• કોહલર કંપની નજીક દીપડો દેખાતા ગ્રામજનોમાં ફફડાટ, ચોમાસું ખેંચાતા માનવ વસ્તીમાં ખોરાક-પાણીની શોધમાં દીપડો આવી ચઢવાની શકયતા
  • નર્મદા નદી કાંઠો અને શેરડીના ખેતરોને લીધે પાણી, ખોરાક અને આશરો મળતો હોવાથી ઝઘડિયા, વાલિયા, નેત્રંગ તાલુકાઓમાં દીપડાઓનું આશ્રયસ્થાન

WatchGujarat. ભરૂચ જિલ્લાના નર્મદા કાંઠાના ગામો અને ખાસ કરી આદિવાસી તાલુકા ઝઘડિયા, નેત્રંગ અને વાલિયામાં દીપડાઓનું પ્રમાણ વધુ છે. નદી અને શેરડીના ખેતરો આવેલા હોય દિપડાઓને આશરો અને અન્ય પશુઓ ખોરાક તરીકે મળી રહે છે.

કેટલીય વાર દીપડા ગામમાં કે સીમમાં આવી ચઢવાના તેમજ પાલતુ પશુઓ અને લોકો પર હુમલાના બનાવો પણ બન્યા છે. ઝઘડીયા તાલુકો જંગલ વિસ્તારમાં આવેલો હોવાથી વન્ય પ્રાણીઓ અવાર નવાર દેખા દેતા હોય છે. તાલુકાનાં વિવિધ ગામોમાં દીપડાઓ દેખાઇ રહ્યા હોવાના બનાવો વધી રહ્યાં છે. મંગળવારે મોડી રાતે ઝઘડિયા GIDC સ્થિત તલોદરા ગામ નજીક આવેલી કોહલર કંપની પાસે દીપડો જાહેરમાં દેખાયો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.

જેમાં દીપડો બિન્દાસ્ત બેઠો હોવાનું જણાઈ આવ્યું છે ત્યારે તાલુકામાં દીપડાઓની સંખ્યામાં વધારો થયો હૉય તેમ લાગી રહ્યું છે. ઝઘડિયા તાલુકાના કાંઠા વિસ્તારમાં મોટા પ્રમાણમાં હિંસક દિપડાઓ વસવાટ કરી રહ્યા છે. જંગલ વિસ્તારમાંથી નર્મદાના કાંઠા વિસ્તારમાં દીપડાઓનું એ કારણે સ્થળાંતર થયું છે કે અહીં મોટા પાયે શેરડીનો પાક લેવાય છે. જેથી દીપડાઓને અન્ય પશુઓનો શિકાર પણ મળી રહે છે. શેરડીના ખેતરોમાં આશ્રયસ્થાન પણ મળી રહેતું હોય અહીં મોટા પ્રમાણમાં દીપડાઓ વસી ગયા છે.

હાલ ચોમાસું ખેંચાઈ જવા સાથે વન્ય જીવોને પણ ખોરાક-પાણી માટે રઝળપાટ કરવાનો વારો આવ્યો છે. ખોરાક પાણી ની શોધમાં દીપડો ઝઘડિયા જીઆઇડીસીના તલોદરા ગામ નજીક આવી ચઢ્યો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. ગ્રામજનોએ દીપડો દેખાવાની ઘટના બાદ વન વિભાગ પાંજરું મૂકી તેને પકડી માનવ વસ્તીથી દૂર સલામત સ્થળે છોડી મૂકે તેવી માંગણી કરી રહ્યાં છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud