે છે. આ ઓફર આગામી 20 ઓગસ્ટ એટલે કે, 12 દિવસ સુધી ચાલનાર હોવાનું પણ કંપની દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

નીરજ ચોપડાએ 87.03 મીટર દૂર ભાલો ફેંકી મેળવ્યો ગોલ્ડ

નીરજ ચોપડા એ એથ્લેટિક્સમાં ઓલિમ્પિકમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી છે. નીરજ ચોપડાએ ફાઇનલમાં 87.58 મીટર દૂર ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો છે. નીરજ ચોપડાએ પોતાના બીજા થ્રો માં આ દૂરી તય કરી હતી. નીરજે પ્રથમ થ્રો માં 87.03 મીટર સુધી ભાલો ફેંકીને નંબર 1 પર સ્થાન બનાવી લીધું છે. આ પછી તેણે આગામી થ્રોમાં જ પોતાનું પ્રદર્શન વધારે શાનદાર કર્યું હતું. અને ટોક્યોમાં ભારતને પ્રથમ ગોલ્ડ અપાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, નીરજ ચોપડા ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારો બીજો ભારતીય ખેલાડી બની ગયો છે. નીરજ ચોપડાએ ભારતને ગૌરવ અપાવતા તેની પર કરોડો રૂપિયાના ઈનામનો વરસાદ થઈ રહ્યો છે. તેની આ જીત બાદ હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે તેના માટે 6 કરોડ રૂપિયાના રોકડ પુરસ્કારની જાહેરાત કરી છે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે 2 કરોડ રૂપિયાના રોકડ પુરસ્કારની જાહેરાત કરી છે. તો BCCI અને ઈન્ડિયન પ્રીમિયર લીગ ફ્રેન્ચાઇઝી ચેન્નઈ સુપર કિંગ્સે નીરજ ચોપડાને એક-એક કરોડ રૂપિયાનું ઈનામ આપવાની ઘોષણા કરી છે.

આ ઉપરાંત મણિપુરની રાજ્ય સરકારે નીરજ ચોપડાને એક કરોડ રૂપિયાનો અને ભારત સરકારે રૂપિયા 75 લાખનો પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે. સાથે જ ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ચોપડાને Mahindra XUV700 આપવાનું એલાન કર્યું છે. નીરજ ચોપડાને પંચકુલામાં એથલેટિક્સના સેન્ટર ફોર એક્સેલન્સનો પ્રમુખ બનાવવાની જાહેરાત પણ કરવામાં આવી છે. સુત્રોમાંથી મળતી જાણકારી અનુસાર ઉત્તરપ્રદેશનાં એક પેટ્રોલપંપ માલિક નીરજ નામના વ્યક્તિને રૂપિયા 500નું પેટ્રોલ ફ્રી આપી રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud