• ખેતરમાંથી ભીંડા કાપી પોતાના બે સંતાનો સાથે પરત ઘરે આવી રહેલ દંપતી પૈકી પતિએ ખેતરમાંના અવાવરૂ કુવામાં પોતાની પત્નીને ફેંકવાનો કરેલો પ્રયાસ નિષ્ફળ ગયો
  • બે સંતાનોને કુવામાં ફેંકી દીધા બાદ પિતાએ કૂવામાં મોતનો ભૂસકો માર્યો હતો

#Dahod : પત્નીને કુવામાં ફેંકવાનો પ્રયાસ નિષ્ફળ ગયા બાદ પતિએ બે માસુમ બાળકો સાથે ઝંપલાવી સામુહિક આપઘાત કર્યો

WatchGujarat. Dahod જિલ્લાના લીમખેડા તાલુકાના નાની બાંડીબાર ગામે કોઈ અગમ્ય કારણોસર સર્જાયેલી સામૂહિક આત્મહત્યાની કરુણાંતિકા સર્જાઇ હતી. સાંજના સમયે પોતાના ખેતરમાંથી ભીંડા કાપી પોતાના બે સંતાનો સાથે પરત ઘરે આવી રહેલ દંપતી પૈકી પતિએ ખેતરમાંના અવાવરૂ કુવામાં પોતાની પત્નીને ફેંકવાનો કરેલો પ્રયાસ નિષ્ફળ જતા, તેણે પોતાના બે સંતાનોને કુવામાં ફેંકી દીધા બાદ પોતે કૂવામાં મોતનો ભૂસકો માર્યો હતો. અવાવરૂ કુવામાં જીવજંતુઓ ફરતા હોવાથી કુવા કાંઠે આવી પહોંચેલા તરવૈયાઓએ પણ કૂવામાં કૂદવાની હિંમત થઇ ન હતી. ગ્રામજનોએ આખરે લોખંડની બિલાડી (ગાળીયો) નાખી બે કલાકની ભારે જહેમત બાદ પિતા તથા બે સંતાનોની લાશ કૂવામાંથી બહાર કાઢી હતી.

પ્રાપ્ત વિગત અનુસાર લીમખેડા તાલુકાના નાની બાંડીબાર ગામે રહેતા 32 વર્ષીય જયંતીભાઈ સરતનભાઈ પટેલ, તેની 30 વર્ષીય પત્ની ધનીકાબેન, 11 વર્ષીય પુત્ર મેહુલ તેમજ 08 વર્ષીય પુત્ર યાદવ ખેતરમાં ગયા હતા. ખેતરમાં ભીંડી કાપવાનું કામ ચાલી રહ્યું હતું. ભીંડી કાપવાનું કામ પૂરું કરી સાંજના પાંચેક વાગ્યે ખેડૂત દંપતિ તથા તેમના બે દિકરા ઘરે પરત આવી રહ્યા હતા. દરમિયાન રસ્તામાં પગદંડી વાળા રસ્તે આવેલા એક ખેતરમાંના અવાવરૂ કુવા પાસે જયંતીભાઈએ પોતાની પત્ની ધનિકાબેનને પકડી કોઈ કારણસર કૂવામાં ફેંકવાનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ પત્નીએ યેનકેન પ્રકારે છટકી જઈ પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. ત્યારબાદ જયંતીભાઈએ તેમની આંખોના રતન સમા પોતાના બે દીકરાઓને પકડીને અવાવરૂ કુવામાં ફેંકી દીધા હતા. અને ત્યારબાદ જયંતીએ પોતે અવાવરૂ કૂવામાં મોતનો ભૂસકો માર્યો હતો. પોતાના પતિ તથા બે વ્હાલસોયા દીકરાઓને પોતાની નજર સામે કૂવામાં પડતા જોઈ ધનિકાબેન બેહોશ થઇ ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે દોડી આવેલા ગ્રામજનોએ ગામના નિષ્ણાત તરવૈયાઓને ઘટનાસ્થળે બોલાવ્યા હતા.

પરંતુ આશરે 15 ફૂટ જેટલા કૂવાના પાણીમાં ઝેરી સાપ તથા અન્ય જીવજંતુ ફરતા જોતા તરવૈયાઓએ કૂવામાં કૂદવાની હિંમત કરી ન હતી. ગ્રામજનોએ લોખંડની બિલાડી કૂવાના પાણીમાં નાખી ત્રણેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સતત બે કલાકની ભારે જહેમત બાદ લોખંડની બિલાડીથી ત્રણેય લાશોને કૂવામાંથી બહાર કાઢવામાં આવી હતી.
સંદર્ભે લીમખેડા પોલીસે સી.આર.પી.સી ૧૭૪ મુજબના અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની તપાસ હાથ ધરી છે. આ સામૂહિક આત્મહત્યા પાછળનું કારણ ઘર કંકાસ કે પછી આર્થિક સંકળામણ હોઈ શકે પરંતુ તેનું સાચું કારણ તો પોલીસ તપાસ બાદ જ બહાર આવે તેમ છે. હાલ સામૂહિક આત્મહત્યાનું રહસ્ય અકબંધ રહેવા પામ્યું છે.

More #Dahod #family #Crime #Watch Gujarat

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud